ધ્વની પ્રદૂષણ અટકાવવા હાઈકોર્ટમાં અરજી, સરકારે કહ્યું 10 વાગ્યા બાદ ડીજેની મંજુરી નથી
હાઈકોર્ટે સરકારને નોટીસ પાઠવી સોમવારે જવાબ રજૂ કરવા આદેશ કર્યો
અમદાવાદ, 24 જાન્યુઆરી 2023 મંગળવાર
આજે હાઈકોર્ટમાં ધ્વનિ પ્રદૂષણ મુદ્દે સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં અરજદારપક્ષ તરફથી કરાયેલી અરજીમાં છેલ્લા ઘણા સમયથી રાજયભરમાં એક યા બીજા કારણોસર ધ્વનિ પ્રદૂષણ બહુ ગંભીર અને ખતરનાક હદે વધી રહ્યું છે. આ મુદ્દે જવાબ રજૂ કરવા મુદ્દે સરકારે કોર્ટ પાસે સમય માંગ્યો હતો. હાઈકોર્ટે સરકારે સોમવારે આ મુદ્દે સોગંદનામુ રજૂ કરવા આદેશ કર્યો હતો.હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત હતી કે, ફરિયાદ કરવા છતાં તંત્ર દ્વારા ધ્વનિ પ્રદૂષણને લઈને કોઈ એક્શન લેવામાં આવતાં નથી. તે ઉપરાંત જાહેર સ્થળો પર આ પ્રકારનું પ્રદૂષણ વધી રહ્યું છે.
ધ્વનિ પ્રદૂષણ બહુ ગંભીર રીતે વધી રહ્યું
આજની સુનાવણીમાં હાઇકોર્ટે રાજય સરકાર, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને રાજયના પોલીસ વડાને નોટિસ ફટકારી છે. આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં યોજાશે. રાજ્યમાં બેરોકટોક ધ્વનિ પ્રદૂષણ અને સાઉન્ડ સીસ્ટમ પર તાત્કાલિક નિયંત્રણ લાદવા જાહેરહિતની અરજીમાં દાદ માગવામાં આવી છે. અરજદારપક્ષ તરફથી કરાયેલી અરજીમાં છેલ્લા ઘણા સમયથી રાજયભરમાં એક યા બીજા કારણોસર ધ્વનિ પ્રદૂષણ બહુ ગંભીર રીતે વધી રહ્યું છે.
સ્થાનિક નાગરિકો બહુ હેરાન થઇ જાય છે
રાજ્યમાં લગ્ન પ્રસંગ, રાજકીય મેળાવડા સહિતના ઉત્સવ કે ધાર્મિક રેલી-પ્રસંગોમાં ડીજે ટ્રક અને અન્ય લાઉડસ્પીકર સીસ્ટમના કોઇપણ જાતના નીતિ નિયમ વિના રાજયભરમાં ધ્વનિ પ્રદૂષણ બહુ ગંભીર રીતે ફેલાઇ રહ્યું છે. જેના કારણે સ્થાનિક નાગરિકો બહુ હેરાન થઇ જાય છે. ડીજે ટ્રક અને અન્ય મ્યુઝિક સીસ્ટમના કારણે ફેલાવાતા ધ્વનિ પ્રદૂષણને લઇ ઘણીવાર બાળકો, વયોવૃદ્ધ, બિમાર માણસ કે, અન્ય શોક પ્રસંગે લોકોને બહુ વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.