અંબાજી મામલે VHP મંત્રીની ચીમકી, કહ્યું મંત્રીઓ સુધરી જાય નહીં તો તમારું આ છેલ્લું શાસન હશે
ગુજરાત સરકારના મંત્રીઓને કરોડો રૂપિયા કમાવવા છે. મુસ્લિમો સાથે ભાગીદારીમાં ધંધા કરવા છેઃ VHPના નેતા અશોક રાવલ
અંબાજી, 11 માર્ચ 2023 શનિવાર
અંબાજીમાં મોહનથાળની પ્રસાદીનો વિવાદ વધી રહ્યો છે. આજે નવ દિવસ વીતી ગયા હોવા છતાં મોહનથાળ પ્રસાદના મામલાનો અંત આવ્યો નથી.આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અંબાજી મંદિરમાં બંધ કરાયેલા મોહનથાળ પ્રસાદના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ત્યારે લોકોની લાગણીને અવગણીને સરકારે આખરે પ્રસાદમાં ચીક્કી આપવાનો જ નિર્ણય કર્યો છે. બીજી તરફ વીએચપીના પ્રદેશ મંત્રી અશોક રાવલે કહ્યું હતું કે, ગુજરાત સરકારના મંત્રીઓ નહીં સુધરો તો આ તમારુ છેલ્લુ શાસન હશે.
જો નહીં સુધરો તો આ તમારૂ છેલ્લુ શાસન હશે
વીએચપીના પ્રદેશ મંત્રી અશોક રાવલે જાહેરમાં આક્ષેપ કરતાં કહ્યું હતું કે, ગુજરાત સરકારના મંત્રીઓને કરોડો રૂપિયા કમાવવા છે. મુસ્લિમો સાથે ભાગીદારીમાં ધંધા કરવા છે. આ ચીક્કીનો નિર્ણય પણ કરોડો રૂપિયા કમાવવા માટે ના કરશો. જો નહીં સુધરો તો આ તમારૂ છેલ્લુ શાસન હશે. માતાજીના પરચા તો શરૂ થઈ ગયાં છે. શ્રીયંત્ર ખંડિત થયું છે અને ગર્ભગૃહમાં નાની આગ લાગી છે. ધજાઓ ફાટી ગઈ છે. હજુ પણ ચેતી જાઓ નહીં તો ધનોતપનોત નીકળી જશે.
પ્રવક્તા મંત્રીએ સ્પષ્ટતા કરી
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, અંબાજીએ સમગ્ર વિશ્વ માટે આસ્થાનું પ્રતીક છે. કોવિડ દરમ્યાન સવા કરોડ લોકોએ ઓનલાઈન દશન કર્યા હતા અને પ્રસાદ પણ ઓનલાઈન મંગાવી રહ્યા હતા. અગિયારસ, પૂનમ વખતે મોહનથાળ લઈ શકાતો નથી તેવી માન્યતા હતી તેમ છતાંય પ્રસાદ ચાલુ હતો. મંદિર દ્રારા ચીકી પ્રસાદ આપવાનો વિષય છે જેનું આયુષ્ય 3 માસ હોય છે. મોહનથાળ લાંબો સમય ટકતો નથી.
અંબાજીમાં ચીક્કીનો પ્રસાદ જ ચાલશે
સ્પેશિયલ ચીકી, માવાની ચીકી છે તે ફરાળમાં લઇ શક્ય તેવો પ્રસાદ છે. દેશ વિદેશમાં મોકલીએ તો પણ તે બગડે નહીં. જ્યારે મોહનથાળ બગડી જાય છે. જેથી મંદિર દ્વારા ચીક્કીના પ્રસાદનું નક્કી કરવામાં આવ્યું છે. અંબાજીમાં ચીક્કીનો પ્રસાદ જ ચાલશે.