દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ માટે 1500 સુરક્ષા જવાનો સ્ટેન્ડ-ટુ
જિલ્લા પોલીસ દ્વારા કાયદો- વ્યવસ્થા જાળવવા કવાયત : પોલીસ સાથે હોમગાર્ડ, જીઆરડી, એસઆરડી અને ટ્રાફિક બ્રિગેડનાં જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે, ખાસ સર્વેલન્સ ટીમ પણ સજ્જ
જામ ખંભાળિયા, : દેવભૂમિ દ્વારકા ખાતે આગામી હોળી- ધૂળેટી પર્વે ફૂલડોલ ઉત્સવની ઉજવણી સંદર્ભે પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા તેમજ યાત્રાળુઓની વ્યવસ્થા માટેની ખાસ બેઠક યોજવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષકનાં અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલી આ મિટિંગમાં આગામી હોળી - ધુળેટીના તહેવારોમાં યાત્રાધામ દ્વારકાધીશના જગત મંદિર ખાતેના ફુલડોલ ઉત્સવની તૈયારી બાબતની સમીક્ષા કરવામાં આવી હતી.
આ મીટીંગમાં યાત્રાળુઓને સુરક્ષા તથા સલામતી માટે જરૂરી વ્યવસ્થા અંગેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફૂલડોલ ઉત્સવમાં જિલ્લા પોલીસ, હોમગાર્ડ, જી.આર.ડી. તથા એસ.આર.ડી. સાથે ટ્રાફિક બ્રિગેડના જવાનો મળી કુલ 1500 સુરક્ષા કર્મચારીઓનો બંદોબસ્તમાં ફાળવવામાં આવ્યો છે. આ ઉપરાંત એલ.સી.બી., એસ.ઓ.જી. તથા સ્થાનિક પોલીસની ટીમો ચિલ ઝડપ, પીક પોકેટિંગ, મોબાઈલ ચોરી, સામાન ચોરી વિગેરે ગુનાઓ બનતા રોકવા તથા યાત્રાળુઓની સલામતી માટે હાજર રહેશે.
વિવિધ સી-ટીમો વૃદ્ધ તથા બાળકોને જરૂરી મદદ તથા શાંતિ પૂર્ણ ભગવાન નાં દર્શન કરાવવામાં મદદ કરશે. ગુજરાત પોલીસ દ્વારા ઉપયોગમાં લેવાતી વિવિધ ટેકનોલોજી જેમકે ડ્રોન કેમેરા, બોડી વોર્ન કેમેરા, વિશ્વાસ પ્રોજેક્ટના કેમેરા, વિગેરેથી ચોવીસ કલાક લાઈવ સર્વેલન્સ કરવામાં આવશે.
ગુજરાત પોલીસની પોકેટ કોપ મોબાઈલ એપ તથા ફેસ ટેગર જેવી વિવિધ એપ દ્વારા ગુનેગારો પર નજર રાખવામાં આવશે. પેટ્રોલીંગ માટે વિવિધ ટીમો બનાવી હાઈવે પર આખો દિવસ સતત પેટ્રોલીંગ તથા પદયાત્રીને મદદ કરવામાં આવશે.પદયાત્રીનાં સામાન પર રિફ્લેકટર પટ્ટી લગાવીને રાત્રી દરમિયાન અકસ્માતથી બચાવની કામગીરી માટે ટ્રાફિક પોલીસની ટીમો બનાવી કામગીરી કરવામાં કરવામાં આવી છે. પદયાત્રામાં જતા શ્રદ્ધાળુને મદદ માટે જિલ્લા પોલીસ દ્વારા કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.