Get The App

કોરોના બાદ બમણી ગતિએ કહેર વર્તાવી રહ્યો છે ડેન્ગ્યુ: 80,000થી વધુ કેસ નોંધાયા

Updated: Oct 21st, 2022

GS TEAM


Google News
Google News
કોરોના બાદ બમણી ગતિએ કહેર વર્તાવી રહ્યો છે ડેન્ગ્યુ: 80,000થી વધુ કેસ નોંધાયા 1 - image

નવી દિલ્હી,તા. 21 ઓક્ટોબર 2022, શુક્રવાર

દિવાળીના તહેવારો નજીક આવી રહ્યાં છે એવામાં કોરોના વાયરસના સબ વેરિયન્ટ જોવા મળી રહ્યાં છે. ત્યારે કોરોના સિવાય પણ બીજી બીમારીઓના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. દેશભરમાં કોરોના નહી પણ ડેન્ગ્યુના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. તહેવારો આવતાની સાથે સાથે આ બીમારીના આંકડાઓ પણ દરેક રાજ્યમાં વધી રહ્યાં છે.  આ વર્ષે અત્યાર સુધીમાં દેશભરમાં 80,000 જેટલા ડેન્ગ્યુના કેસ નોંધાયા છે.

60 દર્દીઓના મોત

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 12 રાજ્યોમાં ડેન્ગ્યુના કારણે 60 દર્દીઓના મોત થયા છે. 

કેરળમાં ડેન્ગ્યુના કારણે સૌથી વધુ 20 દર્દીઓના મોત થયા છે. રાજસ્થાન અને હરિયાણામાં 6-6 દર્દીઓ, પશ્ચિમ બંગાળ અને પંજાબમાં 3-3 દર્દીઓ નોંધાયા છે.  બિહાર, તમિલનાડુમાં પણ ડેન્ગ્યુના કારણે મૃત્યુના કેસ નોંધાયા છે.

કોરોના બાદ બમણી ગતિએ કહેર વર્તાવી રહ્યો છે ડેન્ગ્યુ: 80,000થી વધુ કેસ નોંધાયા 2 - image

કેન્દ્ર દ્વારા રચવામાં આવેલી 13-14 ટીમો સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોની મુલાકાત લઈ રહી છે. છેલ્લા અઢી મહિનામાં ડેન્ગ્યુના કેસમાં ઝડપથી વધારો થયો છે. દિલ્હી, યુપી સહિત અનેક રાજ્યોએ હોસ્પિટલોને ડેન્ગ્યુના દર્દીઓ માટે અમુક બેડ અનામત રાખવાનો નિર્દેશ આપ્યો છે. રાજ્યોએ પણ પોતાની ટીમો બનાવી છે, જે ડેન્ગ્યુની સ્થિતિ પર નજર રાખી રહી છે.

કયા રાજ્યમાં કેટલા કેસ નોંધાયા?

  • તેલંગાણા: 10 હજારથી વધુ
  • કર્ણાટક: 6500 આસપાસ
  • રાજસ્થાનઃ લગભગ 6 હજાર
  • ઓડિશા અને મહારાષ્ટ્ર: લગભગ 5000
  • તમિલનાડુ: 4500 આસપાસ
  • બિહાર, આંધ્રપ્રદેશ અને ગુજરાતઃ લગભગ 4000
  • દિલ્હી: આશરે 3500
  • કેરળ: 3200 આસપાસ
  • હરિયાણા: 2500 આસપાસ
  • જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશઃ લગભગ 2 હજાર
  • ઉત્તરાખંડ: લગભગ 1500
  • આંદામાન અને નિકોબાર: લગભગ 1000
  • દાદરા નગર હવેલી: લગભગ 400
  • ચંદીગઢઃ આશરે 300
  • ડેન્ગ્યુના 635 કેસ

દિલ્હીમાં 12 ઓક્ટોબર સુધીમાં ડેન્ગ્યુના 635 કેસ નોંધાયા છે અને આ વર્ષે આવા કેસોની સંખ્યા વધીને 1,572 થઈ ગઈ છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન(MCD) ના અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં નોંધાયેલા 1,572 ડેન્ગ્યુના કેસોમાંથી 693 માત્ર સપ્ટેમ્બરમાં જ નોંધાયા છે. 

રિપોર્ટ અનુસાર આ વર્ષે સપ્ટેમ્બરના અંત સુધીમાં દિલ્હીમાં ડેન્ગ્યુના 937 કેસ નોંધાયા છે અને ઓક્ટોબરના પ્રથમ 12 દિવસમાં 635 નવા કેસ નોંધાયા છે. દિલ્હીમાં વર્ષ 2015માં ડેન્ગ્યુનો જબરદસ્ત પ્રકોપ જોવા મળ્યો હતો અને ત્યારબાદ ઓક્ટોબરમાં ડેન્ગ્યુના 10,600થી વધુ કેસ નોંધાયા હતા.

Tags :