જામનગરમાં વિધાનસભાની ટિકિટની ફાળવણીના મુદ્દે સતવારા સમાજ એક જૂથ ભારતીય જનતા પાર્ટી થી ખફા
- ભાજપ સાથે જોડાયેલા સતવારા સમાજના અગ્રણીના રાજીનામાં થી રાજકીય ભૂકંપ
જામનગર,તા.24 નવેમ્બર 2022,ગુરૂવાર
જામનગર ગ્રામ્ય ૭૭ - વિધાનસભા વિસ્તારની બેઠક માટે સતવારા સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટની માંગણી કરવામાં આવી હતી, પરંતુ પાર્ટી દ્વારા પાટીદાર સમાજને ટિકિટ ફાળવાઈ હોવાથી સતવારા સમાજ ખફા થયો છે, અને મોટા પ્રમાણમાં સતવારા સમાજના હોદ્દેદારો અગ્રણીઓની તાકીદની બેઠક યોજાઇ હતી, અને ભાજપના હોદ્દેદાર એવા સતવારા સમાજના આગ્રણીએ રાજીનામું ધરી દીધું છે. તેમજ સતવારા સમાજને ન્યાય આપે તેની તરફેણમાં રહીને મતદાન કરવા નિર્ણય લેવાયો છે.
જામનગરના સતવારા સમાજના અગ્રણી ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ ભનુભાઈ માધુભાઈ ચૌહાણએ ગઈકાલે જિલ્લા ભાજપના પ્રમુખને રાજીનામું આપી દીધું છે જ્યારે તેઓ દ્વારા પોતાના સમાજને અન્યાય કરવામાં આવ્યો હોવાની રજૂઆત કરીને ભારતીય જનતા પાર્ટી સામે નારાજગી વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં જે પક્ષ સતવારા સમાજને ન્યાય આપશે તેને મતદાન કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ રાજીનામાના પત્ર તેમજ સતવારા સમાજની બેઠક ને લઈને ૭૭- ગ્રામ્ય વિધાનસભા વિસ્તારમાં રાજકીય ભૂકંપ આવ્યો છે.