ખેડા વિધાનસભાની 6 બેઠકો માટે કોંગ્રેસમાં 30 દાવેદારો
- વિધાનસભાની ચૂંટણી માટે સેન્સ લેવાઇ
- માતર બેઠકમાં સૌથી વધુ 14 અને કપડવંજ તેમજ મહુધા બેઠક માટે એક - એક ઉમેદવારોએ દાવેદારી કરી
ખેડા જિલ્લો વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાય છે. હાલમાં છ બેઠકોમાંથી ત્રણ બેઠકો પર કોંગ્રેસ અને ત્રણ બેઠકો ભાજપાના કબજામાં છે. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં છ એ છ બેઠકો કબ્જે કરવા ભાજપ, કોંગ્રેસ દ્વારા રણનીતિ ઘડવામાં આવી રહી છે. કોંગ્રેસ દ્વારા નડિયાદ સકટ હાઉસ ખાતે કોંગ્રેસના સેક્રેટરી ઉષાબેન નાયડુ, રાજ્ય સભાના સાંસદ અમીબેન યાજ્ઞિાક સહિતના નેતૃત્વમાં વિધાનસભાના ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન છ બેઠકો માટે ૩૦ જેટલા ઉમેદવારોએ પોતાની દાવદારી રજૂ કરી હતી. જેમાં માતર બેઠક માટે સૌથી વધુ ૧૪ ઉમેદવારો, નડિયાદમાં પાંચ, મહેમદાવાદમાં ચાર, કપડવંજ અને મહુધામાં એક એક ઉમેદવાર જ્યારે ઠાસરા વિધાનસભા બેઠક માટે પાંચ ઉમેદવારોએ પોતાની દાવેદારી રજૂ કરી હતી. જો કે મહુધા અને કપડવંજમાં વર્તમાન ધારાસભ્યએ દાવદારી રજૂ કરી નથી. વિધાનસભાની ચૂંટણીમાં દાવેદારી મજબૂત બનાવવા ભાવિ ઉમેદવારો પોતાના સમર્થકોના સાથે સર્કીટ હાઉસ પર ઉમટી પડયા હતાં.