લંડનના મેયરની ચૂંટણીઃ ભારતીય મૂળના તરુણ ગુલાટી પાકિસ્તાની મૂળના હાલના મેયર સાદિક ખાન વચ્ચે જંગ જામશે
Image Source: Twitter
લંડન, તા. 9 નવેમ્બર 2023
બ્રિટનમાં અત્યારે ભારતીય મૂળના ઋષિ સુનક વડાપ્રધાન છે હવે દેશની રાજધાની લંડનને પણ બહુ જલ્દી ભારતીય મૂળના મેયર મળી શકે છે.
લંડનના બિઝનેસમેન તરુણ ગુલાટીએ મે 2024માં યોજાનારી મેયરની ચૂંટણી માટે દાવેદારી નોંધાવી છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે, હું લંડનનો ભારતીય મૂળનો પહેલો મેયર બનીશ. 63 વર્ષીય ગુલાટી ગત મહિને ભારત આવ્યા હતા અને અહીંથી જ તેમણે મેયર પદ માટે દાવેદારી નોંધાવી હતી. તેમણે તિરુપતિ બાલાજીના દર્શન કર્યા હતા અને હૈદ્રાબાદમાં રોકાણ દરમિયાન મેયર પદની ચૂંટણી અંગે જાહેરાત કરી હતી.
તેમનુ કહેવુ છે કે, હું લંડનને દુનિયાનુ ટોચનુ શહેર બનાવવા માટે મહેનત કરીશ. શહેરમાં લોકો પોતાને સુરક્ષિત મહેસૂસ કરે તેવા મારા પ્રયાસો રહેશે. લંડનના મિડલ ક્લાસ અને લોઅર મિડલ ક્લાસ લોકો માટે હજી ઘણુ કરવાની જરુર છે. સાથે સાથે લોકોને સસ્તા ઘર મળે તે મારી પ્રાથમિકતા રહેશે. ગુલાટી અપક્ષ ચૂંટણી લડવા માંગે છે. મારા વિચારોને મતદાતાઓ પસંદ કરશે.
મેયર તરીકે તેમનો મુકાબલો પાકિસ્તાની મૂળના લેબર પાર્ટીના નેતા અને હાલના મેયર સાદિક ખાન તેમજ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા સુઝેન હિલ સાથે થશે. સુઝેન જો ચૂંટણી જીતશે તો તે લંડનના પહેલા મહિલા મેયર બનશે.