દિલ્હીની વાત : ભાજપનું મુસ્લિમોને આકર્ષવા મોદી મિત્ર અભિયાન
નવીદિલ્હી : લોકસભાની ચૂંટણી આડે માંડ એકાદ વર્ષનો સમય બચ્યો છે ત્યારે ભાજપ મુસ્લિમોને મનાવવાના કામે લાગ્યો છે. મુસ્લિમોને આકર્ષવા માટે ભાજપ ૨૦ એપ્રિલથી મોદી મિત્ર અભિયાન શરૂ કરશે. આ ઉપરાંત મુસ્લિમ સમુદાય સાથે મોદીના સંવાદનું આયોજન પણ ભાજપના લઘુમતી મોરચા દ્વારા કરાયું છે. લઘુમતી મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ જમાલ સિદ્દીકીએ હાઈકમાન્ડની સૂચનાને પગલે આ અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો હોવાનો ભાજપના સૂત્રોનો દાવો છે. સૂત્રોના મતે, મોદી ૨૦૨૪માં ભાજપની બેઠકોનો આંકડો સાડા ત્રણસોને પાર કરાવીને બે તૃતિયાંશ બહુમતી મેળવવા માગે છે.
ભાજપે લોકસભાની એવી ૬૫ બેઠકોને નિશાન બનાવવાનું નક્કી કર્યું છે કે જ્યાં મુસ્લિમોની વસતી ૩૦ ટકાથી વધારે છે. આ બેઠકોમાં ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળની ૧૩-૧૩, જમ્મુ અને કાશ્મીરની ૫, બિહારની ૪, કેરલ અને આસામની છ-છ, મધ્ય પ્રદેશની ત્રણ, તેલંગાણા અને હરિયાણાની બે-બે જ્યારે મહારાષ્ટ્રની એક તથા કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપની બેઠકનો સમાવેશ થાય છે.
આઠવલેની યુપીમાં લોકસભા બેઠકો ફાળવવા માગ
નરેન્દ્ર મોદી સરકારમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી રામદાસ આઠવલેએ માંગ કરી છે કે, ભાજપ લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં તેમને કેટલીક બેઠકો ફાળવે. પોતાની રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા યુપીમાં દલિત મતોને એનડીએ તરફ વાળવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે એવા દાવા સાથે આઠવલેએ ભાજપના નેતાઓ સાથે પ્રારંભિક વાતચીત પણ કરી છે. આઠવલેનો દાવો છે કે, આ અંગે પોતે નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે પણ વાત કરશે.
રામદાસ આઠવલેએ લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રની શિરડી બેઠક પોતાને ફાળવવા પણ માંગ કરી છે. આઠવલે ૨૦૦૯માં શિરડીથી ચૂંટણી લડયા હતા પણ હારી ગયા હતા. રાજ્યસભામાં આઠવલેનો કાર્યકાળ ૨૦૨૬માં પૂરો થાય છે. એ પહેલાં આઠવલે લોકસભાની ચૂંટણી જીતીને પોતાનું ભાવિ સલામત કરવા માંગે છે.
ભાજપનાં સૂત્રોના મતે, ભાજપ માટે આઠવલેની એક પણ માંગણી સ્વીકારવી શક્ય નથી. ભાજપ બહુ બહુ તો આઠવલેને ફરી રાજ્યસભામાં મોકલી શકે છે.
વરૂણને યુકેમાં બોલવાની મંજૂરી ના મળી
લંડનમાં રાહુલ ગાંધીની કોમેન્ટ્સનો વિવાદ ચગ્યો છે ત્યારે ભાજપના સાંસદ વરુણ ગાંધીએ ઓક્સફર્ડ યુનિવસટીનું નિમંત્રણ ઠુકરાવી દીધું છે. સરકારના ટીકાકાર વરૂણને સરકારની કામગીરી પર બોલવા માટે યુકેની ઓક્સફર્ડ યુનિવર્સિટીનું આમંત્રણ મળ્યું હતું. વરૂણ ગાંધીને 'ધીસ હાઉસ બિલિવ્સ મોદીઝ ઇન્ડિયા ઇઝ ધ રાઇટ પાથ' વિષય પર બોલવા માટે આમંત્રણ મોકલવામાં આવ્યું હતું.
ભાજપનાં સૂત્રોનો દાવો છે કે, વરૂણે ભાજપને નેતાગીરી પાસે ઓક્સફર્ડમાં બોલવા માટે મંજૂરી માગી હતી પણ આ મંજૂરી ના મળતાં વરૂણે નિમંત્રણનો અસ્વીકાર કરી દીધો. વરૂણ ગાંધી સરકારનાં પગલાંની ટીકા પર ટીકા કરી રહ્યા છે તેથી યુકેમાં જઈને કશુંક ટીકાત્મક બોલી નાંખશે તો રાહુલ ગાંધી સાચા ઠરશે એવો ભાજપને ડર હોવાથી મંજૂરી ના આપી.
વરૂણ પાસે પોતાની રીતે જવાનો વિકલ્પ હતો પણ લોકસભાની ચૂંટણી પહેલાં હાઈકમાન્ડ સાથે ટકરાવની વરૂણની ઈચ્છા નથી તેથી તેમણે વાત માની લીધી.
રાહુલને રેપ પીડિતાઓની વિગતો આપવા નોટિસ
દિલ્હી પોલીસે રાહુલ ગાંધીને મહિલાઓના શારીરિક શોષણ અંગેના નિવેદન બદલ નોટિસ આપી છે. પોલીસે રાહુલને શારીરિક શોષણની ફરિયાદ કરનારી પીડિતાઓની વિગતો આપવા કહ્યું છે. નોટિસમા લખાયું છે કે, રાહુલે પોલીસને એવી પીડિતાઓની માહિતી આપવી જોઈએ કે જેની પર તેમના કહેવા પ્રમાણે બળાત્કાર થયો હતો કે જેથી તેમને પોલીસ રક્ષણ આપી શકાય. પોલીસે સોશિયલ મીડિયા પોસ્ટના આધારે સવાલોની યાદી પણ મોકલી છે. આ નોટિસ દિલ્હી પોલીસે રાહુલ ગાંધીના ઘરે જઇને આપી હતી અને ખુદ રાહુલ ગાંધીએ નોટિસ સ્વીકારી હતી.
ભારત જોડો યાત્રા દરમિયાન શ્રીનગરમાં રાહુલે કહ્યું હતું કે, મહિલાઓનું જાતીય અને શારીરિક શોષણ કરવામાં આવી રહ્યું છે એવું મેં સાંભળ્યું છે. એક છોકરી પર બળાત્કાર થયો હોવાની ખબર પડતાં મેં તેને કહેલું કે, આપણે પોલીસને બોલાવવી જોઈએ. તેણે કહ્યું કે પોલીસને બોલાવશો નહીં. પોલીસ આવશે તો હું બદનામ થઈ જઈશ.
સુપ્રીમ કોર્ટમાં પણ ઉધ્ધવ હારે એવાં એંધાણ
સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેંચે શિવસેના વિરૂધ્ધ શિવસેનાના કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે પણ ચીફ જસ્ટિસે કરેલી ટીપ્પણીઓને જોતાં ઉધ્ધવ ઠાકરે માટે સારા અણસાર નથી. ઉધ્ધવ ઠાકરે જૂથે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ઉધ્ધવને વિશ્વાસનો મત લેવા કહ્યું એ નિર્ણયને પડકાર્યો છે.
ઉધ્ધવ જૂથની દલીલ છે કે, રાજ્યપાલ ક્યારેય પણ વિશ્વાસમત માટે બોલાવી શકે નહીં. ઉધ્ધવ ઠાકરે જૂથ વતી કપિલ સિબ્બલે દલીલ કરી છે કે, રાજ્યપાલ એમ માની શકે નહીં કે સરકારે વિશ્વાસમત ગુમાવી દીધો છે. વિશ્વાસનો મત લેવાનું કામ સ્પીકરનું છે અને રાજ્યપાલ સ્પીકરે તેમની કામગીરી અંગે દબાણ કરી શકે નહીં.
ચીફ જસ્ટિસે સવાલ કર્યો હતો કે, કોર્ટ ઉધ્ધવ સરકારને પુન: સ્થાપિત કરી દે એવું તમે ઈચ્છો છો ? ચીફ જસ્ટિસે વિશ્વાસના મત પહેલાં ઉધ્ધવ સરકારે કેમ રાજીનામું આપી દીધું એ સવાલ પણ કર્યો હતો. સિબ્બલ ઉપરાંત કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવી ઉદ્ધવ જૂથના વકીલ છે.
કેજરીવાલને બદલે સિસોદિયાને નિશાન બનાવવા પાછળનું ગણિત
મનિષ સિસોદિયા સામે સીબીઆઈએ દિલ્હી સરકારના ફીડબેક યુનિટમાં કથિત ભ્રષ્ટાચાર અંગે નવો કેસ નોંધતાં સિસોદિયાની જેલમાંથી મુક્તિનો માર્ગ અઘરો બન્યો છે. સીબીઆઈનો દાવો છે કે, ગેરકાયદેસર રીતે ફીડબેક યુનિટને બનાવવાથી સરકારી તિજોરીને ૩૬ લાખ રૂપિયાનું નુકસાન થયું છે. ફીડબેક યુનિટ પર વિરોધ પક્ષના નેતાઓ, અધિકારીઓ અને ન્યાયતંત્ર સાથે સંકળાયેલાં લોકોની જાસૂસીનો પણ આરોપ છે.
સીબીઆઈએ આ મુદ્દે અરવિંદ કેજરીવાલને બદલે સિસોદિયા સામે કેમ કેસ નોંધ્યો એ સવાલ થઈ રહ્યો છે. દિલ્હી સરકારના વડા તરીકે સરકાર દ્વારા લેવાતા નિર્ણયોની જવાબદારી મુખ્યમંત્રીની છે. તેના બદલે સીબીઆઈ સહિતની એજન્સીઓ નાયબ મુખ્યમંત્રીને નિશાન બનાવી રહી છે. ભાજપે આ કેસમાં કેજરીવાલને આરોપી બનાવવાની માગ કરી છે પણ સીબીઆઈ ચૂપ છે. કોંગ્રેસે જાસૂસીને આંતરિક સુરક્ષાનો મામલો ગણાવીને અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ લગાવવા માંગ કરી છે. વિશ્લેષકોના મતે, કેજરીવાલને ટાર્ગેટ કરવાથી રાજકીય નુકસાનનો ખતરો હોવાથી કેન્દ્ર સિસોદિયાને નિશાન બનાવી રહી છે.
***
રાહુલે પોલીસને કલાકો સુધી રાહ જોવડાવી
રાહુલ ગાંધીએ જાન્યુઆરીમાં ભારત જોડો યાત્રા દરમિયાન શ્રીનગરમાં કરેલા એક ભાષણમાં જાતીય સતામણીનો ભોગ બનેલાઓનો ઉલ્લેખ કર્યો હતો. દિલ્હી પોલીસ આ બનાવો વિષેની માહિતી મેળવવા નોટિસ લઇને ૧૫ માર્ચે ગાંધી પાસે પહોંચી તો એમણે પોલીસને ત્રણ કલાકો સુધી ખડી રાખી. એ પછી પણ ગાંધી પોલીસ ટીમને મળ્યા નહિ. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ૧૬ માર્ચે ફરીથી ગાંધીના નિવાસસ્થાને ગયા ત્યારે દોઢ કલાકના ઇંતેજાર પછી તેઓ પોલીસને રૂબરૂ થયા અને નોટિસ સ્વીકારી.
તેઓ પોતે જ રાષ્ટ્રવિરોધીઓ છે : ખડગેએ નડ્ડાને સંભળાવ્યું
ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીને દેશવિરોધી ટોળકીનો કાયમી હિસ્સો ગણાવતા નડ્ડા પર વરસી પડેલા કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે દેશની સ્વાતંત્ર્ય ચળવળમાં જેણે ક્યારેય ભાગ લીધો નથી એ ભાજપ પોતે જ રાષ્ટ્રવિરોધી છે. ખડગેએ અખબારી મુલાકાતમાં ઉમેર્યું કે ભાજપ પોતે જ રાષ્ટ્રવિરોધી છે. તેઓ કદી ભારતની આઝાદીની ચળવળમાં જોડાયા નથી. ઊલટું, એમણે તો અંગ્રેજો માટે કામ કર્યું અને તેઓ પાછા બીજાને દેશવિરોધી ગણાવે છે? ભાજપવાળા પ્રજાનું ધ્યાન બેરોજગારી તથા મોંઘવારીથી અન્યત્ર વાળવા માટે આમ કહી રહ્યા છે. શું ગાંધી ક્યારેય રાષ્ટ્રવિરોધી બની શકે ખરા, એવો પ્રશ્ન ખડગેએ કર્યો છે.
ઓનલાઇન ગેમ્બલિંગ : જુગારીઓએ આપઘાત કર્યો
તમિલનાડુના રાજ્યપાલ અને રાજ્ય સરકાર ઓનલાઇન ગેમ્સ બિલ (ખરડા) બાબત છેલ્લા ત્રણ વર્ષોથી બાખડયા કરે છે ત્યારે ઓનલાઇન ગેમ્બલિંગમાં મોટી રકમ હારી ચૂકવાથી હતાશ થયેલા ૪૦થી વધુ તમિલોએ આપઘાત કરી લીધો છે, એમ દ્રવિડ મુન્નેત્ર કઝગમ (ડીએમકે) સાંસદ ટી.આર. બાલુએ કહ્યું. ઓનલાઇન ગેમ્બલિંગ પર પ્રતિબંધ મૂકતો ખરડો રાજ્ય વિધાનસભામાં ગઇ તા.૧૯ ઓકટોબરે પસાર થયો છે. જો કે રાજ્યપાલ આર.એન. રવિએ ૮ માર્ચે એને મંજૂરી આપવાનો ઇન્કાર કરી સરકારને ખરડો પાછો મોકલ્યો. રાજ્યપાલે આ માટે તમિલનાડુ સરકારની અક્ષમતાને કારણરૂપ ગણાવી. એમ.કે. સ્ટાલિનના નેતૃત્વયુક્ત ડીએમકે સરકારે અન્ય દાવો કરીને આગામી વિધાનસભા સત્રમાં ખરડાને ફરીથી પસાર કરવા માટે આયોજન કરે છે.
પરદેશમાં કરેલી ટિપ્પણીનો વિવાદ : રાહુલ પહેલા નથી
રાહુલ ગાંધીના બ્રિટનમાંના વિધાનો વિષે સંસદમાં ચર્ચા થઇ રહી છે ત્યારે કોંગ્રેસે વડાપ્રધાન મોદીની 'વિદેશ-વાણી' ના પાંચ દ્રષ્ટાંતો સહિતની યાદી પ્રસિધ્ધ કરી છે, જેમાં એમણે ભારતને કથિતપણે ક્ષોભજનક પરિસ્થિતિમાં મૂક્યું હોય. રાહુલ ગાંધીએ તાજેતરમાં લંડનમાં કરેલા પત્રકારોને સંબોધનવેળા વરિષ્ઠ પત્રકાર સુરેશ ગુપ્તાએ રાહુલના દાદી અને પૂર્વ વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ ૧૯૭૮માં ભારતની તત્કાલીન મોરારજી દેસાઇ સરકાર વિરૂધ્ધ અને એ રીતે ભારત વિરૂધ્ધ કંઇ બોલવાના કરેલા ઇન્કારની યાદ અપાવી હતી. જો કે ધ ટાઇમના અખબારી અહેવાલો મુજબ ઉપરોક્ત વાત સંપૂર્ણપણે સાચી નથી. એક અન્ય પ્રસંગરૂપપે, મોરારજી દેસાઇએ અમેરિકી પ્રમુખ જિમી કાર્ટર સાથેની વાતચીતમાં ભારતની તત્કાલીન કોંગ્રેસ સરકારે કરેલા અણુધડાકાના કાર્યને ખોટું ગણાવ્યું હતું. તાજેતરમાં ૨૦૧૦માં કોંગ્રેસી નેતા જયરામ રમેશે કેન્દ્રીય પર્યાવરણમંત્રી તરીકે બૈજિંગમાં કરેલી ટિપ્પણીએ વિવાદ ઊભો કર્યો હતો.
મહેબૂબાના પ્રભુદર્શનથી મૌલવીઓ નારાજ
દારૂલ ઉલૂમ દેવબંધના મૌલવીઓએ પીડીપીના વડા મહેબૂબા મુફિતએ પૂંચસ્થિત નવગ્રહ મંદિરમાં કરેલી શિવપૂજા સામે નારાજગી વ્યક્ત કરી છે. એમણે અન્ય ધાર્મિક પરંપરાના અનુસરણને ઇસ્લામવિરોધી ગણાવ્યું. મદરેસા જામિઆ શેખ-ઉલ-હિન્દના ઉપકુલપતિ મૌલાના મુફિત અસદ કાસમીએ કહ્યું કે મુસ્લિમોએ ફક્ત એમનો ધર્મ જ પાળવો જોઇએ. આ ફતવો નહિ, પરંતુ પોતાનો અંગત વિચાર હોવાનું એમણે, જોકે સ્પષ્ટ કર્યું છે.
- ઇન્દર સાહની