પાર્થ ચેટરજીના કૌભાંડના કારણે મમતાને નુકશાન..
- ઇનસાઇડ સ્ટોરી : વીરેન્દ્ર કપૂર
- મુખ્યપ્રધાન મમતાને કૌભાંડની જાણ ના હોય તે શક્ય નથી
- ભ્રષ્ટાચાર અને રાજકારણીઓ વચ્ચે જોડીયા બાળકો જેવો સંબંધ હોવાનું લોકો સમજી ગયા છે
ભારતના મતદારો પર રાજકારણીઓના ભ્રષ્ટાચારની કોઇ ખાસ અસર થતી નથી. લોકો સમજી ગયા છે કે ભ્રષ્ટાચાર અને રાજકારણીઓ વચ્ચે જોડીયાં બાળકો જેવો સંબંઘ હોવાનું લોકો સમજી ગયા છે. ટૂંકમાં રાજકારણ બાબતે લોકો એમ કહેતા થઇ ગયા છે કે ઇસ હમામમેં સબ નંગે હૈ. એટલેજ પ.બંગાળમાં જ્યારે ડુંગર સમાન રોકડ રકમ મળી ત્યારે પણ લોકોમાં કોઇ ખાસ અસર જોવા મળી નહોતી. મમતા બેનરજીની કેબિનેટમાં નંબર ટુ મનાતા પાર્થ ચેટરજી પકડાયા તો પણ કોઇ ખાસ સેન્સેશન ઉભું થયું નહોતું.
પાર્થ ચેટરજી માત્ર પ્રધાન નહોતા પણ તૃણમૂલ કોંગ્રેસમાં પણ સિનિયર મોસ્ટ સભ્ય હતા. તેમની ફ્રેન્ડ અર્પિતા મુખરજીને ત્યાંથી ૫૦ કરોડની રોકડ તેમજ સોનાના ઘરેણાં અને વિદેશની કરંસી મળી આવી હતી. હવે અર્પિતા કહે છે કે આ સંપત્તિ મારી નથી મને ફસાવવામાં આવી રહી છે. તેમ છતાં એમ મનાય છે કે રાજ્યમાં કેશ ફોર જોબના કોભાંડમાં લાંચ મેળવી કમાયેલી આ નોટો છે. મમતાએ પણ પાર્થ ચેટરજીને સરકાર તેમજ પક્ષના હોદ્દા પરથી દુર કરી દાઘા હતા.
વિપક્ષના નેતાઓ એમ કહેતા હતા કે ભાજપ કિન્નાખોરી કરી રહ્યું છે પણ હકીકત એ છે કે કોલક્તા હાઇકોર્ટમાં કેટલીક પિટીશનનું હીયરીંગ ચાલતું હતું જેમાં એવો આક્ષેપ કરાયો હતો કે હજારો સ્કુલ ટીચરની ભરતીમાં મોટી લાંચ લેવાઇ છે અને મેરિટ મેળવનારાઓને અન્યાય થયો છે. પાર્થ ચેટરજી ત્યારે શિક્ષણ પ્રધાન હતા. કોર્ટે તપાસના આદેશ આપ્યાના કેટલાક દિવસ પહેલાંજ તેમના ખાતાની બદલી કરાઇ હતી.
આવડું મોટું કૌભાંડ ચાલતું હતું તેની જાણ મુખ્યપ્રધાન મમતા બેનરજીને નહોતી તે માનવામાં આવે એવું નથી. જે કૌભાંડ વિશે કોર્ટમાં ફરિયાદ થઇ હતી તેનો પણ મુખ્યપ્રધાનને ખ્યાલ ના હોય તે બની શકે નહીં. કોલક્તાના પ્રાદેશિક અખબારો આ કૌભાડ બાબતે વારંવાર લખતા હતા કે પોતાની માતાના કે પત્નીના ઘરેણા વેચીને લોકોએ લાંચ આપી હતી. વારંવારના બખેડામાં શિક્ષણ પ્રધાન પાર્થ ચેટરજીનું નામ ઉછળતું હોવા છતાં મમતાએ તેમનું ખાતું બદલ્યું નહોતું.
જ્યારે ચેટરજીની ફ્રેન્ડના ફ્લેટ પરથી ૨૦૦૦ની નોટોનો ઢગલો મળ્યો ત્યારે તેમને પગલાં લેવા પડયા હતા. ઇડીની કસ્ટડીમાં પાર્થ ચેટરજી અને અર્પિતા પાસેથી વધુ કેટલાક ફ્લેટની માહિતી પણ મળી હતી. એટલેજ મમતાને કૌભાંડને ખબર નહોતી એમ કહી શકાય એમ નથી.
મમતાએ પોતાની ઇમેજ એક સાદા-સિમ્પલ રાજકારણી તરીકેની ઉભી કરી હતી. સામાન્ય સફેદ સાડી અને પગમાં સ્લીપર પહેરીને ફરતાં હતા. તે સાદાઈનું પ્રતિક પણ ગણાતા હતા. જ્યારે તેમનો ભત્રિજો અને રાજકીય વારસદાર મનાતા અભિષેક બેનરજીનું નામ ભષ્ટાચારમાં ઉછળ્યું ત્યારે પણ તેમની ઇમેજને ઘક્કો પહોંચ્યો હતો. હવે જ્યારે તેમની સરકારના નંબર ટુનું નામ કરોડોના ભ્રષ્ટાચારમાં આવતા પણ તેમનું નામ ખરડાયું છે.
હવે મમતા એવી રીતે વર્તે છે કે જાણે કશું બન્યુંજ નથી. તેમણે પ્રધાન મંડળમાં ફેરફાર કરીને મામલો પતી ગયો છે એવો દેખાવ કર્યો હતો પરંતુ પક્ષને અને મમતાની ઇમેજને જે ડેમેજ થવાનું છે એ થઇ ગયું છે.
જોકે મમતા ગમેતે કરે પણ પાર્થ ચેટરજીના કૌભાંના છાંટા તેમને ઉડયા વગર રહેવાના નથી.
હજુ લોકોને એ નથી સમજાતું કે શા માટે મમતા બેનરજીએ તેમનો પક્ષ ઉપ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગેરહાજર રહેશે એમ કહ્યું હતું. મમતા બેનરજીની સ્વચ્છ ઇમેજ ખરડાતી જાય છે જે અંતે ભાજપ માટે લાભદાયી પુરવાર થઇ શકે છે.