ઈઝરાયલી સૈન્યનું ઓપરેશન : હમાસના 60 આતંકી ઠાર, 250 નાગરિકોને બચાવ્યા
- ઓપરેશનનો વીડિયો લશ્કરે સોશિયલ મીડિયામાં શેર કર્યો
- ગાઝા પટ્ટીની નજીક સૂફા ચોકીના વિસ્તારમાં લશ્કરે હમાસના નેવી કમાન્ડર મોહમ્મદ અબુ અલી સહિત 26 આતંકીઓને પકડયા
નવી દિલ્હી : ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક ઓપરેશનનો વીડિયો શેર કરવામાં આવ્યો હતો. ઈઝરાયલી સૈન્યએ ગાઝા પટ્ટી નજીકની સૂફા ચોકી પાસે દિલધડક ઓપરેશન હાથ ધરીને હમાસના ૬૦ આતંકીઓને ઠાર કર્યા હતા અને હમાસે પકડી લીધેલા ઈઝરાયલના ૨૫૦ નાગરિકોને મુક્ત કરાવ્યા હતા. એટલું જ નહીં, હમાસના વાઈસ નેવી કમાન્ડર સહિત ૨૬ને પકડી લીધા હતા.
ઈઝરાયલની સૈન્યએ લાઈવ ઓપરેશન હાથ ધરીને હમાસના ૬૦ને ઠાર કર્યા હતા. ગાઝા પટ્ટી નજીકની સૂફી ચોકીના વિસ્તારમાં હમાસે ઈઝરાયલના ૨૫૦ નાગરિકોને પકડીને બંદી બનાવ્યા હતા. એ નાગરિકોને બચાવવા માટે ઈઝરાયલના સૈન્યએ દિલધડક ઓપરેશન હાથ ધર્યું હતું. એ લાઈવ ઓપરેશન દરમિયાન ૨૫૦ નાગરિકોને છોડાવવા ઉપરાંત હમાસના આતંકીઓ ઠાર થયા અને તે સિવાય નેવી ઉપ કમાન્ડર મોહમ્મદ અબુ અલી સહિત ૨૬ હમાસ આતંકીઓને પકડી લીધા હતા. ઈઝરાયલના હથિયારો અને આધુનિક ગનથી સજ્જ સૈનિકો ચપળતાથી એક પરિસરમાં પ્રવેશ કરે છે. ત્યાં પરિસરમાં હમાસના આતંકીઓ ગોળીબાર કરે છે.
ઈઝરાયલનું સૈન્ય એનો જવાબ આપે છે અને પછી ગ્રેનેડ ફેંકીને બંધ દરવાજા તોડી પાડે છે. એમાં પણ આતંકીઓને ઠાર કરે છે અને તે પછી નાગરિકોને સંપૂર્ણ લશ્કરી સુરક્ષા વચ્ચે પરિસરમાં બહાર કાઢે છે.
સૈન્યના નિવેદનમાં કહેવાયું હતુંઃ સૈન્યના સંયુક્ત પ્રયાસમાં ગાઝા સિક્યુરિટી ફેન્સની નજીકમાં હમાસના કેમ્પોને તબાહ કર્યા હતા અને નાગરિકોને બચાવ્યા હતા. આ ઓપરેશન ખૂબ જ કુશળતાથી પાર પડયું હતું.
સોશિયલ મીડિયામાં શેર થયેલો આ વીડિયો વાયરલ બન્યો હતો. લોકોએ પ્રતિક્રિયા આપી હતી કે આ ઓપરેશન જોઈને જ ખબર પડે છે કે ઈઝરાયલનું સૈન્ય કેમ વિશ્વના શ્રેષ્ઠ લશ્કરી દળોમાં સ્થાન પામે છે. એની શિસ્ત અને કામ કરવાની પદ્ધતિ ખરેખર બેનમૂન છે.