અક્ષય કુમારે દેખાડી ખેલદિલી
-પેડમેનની રિલિઝ એક સપ્તાહ મોડી જાહેર કરી
-સંજય લીલા ભણસાલી સાથે મિડિયા મીટમાં હાજર રહ્યો
મુંબઇ તા.૨૦
ટોચના અભિનેતા ફિલ્મ સર્જક અક્ષય કુમારે પોતાની ખાનદાની અને ખેલદિલીનો પરિચય આપતાં પોતાની પેડમેન ફિલ્મની રિલિઝ ડેટ સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત માટે એક સપ્તાહ મોડી રિલિઝ કરવાની જાહેરાત કરી હતી.
સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત અને અક્ષય કુમારની ફિલ્મ પેડમેન બંને ૨૫મી જાન્યુઆરીએ રજૂ થવાની હતી. અક્ષયે પોતાની ફિલ્મ એક સપ્તાહ મોડી રજૂ કરવાની જાહેરાત કરી એટલે રખે એમ માનતા કે પદ્માવતના મુદ્દે કરણી સેનાએ હિંસક દેખાવો અને થિયેટરો બાળી નાખવાની આપેલી ધમકીથી અક્ષયે આ નિર્ણય લીધો હતો.
વાસ્તવમાં સંજય લીલા ભણસાલીએ યોજેલી પત્રકાર પરિષદમાં હાજર રહીને અક્ષયે ખુલાસો કર્યો હતો કે ભણસાલી સરે મને વિનંતી કરી હતી કે પદ્માવતને સોલો રિલિઝ કરવાની તક આપો એટલે મેં પેડમેનની રિલિઝ ડેટ મોડી કરી હતી.
આ પ્રસંગે ભણસાલીએ કહ્યંુ કે પદ્માવત સાથે પહેલા દિવસથી જે કંઇ બની રહ્યું હતું એ આપ સૌએ જોયું છે. અમને ધાર્યા કરતાં સારું એવું ંનુકસાન પણ થઇ ચૂક્યું છે. મેં માત્ર એખ ફોન અક્ષયને કર્યો હતો કે મારી ફિલ્મ સોલો રિલિઝ કરવાની ઇચ્છા છે. અક્ષયે એક ક્ષણના ય વિલંબ વગર હા પાડી હતી અને અહીં તમારી સમક્ષ અક્ષય પણ હાજર છે.
હવે અક્ષયની ફિલ્મ પેડમેન નીરજ પાંડેની ફિલ્મ ઐયારી સાથે ૯મી ફેબુ્રઆરી સાથે રજૂ થશે. રસપ્રદ વિગત એ છે કે પદ્માવત અને પેડમેન સાથેની બોક્સ ઑફિસની ટક્કર ટાળવા નીરજે પોતાની ફિલ્મ ૨૫ જાન્યુઆરીને બદલે ૯મી ફેબુ્રઆરીએ રજૂ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ હવે એની ફિલ્મ પેડમેન સાથે ટકરાશે.