વહિવટી તંત્ર લોકોના દ્વારે' શીર્ષક હેઠળ નંદનવન સોસાયટીમાં પ્રાંત અધિકારી તથા મામલતદાર દ્વારા રાત્રી સભા યોજાઈ
- સ્થાનિક રહેવાસીઓને સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કરી તેઓના પ્રશ્નો અંગે સત્વરે કાર્યવાહી હાથ ધરવા ખાત્રી અપાઈ
જામનગર તા 14 જુન 2022,મંગળવાર
જામનગર શહેરની સરકારી શાળા નં. ૪ અને ૨૧ નંદનવન સોસાયટીમાં શહેર પ્રાંત અધિકારી આસ્થા ડાંગરના અધ્યક્ષ સ્થાને વહીવટી તંત્ર લોકોના દ્વારે શિષર્ક હેઠળ રાત્રી સભાનુ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં જામનગર શહેરમાં આવેલી વહીવટી તંત્રની વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ રાત્રી સભામાં સ્થાનિક કોર્પોરેટરઓ, એફ.પી.એસ. દુકાનદારો તથા બહોળી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ રાત્રી સભા દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ દ્વારા વિવિધ કચેરીઓમા ચાલતી સરકારી યોજનાઓ અંગે ઉપસ્થિત સૌને માહિતગાર કરાયા હતા. જેમાં સ્થાનિક રહેવાસીઓ તથા કોર્પોરેટરઓ દ્વારા ત્યાંના વિસ્તારમાં પડતી મુશ્કેલીઓ જેવી કે પીવાના પાણીના ધીમા પ્રવાહ, ગટરનુ પાણી ઉભરાવુ, ખુલી ગટર, અવાર નવાર વીજળી જતી રહેવી, દિવ્યાંગોને મળતી સહાય, રેશન કાર્ડ દ્વારા મળતા લાભ જેવા વિવિધ પ્રશ્નો અંગે અધિકારીઓઓ સાથે ચર્ચા કરાઈ હતી તેમજ વિવિધ પ્રકારની સરકારી સહાય મેળવવામાં પડતી મુશ્કેલીઓ અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જે બાબતે ત્યાનાં સ્થાનિકોને પડતી મુશ્કેલીઓની નોંધ કરી ત્વરિત નિવારણ લાવવામાં આવશે, તેવી લગત વિભાગના અધિકારીઓ દ્વારા ખાતરી આપવામા આવી હતી. કાર્યક્રમના સમાપનમા શાળા નં.૪ અને ૨૧ના રાજયકક્ષાએ સફળતા મેળવતા વિદ્યાર્થીઓને પ્રાંત અધિકારીશ્રી તથા મામલતદારશ્રી દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનીત કરાયાં હતા.આ તકે, શહેર મામલતદાર, જહાનવીબા જાડેજાએ આયોજનને સફળ બનાવવા બદલ સર્વે અધિકારીઓ, સર્વે કોર્પોરેટરઓ, તથા ઉપસ્થિત રહેવાસીઓનો આભાર વ્યકત કર્યો હતો.