Get The App

સરકારી તાયફાઓ માટે એક સપ્તાહથી નર્મદાનું પાણી નહીં છોડાતા પુરની સ્થિતિ સર્જાઈઃ AAP MLA ચૈતર વસાવા

એક સાથે પાણી છોડાતા આસપાસના ગામડાની જમીનો ધોવાઈ અને રહેણાક વિસ્તારોમાં પાણી ફરી વળ્યાઃ શક્તિસિંહ ગોહિલ

Updated: Sep 18th, 2023

GS TEAM


Google News
Google News
સરકારી તાયફાઓ માટે એક સપ્તાહથી નર્મદાનું પાણી નહીં છોડાતા પુરની સ્થિતિ સર્જાઈઃ AAP MLA ચૈતર વસાવા 1 - image



અમદાવાદઃ ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસતાં નદી નાળા ઉભરાયા છે. બીજી બાજુ સરદાર સરોવર ડેમમાં પણ પાણીની ભરપુર આવક થવા પામી છે. જેને કારણે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હોવાથી નર્મદા નદીની આસપાસના વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયાં હતાં. બીજી તરફ કરજણ તાલુકામાં નર્મદા નદીની વચ્ચે આવેલા વ્યાસ બેટ ખાતે પૂરના પાણીમાં ફસાયેલા 12 વ્યક્તિને સેનાની મદદથી બચાવી લેવામાં આવ્યાં છે.  ચાણોદની હાલત એટલી હદ સુધી ગંભીર બની ગઈ છે કે, છેલ્લા 24 કલાકથી ગામમાં વીજળી ડૂલ, લોકોના ઘર બે માળ સુધી પાણીમાં ગરકાવ થઈ ગયાં છે. ત્યારે કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીએ સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યાં છે. 

લોકોના નુકસાનની ચૂકવણી કરોઃ AAPના ધારાસભ્ય ચૈતર વસાવા

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક વિડીયોના માધ્યમથી જણાવ્યું કે, ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસ હતો માટે મુખ્યમંત્રીના હસ્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ નર્મદાના નીરના વધામણા કરવાનો કાર્યક્રમ હતો. એને ધ્યાનમાં રાખીને છેલ્લા એક અઠવાડિયાથી નર્મદાનું પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું હતું.ઉપરવાસમાં ભારે વરસાદ હોવા છતાં પાણી છોડવામાં ના આવ્યું. ત્યારબાદ ગઈકાલે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં 23 દરવાજા ખોલવામાં આવ્યા અને 18 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું, ત્યારે ભરૂચ જિલ્લાના નીચાણવાળા વિસ્તારના ઘણા ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે.અમે ગુજરાત સરકારને કહેવા માગીએ છીએ કે તમારા તાયફાઓના કારણે લાખો લોકોના જીવને જોખમમાં મૂકવાનું કેટલું યોગ્ય છે? સરકાર સમક્ષ અમારી માંગણી છે કે, તાત્કાલિક સર્વે કરાવીને ક્યાંય પણ જાન માલનું કે ખેતીનું નુકસાન હોય તો તેની ચુકવણી કરવામાં આવે. 

ભાજપની સરકાર આવી નૌટંકી ન કરે તેવી આશાઃ શક્તિસિંહ ગોહિલ

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગઈકાલે વીડિયોના માધ્યમથી સરકાર પર આક્ષેપ કર્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવવા માટે સરદાર સરોવર ડેમને છલોછલ ભરવામાં આવ્યો હતો. ઉજવણીના ભાગરૂપે એક સાથે પાણી છોડાતા આસપાસના ગામડાની જમીનો ધોવાઈ ગઈ અને રહેણાક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતાં. ભાજપની સરકારે વડાપ્રધાનને વ્હાલા થવા માટે આ પગલું લીધું છે. તેના કારણે નર્મદા અને આસપાસના વિસ્તારોના લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.કદાચ વડાપ્રધાન આ બાબતથી અજાણ હશે કે પોતાનો જન્મદિવસ ઉજવવા ટર્બાઇન બંધ કરી દેવામાં આવ્યા અને પાણી ભેગું કરીને એક સાથે છોડવામાં આવ્યું. ભવિષ્યમાં ભાજપની આ સરકાર આવી નૌટંકી ન કરે તેવી આશા છે.

Tags :