સાવધાન રહેજો-સતર્ક રહેજો અમદાવાદમાં કોરોના વેકિસનનો બુસ્ટર ડોઝ લેનારા ૧૧૧ લોકો કોરોના પોઝિટિવ
કોરોના વેકિસનના બે ડોઝ લેનારા ૪૮ લોકો પણ કોરોના પોઝિટિવ,વેકિસન લીધા બાદ બેફીકરા થઈ ફરશો નહીં
અમદાવાદ,શનિવાર,18
માર્ચ,2023
અમદાવાદમાં શનિવારે કોરોનાના નવા ૮૩ કેસ નોંધાયા હતા.
શહેરમાં કોરોનાના ૨૨૮ એકિટવ કેસ છે.મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ૨૨૮ એકટિવ કેસની
તપાસ કરાતા કોરોના વેકિસનનો બુસ્ટર ડોઝ લેનારા ૧૧૧ અને વેકિસનના બે ડોઝ લેનારા ૪૮
લોકો ફરીથી કોરોના પોઝિટિવ બન્યા છે.કોરોના વેકિસન લીધા બાદ કોરોના ફરી થશે જ નહી
એમ વિચારી બેફીકરા થઈ ફરશો નહીં.
માર્ચ મહિનાની શરુઆતથી જ અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ
ફરી વધી રહયુ છે.૧૬ માર્ચે શહેરમાં કોરોનાના નવા ૬૨ કેસ નોંધાયા હતા.૧૭ માર્ચે
કોરોનાના નવા ૪૯ કેસ નોંધાયા હતા.જયારે ૧૮ માર્ચના રોજ શહેરમાં કોરોનાના નવા ૮૩
કેસ નોંધાયા હતા.માર્ચ મહિનાની શરુઆતથી શહેરના નવરંગપુરા ઉપરાંત થલતેજ તથા જોધપુર
વોર્ડમાં કોરોનાના સૌથી વધુ નવા કેસ નોંધાઈ રહયા છે.માર્ચ મહિનાના પહેલા સપ્તાહ સુધી
શહેરમાં કોરોનાના એકિટવ કેસ ૪૬ હતા.જે વધીને બીજા સપ્તાહના અંત સુધીમાં ૨૨૮ સુધી
પહોંચી ગયા છે.મ્યુનિ.ના હેલ્થ વિભાગ તરફથી શહેરમાં નોંધાયેલા એકિટવ કેસને લઈ
દર્દીઓની મેડીકલ હીસ્ટ્રી તપાસવામા આવી હતી.હેલ્થ વિભાગની તપાસમાં ૧૧૧ કોરોના
પોઝિટિવ આવેલા દર્દીઓએ કોરોના વેકિસનના બે રુટીન ડોઝ લેવાની સાથે બુસ્ટર ડોઝ પણ
લીધો હતો.જયારે ૪૮ દર્દીઓએ કોરોના વેકિસનના બે ડોઝ લીધા હોવા છતાં ફરીથી કોરોના
પોઝિટિવ થયા છે.કોરોના
સંક્રમણથી બચવા વેકિસન લેવાની અપીલ કરવામા આવે છે.સાથે જ લોકોએ માસ્ક પહેરવુ,સોશિયલ ડીસ્ટન્સ
જાળવવા જેવા નિયમો અગાઉની જેમ પાળવા એટલા જ જરુરી બન્યા છે.