Get The App

યાત્રાળુઓનો પ્રવાહ કાળિયા ઠાકોરના દરબાર ભણીઃ ખંભાળિયા પંથકમાં ધમધમતા સેવા કેમ્પ

Updated: Mar 3rd, 2023

GS TEAM


Google News
Google News
યાત્રાળુઓનો પ્રવાહ કાળિયા ઠાકોરના દરબાર ભણીઃ ખંભાળિયા પંથકમાં ધમધમતા સેવા કેમ્પ 1 - image


દ્વારકામાં ફુલડોલ ઉત્સવ ઉજવવા અપાર ઉત્સાહ : ચા, નાસ્તો, ભોજન, આરામ, તબીબી સારવાર સહિતની સુવિધાઓઃ પદયાત્રીઓની સેવા માટે અનેક સેવાભાવીઓ સેવારત

જામ ખંભાળિયા, :     ફુલડોલ ઉત્સવમાં પગપાળા દ્વારકા જઈ અને દ્વારધીશ કાળિયા ઠાકોર સંગ હોળી ખેલવાનું મહાત્મય હવે દિવસે-દિવસે વધી રહ્યું છે. ચાલીને દ્વારકા જતા પદયાત્રીઓની સંખ્યા છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર વધી રહી છે. ત્યારે જુદા-જુદા વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં ચાલીને દ્વારકા જતા પદયાત્રીઓની સેવા માટે ખંભાળિયા નજીક અનેક સેવા કેમ્પ ધમધમતા થયા છે.

આ પદયાત્રીઓની તમામ પ્રકારે સેવા કરી અને પુણ્યનું ભાથું બાંધવા અને સેવાભાવી યુવાનો, કાર્યકરો, સંસ્થાઓ હાલ કાર્યરત છે. હોળી-ધુળેટીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો છે, ત્યારે ચાલીને દ્વારકા જતા પદયાત્રીઓની સંખ્યા દરરોજ હજારોની બની રહેતા ખંભાળિયાના દાતાથી દ્વારકા માર્ગ સુધી અને સેવા કેમ્પમાં સેવાઓ આપતા યુવાનો, મહિલાઓ તેમજ બાળકો હાલ આ કેમ્પધમધમી રહ્યા છે. 

અનેકવિધ નામી - અનામી દાતાઓના સહયોગથી આ સેવા કેમ્પમાં પદયાત્રીઓને આખો દિવસ ભોજનની સુવિધા ઉપરાંત ચા-પાણી, ઠંડા પીણા વિગેરે જેવી વ્યવસ્થા ઉપરાંત બપોરના આરામ તેમજ રાત્રી રોકાણની પણ સુવિધા પ્રાપ્ય છે.  સેવા કેમ્પ હાલ આશરે ત્રણ દાયકાથી કાર્યરત છે. અહીં પદયાત્રીઓને ચા-નાસ્તો, ભોજન ઉપરાંત તબીબી સારવાર, નાહવા-ધોવાની વ્યવસ્થા વિગેરે પણ કરવામાં આવી છે.

આ સેવા કેમ્પ માટે દાતા ગામના સેવાભાવી યુવા કાર્યકર મહાવીરસિંહ નટુભા જાડેજા, જટુભા ઝાલા,ઉપરાંત વર્ષોથી રસોઈની સેવા આપતા કુંદનભાઈ ખત્રીની અવિરત જહેમત નોંધપાત્ર બની રહી છે.

ખંભાળિયા દ્વારકા માર્ગ પર ખોડીયાર મંદિર પાસે પણ દ્વારકાધીશ પદયાત્રા સેવા સંઘ દ્વારા છેલ્લા અઢી દાયકાથી અવિરત રીતે ચાલતા સેવા કેમ્પમાં ભોજન, ચા-પાણી, આરામ ઉપરાંત દવા, પગચંપી સહિતની સેવાઓમાં પણ ખૂબ મોટી સંખ્યામાં સ્વયંસેવકો તેમજ તેઓની ટીમ કાર્યરત છે. ખોડીયાર મંદિરના વિશાળ પટાંગણમાં સંગીતના સથવારે રાસ લેતા પદયાત્રીઓથી સમગ્ર વાતાવરણ ધર્મમય બની રહે છે. આ ઉપરાંત હોળી-ધુળેટીના છેલ્લા દિવસો નજીક આવતા ખંભાળિયા નજીક નાના-મોટા સેવા કેમ્પ ઉપરાંત સેવાભાવી લોકો ખાસ વાહનો મારફતે આઈસ્ક્રીમ, ફ્ટ, ઠંડા પીણા, નાળિયેર પાણી વિગેરેની સેવાઓ પણ આપીને પુણ્યનું ભાથું બાંધે છે.

Tags :