Get The App

અમિત જેઠવા હત્યાકાંડનાં મુખ્ય સાક્ષી પર હુમલો, પૂર્વ સાંસદ સામે આક્ષેપ

Updated: Feb 3rd, 2023

GS TEAM


Google News
Google News
અમિત જેઠવા હત્યાકાંડનાં મુખ્ય સાક્ષી પર હુમલો, પૂર્વ સાંસદ સામે આક્ષેપ 1 - image


ઉના તાલુકાનાં અહેમદપુર માંડવી નજીક ઘટના બની  ઉના બાદ જૂનાગઢ અને ત્યાંથી વધુ સારવાર માટે પોલીસ રક્ષણ સાથે રાજકોટ ખસેડાયા, હાઈકોર્ટની મુદ્દત સમયે જ ઘટના બનતા ચકચાર

 જૂનાગઢ,: ચકચારી અમીત જેઠવાનાં હત્યા કેસનાં મુખ્ય સાક્ષી ધર્મેન્દ્રગીરી ગોસ્વામી પર આજે ઉનાનાં અહેમદપુર માંડવી નજીક મીની દિવ વિસ્તારની સાઈટ પર મોટરકારમાં આવેલા અજાણ્યા શખ્સોએ લોખંડનાં અને લાકડા ધોકા વડે હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલ ધર્મેન્દ્રગીરીને ઉના બાદ વધુ સારવાર માટે જૂનાગઢ અને ત્યાંથી પોલીસ રક્ષણ સાથે રાજકોટ ખસેડવામાં આવેલ છે. આ બનાવમાં પુર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી અને તેનાં ભત્રીજા શીવા સોલંકીનાં માણસોએ હુમલો કર્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.

વર્ષ 2010માં ખાંભાનાં આરટીઆઈ એકટીવીસ્ટ અમીત જેઠવાની અમદાવાદ હાઈકોર્ટ સામે ગોળી મારી ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જેનાં મુખ્ય સાક્ષી ધર્મેન્દ્રગીરી ગોસ્વામી હતા. ધર્મેન્દ્રગીરી ગોસ્વામી આ કેસમાં જુબાની આપવા માટે સીબીઆઈ કોર્ટમાં જાય તે પહેલા તેમનાં દિકરાનું દિનુ બોઘાનાં માણસોએ અપહરણ કરેલ હોવાના બનાવની વિગત સીબીઆઈ કોર્ટ સમક્ષ વર્ણાવવામાં આવી હતી. જેને લઈ કોર્ટ દ્વારા દિનુ બોઘા સામે ઉના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

આ બનાવને લઈ ઉના પોલીસે દિનુ બોઘા સામે ગુનો દાખલ કરેલ હતો પરંતુ આજ સુધી તેની ધરપકડ કરવામાં આવતી ન હોવાથી ધર્મેન્દ્રગીરી ગોસ્વામીએ આ અંગે હાઈકોર્ટમાં પીટીશન કરી હતી, જેની આજે મુદત હતી. આ દરમ્યાન આજે ધર્મેન્દ્રગીરી ગોસ્વામી પર હુમલો થતા તેમને તાત્કાલીક ઉનાની હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જયાં વધુ સારવારની જરૂર જણાતા તેઓને જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

આ બનાવને લઈ કોડીનારનાં આરટીઆઈ એકટીવીસ્ટ મહેશ મકવાણાએ જૂનાગઢમાં ધર્મેન્દ્રગીરી ગોસ્વામીની સારવારને લઈ જણાવ્યું હતું કે, પુર્વ સાંસદ દિનુ સોલંકી અને શીવા સોલંકીનાં માણસો દ્વારા ધર્મેન્દ્રગીરી ગોસ્વામી પર હુમલો કરવામાં આવ્યો છે અને જૂનાગઢનાં તબીબો પર દિનુ સોલંકી દબાણ કરી હુમલાનો ભોગ બનેલ ધર્મેન્દ્રગીરીને હોસ્પિટલમાં સારવાર ન મળે તે માટે રીફર કરવા દબાણ કરતા હોવાનો આરોપ લગાવ્યો છે. ઈજાગ્રસ્ત ધર્મેન્દ્રગીરી ગોસ્વામીને વધુ સારવાર માટે જૂનાગઢથી રાજકોટ ખસેડવામાં આવ્યા છે. હજુ આ બનાવને લઈ કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. પોલીસ દ્વારા બનાવને લઈ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ રહી છે.

Tags :