શ્રમિક અન્નપૂર્ણા યોજના: રાજ્યમાં વધુ 2 સ્થળે ભોજન કેન્દ્ર શરૂ, શ્રમિકોને રહેવાની અને આરોગ્યની સુવિધા પણ આપવાની તૈયારી
ઉદ્યોગ મંત્રી દ્વારા પાટણ જિલ્લામાં કડીયાનાકા ખાતે બે ભોજન કેન્દ્રોનો આજથી શુભારંભ
આગામી સમયમાં શ્રમિકોને રહેવાની અને આરોગ્યની સુવિધા પણ પુરી પડાશે : ઉદ્યોગ મંત્રી
પાટણ,તા.19 માર્ચ-2023, રવિવાર
શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત પાટણ જિલ્લામાં કડીયાનાકા ખાતે બે ભોજન કેન્દ્રોનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ 5 રૂપિયાના ટોકન દરે બાંધકામ શ્રમિકોને પૌષ્ટિક ભોજન અપાઈ રહ્યું છે. આ ભોજનમાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, મરચા અને ગોળ આપવામાં આવશે, તો સપ્તાહમાં એકવાર સુખડી જેવા મિષ્ટાનનો પણ સમાવેશ કરવામાં આવશે. જિલ્લાનાં ગણપતિ મંદિરની બાજુમાં આવેલા સુભાષચોક અને ગોળ શેરી નાકાં પર આ ભોજન કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ કેન્દ્રોનો શુભારંભ કરાવતા ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપુતે જણાવ્યું કે, શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ અત્યાર સુધી 1.24 કરોડ કરતાં વધુનું ભોજન વિતરણ કરાયું છે. હાલમાં કુલ 105 જગ્યાઓએ આ યોજના અંતર્ગત પોષણક્ષમ આહાર અપાઈ રહ્યો છે. આ ઉપરાંત ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગ મંત્રી બલવંતસિંહે બહારથી આવતા શ્રમિકો માટે મહત્વની જાહેરાત કરતા આગામી સમયમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતુ...
શ્રમિકોને આરોગ્યની સુવિધાઓ પણ પુરી પડાશે : બળવંતસિંહ
મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, પાટણ જિલ્લામાં આગામી સમયમાં ચાણસ્મા, સિદ્ધપુર, રાધનપુર, હારીજમાં ભોજન કેન્દ્રો શરૂ કરાશે. તેમજ ભોજન કેન્દ્ર પર ધન્વંતરિ રથ મારફતે શ્રમિકોને આરોગ્યની સુવિધાઓ પણ પુરી પાડવામાં આવશે. જે શ્રમિકો પાસે ઇ-કાર્ડ ન હોય તેઓને 15 દિવસ સુધી ટોકન મારફતે ભોજન આપવામા આવશે. આગામી સમયમાં જિલ્લામાં જે શ્રમિકો બહારથી આવે છે તેઓ માટે રહેવાની સુવિધા પણ ઉભી કરવામાં આવશે. સુભાષચોક ઉપરાંત રાષ્ટ્રીય મહિલા આયોગના પૂર્વ સદસ્ય રાજુલબેન દેસાઈ દ્વારા પાટણના ગોળ શેરી નાકાં પર સધીમાતાના મંદિર સામે પણ ભોજન કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ.
શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો લાભ લેવા માટે શુ કરશો?
- બાંધકામ શ્રમિકે પોતાનું ઈ-નિર્માણ કાર્ડ લઈ શ્રમિક અન્નપૂર્ણા યોજનાના ભોજન વતરણ કેન્દ્ર પર જવાનું રહેશે.
- કાર્ડમાં દર્શાવેલ ઈ-નિર્માણ નંબર પર અથવા ક્યુ.આર. કોડ સ્કેન કરાવી ભોજન વિતરણ કેન્દ્ર પરથી શ્રમિકને રૂ.5 માં ટોકન આપવામાં આવશે.
- શ્રમિકને પોતાના ટીફીનમા ભોજન આપવામાં આવશે.
- શ્રમિકને એક ઈ-નિર્માણ કાર્ડ મારફત પોતાના પુરા પરિવાર માટે એક સમયનું ભોજન મળી રહેશે.
- જે લાભાર્થીઓ પાસે ઈ-નિર્માણ કાર્ડ ન હોય તેઓના થ પર જ બાંધકામ શ્રમિકની હંગામી નોંધણા થાય છે.
- ઈ-નિર્માણ કાર્ડ નહી હોય તો 15 દિવસ સુધી શ્રમિક ભોજન મેળવી શકશે. ત્યારસુધી શ્રમિકે ઈ-નિર્માણ કાર્ડ કઢાવી લેવાનું રહેશે.
- યોજનાના નિયંત્રણ અને સંચાલન માટે પોર્ટલ બનાવવામાં આવ્યું છે.સદર પોર્ટલમાંથી જ બાંધકામ શ્રમિકોને ટોકન આપવામાં આવશે.આ પોર્ટલ સી.એમ.ડેશબોર્ડ અને જન સંવાદ સાથે ઈંટર્ગેશન કરવામાં આવેલ છે.