શક્તિમાન બાદ મિલિન્દ સોમનનો કેપ્ટન વ્યોમ નવા અવતારમાં દેખાશે
- 1990ના દાયકામાં કેપ્ટન વ્યોમે દૂરદર્શન પર ધૂમ મચાવી હતી
મુંબઈ : શક્તિમાન ફિલ્મની ટ્રાઈલોજીની જાહેરાત કર્યા બાદ હવે બુ્રઈંગ થોટ્સની કેપ્ટન વ્યોમને નવા રૂપમાં રજૂ કરવાની યોજના ચર્ચામાં છે. ફિલ્મ નિર્માતા કેતન મહેતા દ્વારા બનાવવામાં આવેલ ઓરિજિનલ સાય-ફાઇ શોમાં મિલિંદ સોમનને સુપરહીરો તરીકે દર્શાવવામાં આવ્યો હતો. આ ટીવી શો દૂરદર્શન પર ૧૯૯૦ના અંતિમ દાયકામાં પ્રસારિત થયો હતો.
મહેતાએ જણાવ્યું હતું કે કેપ્ટન વ્યોમને આધુનિક યુગ સાથે સુસંગત બનાવવામાં આવશે. બુ્રઈંગ થોટ્સના સહસંસ્થાપક પ્રશાંત સિંહએ જણાવ્યું કે આવી સીરીઝ બનાવવી એક મોટા પડકાર અને જવાબદારીની બાબત છે. આપણા દેશમાં સુપરહીરો રજૂ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે.
તેમણે ઉમેર્યું કે શક્તિમાન અને કેપ્ટન વ્યોમ જેવા શોથી આપણને દૂરદર્શનના હિટ શોના ૯૦ દાયકાના બાળપણના દિવસોને ફરી તાજા કરવાની તક મળશે.
નિર્માતાઓએ એવું પણ જણાવ્યું કે તેમની પાસે કેપ્ટન વ્યોમના સહ-નિર્માણ માટે ટોચના સ્ટુડિયો અને પ્લેટફોર્મ્સ તરફથી પહેલેથી જ ત્રણ-ચાર આકર્ષક ઓફર છે.