કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડીયામાં પરિણીતાનો ઝેરી દવા પી લઇ આપઘાત
- માનીતા ભાઈને ઘેર જમવા જવાની પતિએ ના પાડતા માઠું લાગવાથી ભરેલું અંતિમ પગલું
જામનગર, તા. 20 નવેમ્બર 2020, શુક્રવાર
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડીયા ગામમાં રહેતી એક પરિણીતાએ પોતાના ઘરે ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. પોતાના માનીતા ભાઈને ઘેર જમવા જવાની પતિએ ના પાડતા માઠું લાગવાથી આ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડીયા ગામમાં વાડી વિસ્તારમાં રહેતી મનિષાબેન મુકેશભાઈ મકવાણા નામની 37 વર્ષની પરિણીતાએ ગઈકાલે પોતાના ઘેર ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, જ્યાં સારવાર મળે તે પહેલાં જ તેણીનું મૃત્યુ નીપજયું છે.
આ બનાવ અંગે મૃતકના પતિ મુકેશભાઈ મકવાણાએ પોલીસને જાણ કરતા કાલાવડ ગ્રામ્ય પોલીસે મનિષાબેનના મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક મનીષાબેનને તેણીના માનેલા ભાઈને ત્યાં જમવા જવાનું હતું, પરંતુ પતિ એ જમવા જવાની ના પાડતા માઠું લાગી આવ્યું હતું, અને ઝેરી દવા પી લઇ પોતાની જિંદગીનો અંત લાવી દીધો હતો. જે સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.