માંગરોળમાં 10 મિ.મિ અને ઉમરપાડામાં 5 મિ.મિ વરસાદ
ઉમરપાડામાં ભારે પવન સાથે કરા પડયા
સુરત
કમોસમી માવઠાની આગાહી વચ્ચે આજે સાંજે જિલ્લાના માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં તોફાની વરસાદ ઝીંકાયો હતો. જેમાં ઉમરપાડા તાલુકામાં ભારે પવન સાથે કરા પડતા ખેડુતો ચિંતિત થઇ ઉઠયા હતા. માંગરોળમાં ૧૦ મિ.મિ અને ઉમરપાડા તાલુકામાં ૫ મિ.મિ વરસાદ નોંધાયો હતો. આગામી ચાર દિવસમાં સુરત જિલ્લામાં કેટલીક જગ્યાઓ પર વિજળી સાથે મધ્યમ વરસાદની આગાહી થતા તંત્ર એલર્ટ થઇ ગયુ છે.
હવામાન વિભાગ દ્વારા સુરત શહેર અને જિલ્લામાં કમોસમી વરસાદની થયેલી આગાહીના પગલે કયાંકને કયાંક વરસાદ પડી રહ્યો છે. આજે આખો દિવસ સુરત શહેર અને જિલ્લામાં તાપ પડયો હતો. સાંજે જિલ્લાના બે તાલુકામાં હવામાનમાં પરિવર્તન આવવાની સાથે જ આકાશમાં કાળા ડિબાગ વાદળો ઘેરાયા હતા. અને વરસાદ શરૃ થયો હતો. જેમાં માંગરોળ તાલુકામાં ૧૦ મિ.મિ અને ઉમરપાડા તાલુકામાં ૫ મિ.મિ વરસાદ નોંધાયો હતો. આ સિવાય અન્ય તાલુકામાં સૂર્યદેવતાનું રાજ જોવા મળ્યુ હતુ. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસ આકાશ વાદળોથી ઘેરાયેલુ રહેશે. અને સુરત જિલ્લામાં છુટાછવાયા વિસ્તારોમાં વિજળી સાથે વરસાદ પડવાની શકયતાઓ છે. સાથે જ તાપમાનમાં પણ ઘટાડો થવાની શકયતા છે. ચાર દિવસમાં દિવસનું તાપમાન ૩૨ થી ૩૪ ડિગ્રી વચ્ચે અને રાત્રીનું તાપમાન ૨૦ થી ૨૨ ડિગ્રી વચ્ચે રહેશે. પવન કલાકના ૯ થી ૧૬ કિ.મીની ઝડપે ફુંકાવવાની શકયતાઓ છે.