PM મોદીએ બગોદરા હાઈવે પર થયેલા અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો, કેન્દ્રએ સહાયની જાહેરાત કરી
PMOએ ટ્વિટ કરીને મૃતકોના પરિવારજનોને 2 લાખ અને ઘાયલોને 50 હજારની સહાયની જાહેરાત કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કોંગ્રેસના નેતાઓએ પણ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો
અમદાવાદઃ ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. બેફામ ગતિએ ચાલતાં વાહનો દ્વારા વધુ પ્રમાણમાં અકસ્માત થઈ રહ્યાં છે. ત્યારે આજે અમદાવાદ બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બંધ ટ્રકની પાછળ મિની ટ્રક ઘુસી જતાં અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં 10 લોકોના મોત થયાં હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. જેમાં 5 મહિલા, ત્રણ બાળકો અને બે પુરુષોના મોત નિપજ્યા છે. જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યાં છે. ચોટીલાથી દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો છે. આ ઘટનાને લઈને વડાપ્રધાન કાર્યાલયે ટ્વિટ કરીને સહાયની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકાર મૃતકોના પરિવારને 2 લાખની સહાય કરશે તેમજ ઘાયલોને 50 હજારની સહાય આપવામાં આવશે. પીએમઓએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, આ સહાય PMNRF માંથી આપવામાં આવશે. આ ઘટનાને લઈને વડાપ્રધાને પણ શોક વ્યક્ત કર્યો છે.
મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો
આ ઘટનાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટર પર લખ્યું છે કે, અમદાવાદ જિલ્લામાં બાવળા-બગોદરા હાઈવે પર થયેલ અકસ્માતની ઘટના હૃદયવિદારક છે. ઈશ્વર આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માને શાંતિ આપે અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. મારી સંવેદના મૃતકોના પરિવારજનોની સાથે છે. બીજી તરફ આ ઘટનાને લઈને કોંગ્રેસ પ્રવક્તા ડો. મનિશ દોશી અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પણ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે, બગોદરા-બાવળા હાઈવે પર માર્ગ અકસ્માતમાં 10 લોકોના મૃત્યુના સમાચાર દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે. ઈશ્વર દિવગંત આત્માઓને શાંતિ આપે અને શોકાકુલ પરિજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.ઘાયલો ઝડપથી સ્વસ્થ્ય થાય તેવી પ્રાર્થના કરું છું.
તમામ મૃતકોના પોસ્ટમોર્ટમ કરવા તજવીજ
ઉલ્લેખનીય છે કે આ અકસ્માતની ઘટનામાં 10 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં છે. કપડવંજ અને બાલાસિનોરના 17 લોકો છોટા હાથીમાં બેસીને ચોટીલા દર્શન કરવા માટે ગયા હતા. ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે બાવળા-બગોદરાની વચ્ચે એક ટ્રક પંચર થયેલી ઊભી હતી ત્યારે અચાનક ઊભેલી ટ્રકની પાછળ આ લોડિંગ ટેમ્પો ઘૂસી જતા ઘટનાસ્થળે 10 લોકો મોતને ભેટ્યા હતાં. આ અંગે અમદાવાદ જિલ્લા ડીએસપી અમિત વસાવાએ મીડિયાને જણાવ્યું હતું કે, હાલ તમામ મૃતકોના પોસ્ટમોર્ટમ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.