કૃષ્ણ જન્માષ્ટમીએ ક્રૂર કંસનું કાર્ય કરશો નહીં!
- શ્રીકૃષ્ણની માખણચોરી કે ગોકુળમાં સદ્ગુણોની ઉજાણી?
- વોટ દેતા હૂં મૈં ઉસ લોકસેવકોં કો,
જિસકે ફિર હમ સેવક બન જાતે હંૈ.
વોટ દેતા હૂં મૈં ઉસ ગરીબ ફકીરોં કો,
જો ફિર હમારે શહનશાહ બન જાતે હૈ.
જન્માષ્ટમીનું પર્વ આવી રહ્યું છે ત્યારે સ્વાભાવિક રીતે જ શ્રીકૃષ્ણની બાળક્રીડાનું સ્મરણ થાય અને 'મૈયાં મોરી, મૈં નહીં માખન ખાયો' એ સૂરદાસની મનમોહક પંક્તિઓ આપોઆપ યાદ આવી જાય. માખણચોર શ્રીકૃષ્ણનું ચિત્તાકર્ષક રૂપ આપણી નજર સમક્ષ ખડું થાય છે.
કૃષ્ણની બાળલીલાની મધુર વાતો માનવકૃષ્ણની ઓળખ આપે છે. કૃષ્ણ ચરિત્ર એવું છે કે એની એક બાજુ તમે શ્રીકૃષ્ણને માનવ તરીકે જોઈ શકો, બીજી બાજુ શ્રીકૃષ્ણ મહામાનવ લાગે અને એથી આગળ વધીને જુઓ તો અતિમાનવ કે અવતાર લાગે. આવા શ્રીકૃષ્ણનો જન્મ કારાવાસની કાળી કોટડીની વચ્ચે થયો. જગતને પ્રકાશ આપવા માટે કૃષ્ણનું આગમન થયું. જ્યાં કૃષ્ણ માત્ર અંધકારને ભેદીને કંસના કારાવાસમાંથી બહાર નીકળતા નથી, બલ્કે યમુનાના મધુર જળમાં વિહાર કરીને જગત પર વ્યાપ્ત ક્રૂરતા અને કુટિલતાનો અંધકાર દૂર કરે છે. આવી વિભૂતિનો જન્મ અનેક વિરલ ઘટનાઓ સર્જતો હોય છે. શ્રીકૃષ્ણના જન્મની 'શ્રીમદ્ ભાગવત'માં લખેલી કથા કહે છે કે ટોપલીમાં બાળકૃષ્ણને વસુદેવ લઈ જતા હતા, ત્યારે યમુનાનાં પૂરનાં પાણી વધવા લાગ્યાં. આથી વસુદેવે પાણીને પુત્રના પગનો સ્પર્શ કરાવ્યો અને ચરણસ્પર્શ થતાં જ યમુનાનાં પાણી ઊતરી ગયાં.
જલ સાથે જીવનનો કેટલો બધો સંબંધ છે! કૃષ્ણચરિત્રમાં સતત જળમહિમા જોવા મળે છે અને યમુનાના પ્રવાહની આસપાસ એમનું જીવન કેવું જળસમીપે પસાર થતું હોય છે. ચરણસ્પર્શથી નદીમાં આવેલા પૂરનું પાણી ઊતરી જાય છે. એ જ રીતે કાલીય નાગની કથામાં પણ યમુનાના જળની વાત છે.
એ માત્ર નંદ-યશોદાના ઘેરથી માખણની ચોરી કરતા નહોતા. ગોપીઓના ઘરમાંથી પણ માખણની ચોરી કરતા હતા. સવાલ એ જાગે કે નંદરાજાને ઘેર વસનાર શ્રીકૃષ્ણને આમ માખણ ચોરવા શા માટે ઘેર ઘેર જવું પડે? એમને તો આવી કશી જરૂર ન હોય, પરંતુ તેઓ પ્રત્યેક ઘરમાંથી માખણ ચોરી લાવતા એટલે કે એ ઘરનું નવનીત લઈ આવતા. એ ઘરમાં જોવા મળતાં પ્રેમ, મૈત્રી, સદ્ભાવ, સહિષ્ણુતા એ બધાને એ શોધી લાવતા. એ ઘર કે એ કુટુંબનો અર્ક લઈ આવતા અને પછી એ અર્ક, એ નવનીત કે એ માખણ ગોપબાળોને ભેગા કરીને વહેંચતા હતા. પોતે ખાતા હતા અને ક્યારેક મુખ પર એ માખણ ચોંટી જતું હતું. ગોપબાળોને પણ માખણ ખવડાવીને એમના જીવનના નવનીતરૂપ સદ્ગુણો આપતા હતા.
જ્યાં સદ્ગુણોની વહેંચણી થતી હોય, ત્યાં દુર્ભાવો ક્યાંથી ટકે? બાળશ્રીકૃષ્ણની માખણચોરીને પરિણામે ગોકુળમાં સર્વત્ર સદ્ગુણોનો પ્રભાવ પ્રસરવા લાગ્યો. લોકોનું જીવન શુદ્ધ, સાત્ત્વિક અને સંસ્કારી બન્યું. એથીય વિશેષ આ માખણચોરની કથાએ ગોકુળવાસીઓના ઘર-ઘરમાં સદ્ગુણોનો ઉત્સવ રચ્યો. ઘરમાં રહેલી સાત્ત્વિકતા આખાય પરિવારમાં પ્રસરવા લાગી.
હજી તો શ્રીકૃષ્ણ ગોકુળમાં નંદગોપને ત્યાં આવ્યા હતા. સ્તનપાન કરતા બાળક હતા અને ત્યારે કંસે રાક્ષસી પૂતનાને મોકલીને કૃષ્ણને મારી નાખવાનો વિચાર કર્યો. વિચાર કરો કે આતંકીઓનું કેવું સામ્રાજ્ય જામ્યું હશે! પૂતનાએ શ્રીકૃષ્ણના મુખમાં પોતાનું વિષયુક્ત સ્તન મુક્યું કૃષ્ણ તેના સ્તન્યને તેના પ્રાણ સાથે પી ગયા. અન્યાય અને અનાચારના વાતાવરણમાં શ્રીકૃષ્ણને બાળ ખેલ ખેલવાના આવ્યા. જુલમ અને અન્યાય એના બધા દાવપેચ અજમાવે છે અને દમન કરવામાં કશું બાકી છોડતા નથી, એ રીતે બાળકૃષ્ણએ તૃણાવર્ત, વત્સાસુર, બકાસુર, અઘાસુર, વ્યોમાસુર, અરિષ્ટાસુર, કેશી જેવા દુષ્ટોનો વધ કર્યો. અરે! હજી ઓછું હોય તેમ યમુનાના પાણીને વિષયુક્ત બનાવનારા કાલિય નાગનું દમન કર્યું. પાણીને ઝેરી બનાવવાના પ્રયાસ થતા હોય ત્યારે પ્રજા કેટલી લાચાર બની ગઈ હશે એની કલ્પના કરીએ! અને શ્રીકૃષ્ણે આવા અન્યાય અને દમન સામે કેવો પ્રતિકાર કર્યો એનો વિચાર કરીએ!
એમણે દુષ્ટોનો વધ કરીને પ્રજામાં ખમીર, સાહસ અને સામનો કરવાની વૃત્તિ જગાડી. પ્રજાશક્તિનો આત્મવિશ્વાસ દ્રઢ કર્યો, અન્યાય પર જીત મેળવવા માટે જીવન અર્પણ કરવાની શક્તિ પ્રગટાવી અને સાવ દીન-હીન લાચાર બનેલી ગોકુળની પ્રજામાં નવી ચેતના જગાવી.
આ કૃષ્ણ જન્માષ્ટમીએ તમે એ વિચાર કરશો ખરા કે અન્યાય, અનાચાર અને દમનનો મૂંગે મોંએ સ્વીકાર કરીને તમે નિર્બળતાથી જીવતા નથીને? જો એવું હોય કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવાનો તમારો અધિકાર તો નથી.
કોઈપણ ભોગે પ્રાણ હરવા માટે દાવ અજમાવતા દૈત્યો વચ્ચે બાળકૃષ્ણ કેવા હસી રહ્યા છે! અન્યાયનો સામનો કટુતાથી ન થાય, આનંદથી થવો જોઈએ. એમના તોફાન-મસ્તી તો જુઓ. યશોદાએ તેમને ઊખળ સાથે દામણાથી બાંધ્યા અને મહાયોગીઓથી ન બંધાનારા કૃષ્ણ આવી પરિસ્થિતિમાં પણ પારાવાર સ્નેહ ધરાવનાર શ્રીકૃષ્ણ માતાના સ્નેહના બંધને બંધાયા. ખાંડણિયા સાથે ઘસડાઈને ચાલ્યા. આ બધા તોફાનમસ્તી જેના જીવનમાં હોય, એ જ હસતા-રમતાં અન્યાયનો સામનો કરી શકે.
એક પછી એક દૈત્યોને હણનાર શ્રીકૃષ્ણ પોતાને ગોકુળના ભોળા ગોપજનોથી સહેજે ઊંચા, શક્તિશાળી કે વિદ્વાન માનતા નહોતા. પોતાને વિશે કોઈ અભિમાન ધરાવતા નહોતા. લોકોને આશ્ચર્ય પમાડે એવી શક્તિઓ ધરાવતા હોવા છતાં એ લોકોમાં એટલા બધા ભળી ગયા હતા કે ગોકુળનાં એકેએક સ્ત્રી અને પુરુષ શ્રીકૃષ્ણને ચાહતા હતાં. પોતાની આસપાસના લોકો માટે કેવા અગાધ પ્રેમ અને વાત્સલ્ય હશે. એને કારણે તો જ્યારે કૃષ્ણ કાલિય દમન કરવા ગયા તે સાંભળીને આખું ગોકુળ યમુના કાંઠે ભેગું થઈ ગયું હતું!
કૃષ્ણજન્મની ઉજવણી સમયે બાળકૃષ્ણના ઉલ્લાસને ભૂલવો જોઈએ નહીં. એ દોડતા હોય, માખણ ચોરતા હોય કે પછી ગેડીદડે ખેલતા હોય - બધે જ બાળકૃષ્ણનો તરવરાટ જોવા મળે છે. ગાયોના ધણને ચરાવતા શ્રીકૃષ્ણના ચિત્રને મનમાં ખડું કરો તો ખ્યાલ આવશે કે જીવનમાં દેહના સૌષ્ઠવ અને શક્તિનું કેટલું મહત્ત્વ છે. બાળપણ સાથે કેવા આનંદભર્યા ખેલો જોડાયેલા છે. કૃષ્ણ જન્માષ્ટમીએ એ વિચારીશું કે કૃષ્ણના આર્યાવર્તના બાળકો પાસેથી આવી રમતગમતથી મળતી સ્ફૂર્તિ, શક્તિ અને ચેતના આજે આપણે ઝૂંટવી લીધા નથીને!
બાળકૃષ્ણનું કેવું અજબ કેવું આકર્ષણ હશે? એ કેવા વિચક્ષણ બુદ્ધિશાળી હશે? અને કેવા લોકહૃદયમાં સ્થાન પામ્યા હશે એનો વિચાર કરીએ તો ખ્યાલ આવે કે પ્રજાને દમન અને અન્યાયમાંથી ઉગારનાર નેતા પ્રત્યે પ્રજા કૃતજ્ઞાતા દાખવે ખરી, એને આદર આપે અને એનો સદા આભાર માને પણ ખરી, પરંતુ કોઈ એને અખંડ પ્રેમ અને સંપૂર્ણ સમર્પણ આપે ખરા? જ્યારે ગોકુળમાં તો નંદ ગોપ હોય, યશોદા હોય, ગોપીઓ કે ગોપબાળકો હોય અને નગરજનો હોય, એ સહુ બાળકૃષ્ણ તરફ સમર્પિત હતાં. લોકોના આત્મામાં એમનો વાસ હતો અને એ જ એમની લોકપ્રિયતાનું કારણ હતું.
જન્માષ્ટમીને આપણે ગોકુળાષ્ટમી કહીએ છીએ, તો કૃષ્ણજન્મ સાથે ગોકુળ કેવું સંલગ્ન બની ગયું. આજની દ્રષ્ટિએ વિચારીએ તો શ્રીકૃષ્ણે ગ્રામોદ્વારની પોતાની કલ્પનાને ગોકુળમાં સાકાર કરી. સૌપ્રથમ તો એમણે ગોકુળમાં વસતા લોકોને સાહસ અને ખમીર આપ્યા. ગોકુળવાસીઓએ કંસની ક્રૂરતાની વાતો સાંભળી હશે, રાજાઓની નિર્દયતાને જાણતા હશે, કારાવાસમાં રહેલા દેવકી અને વસુદેવની કપરી દશાની વાત એમના હૃદયને કંપાવતી હશે. આમ ગૌકુળમાં ભય પ્રવર્તતો હશે. લોકો રાજાઓ અને બળિયાઓની આસુરીવત્તિથી પીડાતા હશે. આ બધાને કારણે ગોકુળવાસીઓના મનમાં ભય, ડર કે બીક આસન જમાવીને બેઠા હશે. આવે સમયે ગોકુળમાં કૃષ્ણ આવે છે અને ભયભીત ગોકુળવાસીઓને નિર્ભયતા બક્ષે છે. ભયને શમાવીને અભયનો આનંદ બતાવે છે. ગોકુળવાસીઓમાં એક પ્રકારનું સ્વાભિમાન આણે છે અને એને પરિણામે ગોકુળની પોતાની અસ્મિતાનું સર્જન થાય છે.
કોઈ પણ ગામ કે નગરની અસ્મિતાનો આધાર એના રહેવાસીઓ પર હોય છે અને એ રહેવાસીઓના સૌજન્ય, શૌર્ય અને સંસ્કાર જ નગરઅસ્મિતાનું નિર્માણ કરતા હોય છે. શ્રીકૃષ્ણે ગોપબાળકોની ગેડીદડાની રમતનો તિરસ્કાર ન કર્યો, પરંતુ એની સાથોસાથ એમને મલ્લવિદ્યામાં માહેર બનાવ્યા. ગોપબાળકોની વાંસળીમાં પ્રેમના સૂરો પૂર્યા, તો ગોપીઓ સાથે ઉમદા વ્યવહાર કરીને નારીશક્તિને આગવું સ્થાન આપ્યું.
અને આ બધી લીલાઓ કરવા છતાં કૃષ્ણ એનાથી પર હતા, અનાસક્ત હતા અને એથી જ એ કૃષ્ણ હતા. શ્રીકૃષ્ણનું જીવન જે અપાર રહસ્યનો સાગર છે એનો પાર પામવો કઠિન છે. માત્ર અહીં કૃષ્ણ જન્માષ્ટમીએ બાળકૃષ્ણના કેટલાક અલૌકિક લીલાનું આલેખન કર્યું છે. હજી એમાં શ્રીકૃષ્ણનો માતા-પિતા પ્રત્યેનો પ્રેમ, સ્ત્રીસન્માન, પ્રાણીપ્રેમ અને પ્રકૃતિપ્રેમ અને એવા બીજા ઘણા ગુણોનો પરિચય પામી શકીએ. એ ગુણોને આપણા જીવનમાં પ્રગટાવવા કોશિશ કરીએ તો જ કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરી કહેવાય.
આજની વાત
બાદશાહ : બીરબલ, ભારતના શા ખબર છે?
બીરબલ : જહાંપનાહ, દેશમાં ગૂગલી દડા નાખવામાં જો કોઈ કામિયાબ ગોલંદાજ હોય તો તે છે નીતિશકુમાર.
બાદશાહ : ક્યોં?
બીરબલ : જહાંપનાહ, એ એવા ગૂગલી દડા ફેંકે છે કે કઈ ટીમનો કયો બેટ્સમેન ક્યારે આઉટ થાય એની ખબર ન પડે અને પોતાનું પરમેનેન્ટ ચીફ મિનિસ્ટરનું પદ જળવાઈ રહે.
પ્રસંગકથા
ક્યાં છે મતદાતા અને ક્યાં છે પક્ષપરસ્તી?
શિક્ષક વિદ્યાર્થીઓને શિયાળો, ઉનાળો અને ચોમાસું એ ઋતુની વિશેષતા સમજાવતા હતા. એમણે શિયાળામાં પડતી કડકડતી ઠંડીની વિદ્યાર્થીઓને વાત કરી અને એ વાત કરતાં-કરતાં ગળગળા થઈ ગયા.
વિદ્યાર્થીઓને આશ્ચર્ય થયું. એક વિદ્યાર્થીને પૂછ્યું, 'સાહેબ, તમે કેમ આટલા બધા ગળગળા થઈ ગયા? એનું કંઈ કારણ છે?'
શિક્ષકે કહ્યું, 'હા, મારો એક પ્રિય વિદ્યાર્થી ઠંડી લાગી જવાને કારણે મૃત્યુ પામ્યો હતો. એનું સ્મરણ થતાં હું જરા ગળગળો થઈ ગયો.'
વિદ્યાર્થીઓને વાતમાં રસ પડયો. એમણે શિક્ષકને પૂછ્યું, 'સાહેબ, એને શું થયું હતું? કયા કારણસર એ મૃત્યુ પામ્યો?'
શિક્ષકે કહ્યું, 'એક વાર એ નવી સાઈકલ લાવ્યો હતો. સાઈકલ ઉપર બેસીને ઠંડીથી ધૂ્રજતો ધૂ્રજતો નિશાળે આવ્યો. આવીને એણે નિશાળના મેદાન પર ઘૂમવાની હઠ લીધી. મેં એને ઘણી ના પાડી. એ માન્યો નહીં. મેદાનના ત્રણેક આંટા લગાવ્યા અને કડકડતી ઠંડીને કારણે એ મેદાન પર જ મૃત્યુ પામ્યો.'
શિક્ષકની વાત સાંભળીને આખા વર્ગમાં સન્નાટો ફેલાઈ ગયો. એકાએક છેલ્લી પાટલી પર બેઠેલા ટપુનો અવાજ સંભળાયો. 'સાહેબ, તો એની સાઈકલ ક્યાં પડી છે?'
આ વાત અમને એટલા માટે યાદ આવી કે ટપુને મૃત વિદ્યાર્થીને માટે કોઈ વસવસો નથી. એને તો એની સાયકલ કેવી છે, તે જાણવામાં રસ છે. બિહારમાં ખેલાયેલા પક્ષપલટાના રાજકારણે બતાવી દીધું કે નેતાને ન તો પ્રજાની પરવા છે કે ન તો પ્રજાએ આપેલા મતનું કોઈ મૂલ્ય છે! જેની સાથે રહીને વિજય મેળવ્યો, એને સત્તા કાજે છેહ દેતા પણ આંચકો આવતો નથી.
દેશનો મતદાર ઉદાસીન આંખે અને નિરાશ ચહેરે આ દાવપેચ જુએ છે અને વિચારે છે કે લોકશાહીમાં તો લોકો તરફ કોઈની નજર નથી. સત્તા જ સર્વસ્વ બનીને બેઠી છે.