ફ્રાન્સઃ ધાર્મિક નારા લગાવતા વ્યક્તિએ સ્કૂલમાં કરેલા હુમલામાં એક શિક્ષકનુ મોત, બે વિદ્યાર્થી ઘાયલ
image : Twitter
પેરિસ,તા.14 ઓક્ટોબર 2023,શનિવાર
ફ્રાંસની સ્કૂલમાં કટ્ટરવાદી વિચારધારા ધરાવતા વ્યક્તિએ ઘૂસી જઈને કરેલા હુમલામાં એક શિક્ષકનુ મોત થયુ છે અને બીજા બે વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે.
આ ઘટના બાદ ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોને આ સ્કૂલની મુલાકાતે પહોંચ્યા હતા.તેમણે કહ્યુ હતુ કે, ફ્રાંસ ઈસ્લામિક આતંકવાદનો ભોગ બન્યુ છે. ત્રણ વર્ષ પહેલા આ જ રીતે ધાર્મિક કટ્ટરવાદના કારણે એક શિક્ષક સેમ્યુઅલ પેટીની હત્યા કરવામાં આવી હતી અને એ પછી સ્કૂલોમાં ફરી આતંકવાદ પ્રસરી રહ્યો છે.
તેમણે કહ્યુ હતુ કે, ફ્રાંસ કટ્ટરવાદી ધાર્મિક વિચાર સરણીનો ભોગ બની રહ્યુ છે. ફરી એક વખત કાયરતાપૂર્ણ રીતે શિક્ષકની હત્યા કરવામાં આવી હતી. જોકે દેશના લોકો એક બીજાની સાથે મક્કમ થઈને ઉભા છે.
મળતી વિગતો પ્રમાણે શુક્રવારે ઉત્તર ફ્રાંસમાં આવેલા અર્રાસ નામના શહેરની એક સ્કૂલમાં હુમલાખોર હથિયાર લઈને ઘૂસ્યો હતો અને તે ધાર્મિક નારાઓ પણ લગાવી રહ્યો હતો. આ દરમિયાન બે શિક્ષકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ તેને રોકવાની કોશિશ કરી હતી. જેમાં એક શિક્ષકનુ મોત થયુ હતુ અને બીજા બે વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. એ પછી પણ આરોપીએ ધાર્મિક નારા લગાવવાનુ ચાલુ રાખ્યુ હતુ.
પોલીસે સ્કૂલને ચારે તરફથી ઘેરી લઈને હુમલાખોરની ધરપકડ કરી હતી. હુમલો કરનાર વ્યક્તિ ઈસ્લામિક કટ્ટરવાદી સંગઠન સાથે જોડાયેલો હોવાનો અને તે સ્કૂલનો જો પૂર્વ વિદ્યાર્થી હોવાનો આરોપ લાગ્યો છે.