ચારણકા પાસેના સોલારપાર્કમાં આગની ઘટના, ફાયર વિભાગે આગ કાબુમાં લેવા પ્રયાસ શરૂ કર્યાં
સોલારપાર્કમાં ભેલ કંપનીના 15 મેગાવોટના પ્લાન્ટમાં આગની ઘટના બની
પાટણ, 13 ફેબ્રુઆરી 2023 સોમવાર
પાટણ જિલ્લામાં ચારણકા પાસે સ્થિત સોલાર પાર્કમાં આગ લાગવાની ઘટના બની છે. આગ લાગતાં જ ધુમાડાના ગોટે ગોટા ઉડતા જોવા મળ્યાં હતાં. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે જઈને આગને કાબુમાં લેવા પ્રયાસો હાથ ધર્યાં છે.
ધુમાડાના ગોટે ગોટા ઉડતા જોવા મળ્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે સાંતલપુર પાસેના ચારણકામાં સ્થિત સોલારપાર્કમાં ભેલ કંપનીના 15 મેગાવોટના પ્લાન્ટમાં આગની ઘટના બની છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટે ગોટા ઉડતા જોવા મળ્યા હતાં.
આગ લાગવાનું કારણ શોટ સર્કિટ માનવામાં આવી રહ્યું છે
ફાયર વિભાગના સુત્રો પ્રમાણે આગ લાગવાનું કારણ શોટ સર્કિટ માનવામાં આવી રહ્યું છે. ચારણકા સોલાર પ્લાન્ટ એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક છે પરંતું ત્યાં ફાયર વિભાગની કોઈ સુવિધા ઉપલબ્ધ નહીં હોવાનું જાણવા મળ્યું છે. અહીં આગની ઘટનાઓ બને ત્યારે આસપાસના તાલુકાઓમાંથી ફાયર વિભાગને બોલાવી આગ પર કાબુ મેળવવો પડે છે.