Anandi Ba And Emily : 'આનંદી બા' નું પાત્ર નિભાવનાર અભિનેત્રી કંચન ગુપ્તાને હંમેશા રહે છે આ વાતની ચિંતા
મુંબઈ, તા. 09 જુલાઈ 2022 શનિવાર
પડદા પર હસતા ચહેરાઓના જીવનમાં શુ ચાલી રહ્યુ છે, કઈ મુશ્કેલીમાંથી તેઓ પસાર થઈ રહ્યા છે. ઘણીવાર દર્શકોને ખબર નથી હોતી. મનોરંજનની દુનિયાનો પણ આ જ સિદ્ધાંત છે, 'શો મસ્ટ ગો ઓન'. સીરિયલ 'આનંદી બા એન્ડ એમિલી' માં આનંદી બા નુ પાત્ર નિભાવનાર અભિનેત્રી કંચન ગુપ્તાને હંમેશા પતિના સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેતી હોય છે.
પોતાની ઓળખ માટે પસંદ કર્યુ થિયેટર
સીરિયલ 'આનંદી બા એન્ડ એમિલી' પહેલા કંચન 'સતરંગી સસુરાલ', 'ક્યા હાલ મિસ્ટર પાંચાલ', જેવી સીરિયલમાં કામ કરી ચૂક્યા છે. પંજાબના અબોહરના રહેવાસી કંચન જ્યારે વધુ અભ્યાસ માટે ચંદીગઢ આવ્યા તો ત્યાં તેમની મુલાકાત ચંદ્રકાંત ગુપ્તા સાથે થઈ. બંનેનો સંબંધ આગળ વધ્યો અને ટૂંક સમયમાં જ બંનેએ લગ્ન કરી લીધા. સરકારી નોકરીમાં વ્યસ્ત રહેતા ચંદ્રકાંત ગુપ્તા અને હાઉસ વાઈફ કંચનને એક દિકરી જન્મી જેના ઉછેરમાં કંચન પોતાના સપના ભૂલી ગયા. જ્યારે તેમની દિકરી પાંચ વર્ષની થઈ તો કંચનને લાગ્યુ કે દિકરી મોટી થઈને પોતાની દુનિયામાં વ્યસ્ત થઈ જશે અને પતિ પોતાના કામમાં વ્યસ્ત રહે છે. તો પોતાનો ટાઈમ પાસ કરવા માટે કંચને થિયેટર જોઈન કરી લીધુ.
એક્ટિંગમાં પહેલી તક
કંચન ગુપ્તા કહે છે જીવનમાં હીરોઈન કે પછી અભિનેત્રી બનવાનો કોઈ પ્લાન નહોતો. ટાઈમ પાસ માટે ચંદીગઢમાં થિયેટરની શરૂઆત કરી. તે દરમિયાન જાલંધર દૂરદર્શન માટે કેટલાક શો કર્યા, માત્ર ઉદ્દેશ્ય એ હતો કે ટાઈમ પાસ કરવાનો છે, તેથી જે પણ નાનુ મોટુ કામ મળતુ હતુ, તેને કરતી રહી, પહેલી તક જાલંધર દૂરદર્શનની સિરીયલ 'કર્માવાલી' માં મળી. આ શો ભારત પાકિસ્તાનના ભાગલા પર હતો. શો એટલો પોપ્યુલર છે કે આજે પણ રિપીટ ટેલિકાસ્ટ થતુ રહે છે. જેમાં મે નેગેટીવ પાત્ર નિભાવ્યુ હતુ.
દિકરીના કારણે મુંબઈ આવ્યા
કંચનના પતિ નહોતા ઈચ્છતા કે દિકરી ક્યાંય પણ જઈને એકલી રહે. તેથી જ્યારે દિકરીને બહાર ભણવાનુ મન થયુ તો કંચન પોતાની દિકરીની સાથે મુંબઈ ગઈ. મુંબઈ આવવાની સાથે કંચન ગુપ્તાને દૂરદર્શનની સીરિયલ 'મે કુછ ભી કહ સકતી હુ' મા કામ કરવાની તક મળી. જે બાદ 'સતરંગી સસુરાલ' માં સાવકી માતા બની. આ સીરિયલમાં મુખ્યત્વે ઘરેલૂ હિંસાનો મુદ્દો ઉઠાવાયો.
પતિની બીમારીથી દુ:ખી
કંચન ગુપ્તા કહે છે, મારા પતિ હવે નિવૃત થઈ ચૂક્યા છે. જાન્યુઆરીમાં જ ખબર પડી કે તેમને કેન્સર છે. અમારો શો 'આનંદી બા એન્ડ એમિલી' પણ જાન્યુઆરીમાં જ શરૂ થવાનો હતો. પહેલા મે વિચાર્યુ કે શો છોડી દઈશ પરંતુ તેમણે જ મને કામ કરવાની હિંમત આપી અને કહ્યુ કે 'શો મસ્ટ ગો ઓન'. આ વિશે સેટ ઉપર હુ કોઈને જણાવતી નથી. બસ મન કરે છે કે વધારે સમય પતિ સાથે પસાર કરુ. અત્યારે તેમની સારવાર ચાલી રહી છે અને હવે સારી રિકવરી થઈ રહી છે.