કરણ જોહરની ફિલ્મો કદાચ ના ગમે પરંતુ તેથી તેેને હત્યારો ન કહી દેવાય
- અભિનેત્રી સ્વરા ભાસ્કર કરણ જોહરના બચાવમાં ઉતરી
- લોકો પૈસા લઈને સોશિયલ મીડિયા પર બોયકોટના ટ્રેન્ડ ચલાવતા હોવાનો સ્વરાનો આક્ષેપ
મુંબઈ : કરણ જોહરની ફિલ્મો કદાચ કોઈને પસંદ ના પણ પડે પરંતુ તેનો મતલબ એ નથી કે તેને હત્યારો ગણી લેવો એવું કહી અભિનેત્રી સ્વરા ભાસ્કરે ફિલ્મ જગતમાં સગાંવાદના મામલે કરણ જોહરનો બચાવ કર્યો છે.
સ્વરાને તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં બોયકોટ બોલીવૂડ ટ્રેન્ડ વિશે પૂછવામાં આવ્યું હતું. ત્યારે તેણે કહ્યું હતું કે કેટલાક લોકો પૈસા લઈને સોશિયલ મીડિયા પર આવા ટ્રેન્ડ ચલાવે છે.
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત પછી બોયકોટ બોલીવૂડ ટ્રેન્ડનું પ્રમાણ વધ્યું છે તે સંદર્ભમાં સ્વરાએ કહ્યું હતું કે સુશાંતનું મોત એક બહુ જ દુઃખદ ઘટના હતી પરંતુ તે પછી કેટલાક લોકોએ તેના ફેન હોવાના નામે બોલીવૂડ પર પ્રહારો કરવા શરુ કરી દીધા. સગાંવાદના આક્ષેપો ઉછાળવામાં આવ્યા. એથી પણ આગળ વધીને કેટલાક લોકોને હત્યારા તરીકે પણ ચિતરી દેવામાં આવ્યા. કોઈને કરણ જોહરની ફિલ્મો ના ગમે તો તેનો મતલબ એ નથી કે તેને હત્યારો જાહેર કરી દેવામાં આવે.
સ્વરાએ એમ પણ કહ્યું હતું કે સોશિયલ મીડિયામાં સતત ટ્રોલીંગને કારણે એક પ્રકારે ડરનો માહોલ ફેલાયો છે. લોકોને એમ લાગે છે કે ફિલ્મ ઉદ્યોગને સમાજની કોઈ પરવા નથી. તેણે 'લાલ સિંહ ચઢ્ઢા'નું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે આ ફિલ્મનો બોયકોટનો ટ્રેન્ડ ચલાવવા માટે ઘણા લોકોને પૈસા મળ્યા છે.