Get The App

નડિયાદમાં વર્ષોથી બંધ પડેલી દુકાનોની હરાજી કરી ભાડે આપવા માંગણી

Updated: May 24th, 2023

GS TEAM


Google News
Google News
નડિયાદમાં વર્ષોથી બંધ પડેલી દુકાનોની હરાજી કરી ભાડે આપવા માંગણી 1 - image


- લાખોના ખર્ચે નિર્માણ પામેલી દુકાનો ડમ્પિંગ સાઇટ બની ગઇ 

- ધૂળ ખાતી દુકાનોના કારણે પાલિકાને ભાડાની લાખોની આવક ગુમાવવી પડે છે

નડિયાદ : નડિયાદ શહેરના શેરકંડ તળાવ પરની દુકાનો તોડી પડાતા લોકો ધંધા વગરના થઈ ગયા છે. ત્યારે વર્ષોથી શહેરના મલારપૂરા રોડ સહિત વિવિધ વિસ્તારમાં આવેલી વર્ષોથી બંધ પડી રહેલી દુકાનોની હાલમાં હરાજી કરવામાં આવે તો દુકાનો લેવા પડાપડી થાય તેમ છે. ત્યારે નગરપાલિકાના સતાધીશો દ્વારા મલારપુર સહિતની બંધ દુકાનોની હરાજી કરવા નગરજનોમાંથી પ્રબલ માંગણી ઉઠવા પામી છે.

વર્ષો અગાઉ નડિયાદ નગરપાલિકાના વહીવટીદારના શાસનમાં પાલિકામાં આવક ઉભી કરવાના આશયથી ઠેર - ઠેર દુકાનો બનાવવામાં આવી હતી. આ દુકાનો પૈકી શહેરના હાર્દસમા મલારપુરા રોડ, હરિદાસ હોસ્પિટલ, અમદાવાદી બજારમાં, પશ્ચિમમાં વલ્લભનગર સહિતની દુકાનો ભાડે આપવાથી નગરપાલિકાને લાખો રૂપિયાની આવક ઊભી થાય તેમ છે.

આ ઉપરાંત નવાઇની વાત એ છે કે નગરપાલિકા દ્વારા શેરકંડ તલાવ પરની ૭૦ જેટલી દુકાનો તોડી પાડવામાં આવી છે. આ ઉપરાંત તલાટી બાગને છેડે આવેલી ૨૭ જેટલી દુકાનો કાંસમાં બેસી ગઈ હતી. બીજી બાજુ શહેરના હાર્દસમા મલારપુરા રોડ સહિત અનેક સ્થળે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલી દુકાનો ભાડે ન અપાતા આ દુકાનો ખંડેર હાલતમાં ફેરવાઈ ગઈ છે. આ દુકાનો ભાડે ન આપતા નગરપાલિકાએ લાખો રૂપિયાની આવક ગુમાવી છે. પાલિકાના સત્તાધિશો દ્વારા કયા કારણસર બંધ પડેલી દુકાનોને ભાડે આપવામાં આવતી નથી તેને લઈ જાગૃત પ્રજામાં પ્રશ્નો ઉઠવા પામ્યા છે. નગરજનો, વિપક્ષ દ્વારા પાર્કીંગ સ્ટેન્ડ બનાવવા સામે વિરોધ કરવા છતાં લાખો રૂપિયાના ખર્ચે બિનજરૂરી પાર્કીંગ સ્ટેન્ડ યુદ્ધના ધોરણે બનાવવામાં આવી રહ્યું છે. ત્યારે પાલિકાના સત્તાધિશો શહેરમાં બંધ પડેલી તમામ દુકાનોની હરાજીથી ભાડે વેચાણ આપવા કાર્યવાહી કરવા પ્રબળ લાગણી વ્યાપી છે. આમ પાલિકાના સત્તાધિશો આવક ઊભી કરવામાં નહીં પરંતુ માત્ર પોતાના ખિસ્સા ભરાય તેવા કામોમાં રસ દાખવતા હોવાનો નગરજનોમાં ગણગણાટ થઈ રહ્યો છે.

Tags :