દિલ્હીની વાત : મોદીના મુસ્લિમ-ફિલ્મ અંગેની વાતના ઘેરા પ્રત્યાઘાત
નવીદિલ્હી : દિલ્હીમાં ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કારોબારીના સમાપન પ્રસંગે મોદીએ ભાજપના નેતાઓને ફિલ્મો અને મુસ્લિમો વિરૂધ્ધ નિવેદનો નહી કરવા આદેશ આપ્યો તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે.
મોદીએ સાફ શબ્દોમાં કહ્યું કે, મુસ્લિમ સમાજ અંગે ખોટાં નિવેદનો ના કરો તથા ફિલ્મોનો વિરોધ કરીને ખોટા વિવાદો પેદા ના કરો. શાહરૂખ ખાનની 'પઠાણ' સામે ભાજપના કેટલાક નેતા વિરોધ કરી રહ્યા છે ત્યારે જ મોદીએ આ નિવેદન કર્યું એ સૂચક છે.
વિશ્લેષકોના મતે, મોદીએ ભાજપના નેતાઓને ઝાટકીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે તો સાથે સાથે એ સ્વીકાર પણ કર્યો છે કે, ભાજપના કેટલાક નેતા મુસ્લિમ સમાજ અંગે ખોટાં નિવેદનો કરે છે. આ નિવેદનોના કારણે વૈશ્વિક સ્તરે ભાજપની આબરૂ બગડે છે તેથી મોદીએ આ વાત કરવી પડી છે. મોદીએ એ સંકેત પણ આપી દીધો છે કે, ભાજપે સત્તામાં ટકવું હોય તો મુસ્લિમોને પણ સાથે રાખવા પડશે, તેમનો વિરોધ નહીં કરી શકાય.
મોદી આવકવેરા મુક્તિ મર્યાદાનો નિર્ણય લેશે
નાણાં મંત્રાલયે કેન્દ્રીય બજેટમાં રૂપિયા પાંચ લાખ સુધીની વાર્ષિક આવક સંપૂર્ણ કરમુક્ત કરવાની દરખાસ્ત પીએમએઓને મોકલી છે. મોદી પીએમઓના અધિકારીઓ સાથે ચર્ચા કરીને આ અંગે અંતિમ નિર્ણય લેશે. મોદી લીલી ઝંડી આપે એ સાથે જ બજેટમાં તેની જાહેરાત કરાશે.
હાલ વાર્ષિક રૂપિયા ૨.૫ લાખ સુધીની આવક સંપૂર્ણ કરમુક્ત છે. સ્ટાન્ડર્ડ ડીડક્શન સહિતની વિવિધ રાહતો અને રોકાણની કપાત પછી વાર્ષિક રૂપિયા પાંચ લાખ સુધીની આવક કરમુક્ત થાય છે. નાણાં મંત્રાલયની દરખાસ્ત આ મર્યાદા વધારીને આગામી બજેટમાં સરકાર રૂપિયા પાંચ લાખ સુધીની વાર્ષિક આવક સંપૂર્ણ કરમુક્ત કરી નાંખવાની છે. આ છૂટ મેળવવા માટે કરદાતાએ કોઇ રોકાણ કે કરમુક્તિનો ખર્ચ બતાવવાની પણ જરૂર નહીં પડે. આ દરખાસ્ત પ્રમાણે કરદાતાની વાર્ષિક આવક રૂપિયા પાંચ લાખથી જેટલી વધારે હોય એટલી આવક પર સ્લેબ પ્રમાણે ટેક્સ ભરવો પડશે. આગામી સામાન્ય ચૂંટણી પહેલાં કેન્દ્રનું આ છેલ્લું બજેટ હશે તેથી સરકાર સામાન્ય કરદાતાઓને મોટી રાહત આપવા ઇચ્છે છે. આ કારણે આ દરખાસ્તને મોદી મંજૂરી આપી દેશે એવું મનાય છે.
વરૂણ-મેનકાને કોંગ્રેસમાં લેવા પ્રિયંકા તૈયાર
સરકારથી નારાજ ભાજપના સાંસદ વરૂણ ગાંધી અને તેમનાં માતા મેનકા ગાંધી કોંગ્રેસમા જવા મથે છે એવી અટકળો ચાલી રહી છે. આ અટકળ વચ્ચે રાહુલ ગાંધીએ કહ્યું છે કે, પોતે વરૂણ ગાંધીને ગળે લગાવીને ભેટી શકે છે પણ તેમની વિચારધારાની વિરૂધ્ધ છે. આડકતરી રીતે રાહુલે કહી દીધું છે કે, અત્યારે તો વરૂણ અને મેનકા ગાંધી માટે કોંગ્રેસના દરવાજા બંધ છે પણ ભવિષ્યમાં ખૂલી શકે છે.
રાહુલે એમ પણ કહ્યું કે, મારા પરિવારની એક વિચારધારા છે જ્યારે વરૂણે બીજી વિચારધારાને અનુસરી છે. આ વિચારધારાને હું અપનાવી શકું નહિ. રાહુલના કહેવાનો મતલબ સાફ છે કે, વરૂણ અને મેનકાએ કોંગ્રેસમાં આવવું હશે તો પોતાની વિચારધારામાં સંપૂર્ણપણે ફેરફાર કરવો પડશે.
કોંગ્રેસનાં સૂત્રોનો દાવો છે કે, પ્રિયંકા વરૂણ-મેનકાને કોંગ્રેસમાં લાવવા આતુર છે કે જેથી યુપીમાં કોંગ્રેસને ફરી બેઠી કરી શકાય. ભાજપમાં કોઈ કિંમત નથી તેથી વરૂણ-મેનકા પણ સ્વમાન બચાવવા કોંગ્રેસમાં આવી જશે.
રીઝર્વ બેંકની જૂની પેન્શન યોજના સામે ચેતવણી
રાજસ્થાન, મધ્ય પ્રદેશ, કર્ણાટક, છત્તીસગઢ અને તેલંગાણા એ પાંચ રાજ્યોની વિધાનસભાની આ વરસે ચૂંટણી છે. આ ચૂંટણીમાં સરકારી કર્મચારીઓ માટેની જૂની પેન્શન યોજનાનો મુદ્દો મહત્વનો ગણાય છે ત્યારે રિઝર્વ બેન્કે જૂની પેન્શન યોજના લાગુ કરવા સામે રાજ્ય સરકારોને ચેતવણી આપી છે.
રીઝર્વે બેંકે કહ્યું છે કે, જૂની પેન્શન યોજના (ઓપીએસ) લાગુ કરવાથી રાજ્યોની નાણાકીય સ્થિતિ બગડશે અને લાંબા ગાળે ગંભીર નુકસાન થશે. રાજસ્થાન, છત્તીસગઢ અને ઝારખંડ સરકારે પોતાના સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર તેમજ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (પીએફઆરડીએ)ને આ રાજ્યોએ પોતાના નિર્ણય અંગે માહિતી આપી છે. તેના પગલે રીઝર્વ બેંકે આ ચેતવણી આપી છે.
વિપક્ષોનું કહેવું છે કે, રીઝર્વ બેંક ભાજપની એજન્ટ હોય એ રીતે વર્તી રહી છે. રાજ્ય સરકારના અધિકાર મુદ્દે ટીપ્પણી કરવાનો રીઝર્વ બેંકને કોઈ અધિકાર નથી.
યુપી-પંજાબમાં કોંગ્રેસ કાંસીરામના પરિવારના શરણે
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પંજાબ પહોંચી છે ત્યારે રાહુલ બસપાના સંસ્થાપક કાંસીરામનાં બહેન સ્વર્ણ કૌરને મળ્યા હતા. કાંસીરામ ફાઉન્ડેશનના પ્રમુખ લખવીરસિંહ પણ રાહુલની સાથે હતા. તેના કારણે કાંસીરામનો પરિવાર કોંગ્રેસમાં જોડાશે એવી અટકળો ચાલી રહી છે.
બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ લોકસભા ચૂંટણીમાં પોતે કોઈપણ પક્ષ સાથે જોડાણ નહીં કરે એવી જાહેરાત કરી તેના બીજા જ દિવસે રાહુલ કાંસીરામના પરિવારને મળ્યા એ સૂચક છે. કાંસીરામનાં પરિવાર સાથે માયાવતીના સંબંધો સારા નથી એ જોતાં રાહુલની મુલાકાતનું ફળ મળશે એવું મનાય છે.
કોંગ્રેસનાં સૂત્રોના મતે, કાંસીરામનો પરિવાર કોંગ્રેસમાં જોડાય તો ઉત્તર પ્રદેશ અને પંજાબ એ બંને રાજ્યોમાં કોંગ્રેસનો ફાયદો થશે. દલિતોનો મોટો વર્ગ માયાવતીની સાથે નથી પણ કાંસીરામને હજુય માન આપે છે. માયાવતીએ સત્તાને ખાતર કાંસીરામના સિધ્ધાંતોને કોરાણે મૂકી દીધા એવું માનતો આ વર્ગ કોંગ્રેસને પંજાબ અને યુપીમાં ફરી બેઠા થવામાં મદદ કરી શકે.
સક્સેના સામે ભાજપના નેતાઓને પણ વાંધો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેના અંગે કરેલા નિવેદનને ભાજપમાં જ કેટલાક નેતા સમર્થન આપી રહ્યા છે. કેજરીવાલે દાવો કર્યો છે કે સક્સેનાએ દિલ્હી મ્યુનિસપલ કોર્પોરેશન (એમસીડી)ની ચૂંટણીમાં ભાજપે ૧૦૪ બેઠક જીતી તેનું શ્રેય પોતાને આપ્યું હતું. સક્સેનાએ મને એક બેઠકમાં કહ્યું હતું કે, તેમના કારણે ભાજપે ૧૦૪ બેઠકો જીતી. પોતે ના હોત તો ભાજપને ૨૦ બેઠક પણ ન મળી હોત. કેજરીવાલે એવો દાવો પણ કર્યો કે, સક્સેનાના મતે તો પોતાના કારણે ભાજપ આગામી લોકસભા ચૂંટણીમાં દિલ્હીની તમામ સાત બેઠકો જીતી જશે.
ભાજપના નેતાઓનું માનવું છે કે, કેજરીવાલની વાતો પર બહુ વિશ્વાસ ના કરી શકાય પણ સક્સેનાનું ભાજપના નેતાઓ સાથેનું વર્તન જોતાં આ વાત સાચી લાગે છે. સક્સેના ભાજપના નેતાઓને ગણકારતા જ નથી. ભાજપના નેતા તો કશું ના કરી શક્યા પણ પોતાના કારણે કેજરીવાલની હાલત ખરાબ થઈ હોવાના કટાક્ષ કરે જ છે એ જોતાં કેજરીવાલની વાત સાવ ખોટી નથી લાગતી.