દિલ્હીની વાત : નીતીશ ફરી પી. કે. સાથે હાથ મિલાવશે ?
નવીદિલ્હી : નીતીશ કુમાર અને પ્રશાંત કિશોર વચ્ચે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા યુધ્ધ વચ્ચે નીતીશ અને પી.કે. વચ્ચે મુલાકાત થતાં બંને ફરી હાથ મિલાવશે એવી અટકળો તેજ બની છે. પી.કે. અને નીતીશ કુમાર વચ્ચે પોણો કલાક સુધી ચર્ચા થઈ હતી. બંને વચ્ચે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપને પડકાર આપવા માટે વિપક્ષી એકતાનું લક્ષ્ય પાર પાડવા શું કરવું તેની ચર્ચા થઈ હોવાનો જેડીયુનો દાવો છે.
જેડીયુના ભૂતપૂર્વ નેતા પવન વર્માએ આ મુલાકાત ગોઠવી હોવાનું કહેવાય છે. પવન વર્મા પણ બે વર્ષ પહેલાં પી.કે. સાથે જેડીયુ છોડી ગયા હતા. પી.કે. ક્યાંય જોડાયા નહોતા જ્યારે પવન વર્મા તૃણણૂલ કોંગ્રેસમાં જોડાયા હતા પણ ગયા મહિને તેમણે તૃણણૂલ કોંગ્રેસને રામ રામ કરી દીધા હતા. પી.કે. પણ જેડીયુમાં જોડાશે એવી અટકળો ચાલી રહી છે.
આ બેઠક પછી નીતીશે પોતે પી.કે.થી નારાજ નહીં હોવાની સ્પષ્ટતા કરી હતી. બેઠકમાં શું ચર્ચા થઈ તે અંગે નીતીશે જવાબ આપ્યો કે, અમે બંને મળ્યા હતા તેથી પી.કે.ને પૂછો.
નહેરૂની ચડ્ડી સંઘની નહીં પણ સેવાદળની
આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ચાપલૂસી કરવા જતાં ફસાઈ ગયા છે. કોંગ્રેસે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ખાખી ચડ્ડી સળગતી હોય એવો ફોટો પોસ્ટ કર્યો હતો. તેના જવાબમાં સરમાએ જવાહરલાલ નેહરુ ચડ્ડીમાં હોય એવો ફોટો મૂકીને લખ્યું કે, તમે આને પણ બાળી નાખશો? સરમાએ #BharatTodoYatri સાથે આ પોસ્ટ મૂકીને દાવો કર્યો કે, નહેરૂએ પણ સંઘની ચડ્ડી પહેરી હતી.
જો કે સોશિયલ મીડિયા પર તરત જ જવાબ આવ્યો કે, નેહરૂએ સંઘની ખાખી ચડ્ડી નહીં પણ કોગ્રેંસના સેવાદળનો યુનિફોર્મ પહેર્યો છે.
કોગ્રેંસ સેવાદળની સ્થાપના ૨૮ ડિસેમ્બર ૧૯૨૩ના રોજ થઈ હતી. સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન સેવાદળના યુનિફોર્મમાં ચડ્ડી હતી પણ પછી યુનિફોર્મ બદલીને સફેદ શર્ટ, સફેદ પેન્ટ અને સફેદ ટોપી કરવામાં આવ્યો હતો. ૨૦૧૮માં યુનિફોર્મ બદલીને ટી-શર્ટ, બ્લૂ જીન્સ અને સફેદ ટોપી કરવામાં આવ્યો.
ગોઆમાં પક્ષપલટા પછી નેતાઓને ગાળો પડી
ગોઆમાં કોંગ્રેસના ૧૧ ધારાસભ્યોમાંથી ૮ ધારાસભ્યોએ બુધવારે પક્ષપલટો કરીને ભાજપનો ખેસ પહેરી લીધો તેના કારણે રાજકારણીઓની ટીકા થઈ રહી છે. લોકો લખી રહ્યાં છે કે, આપણા રાજકારણીઓએ લોકશાહીને મજાક બનાવી દીધી છે. ચૂંટણીમાં ઉમેદવારો અલગ અલગ પક્ષની ટિકિટ પર ઉભા રહે છે ને જીત્યા પછી બેશરમ બનીને પાર્ટી બદલી નાંખે છે.
લોકો ભાજપની પણ ટીકા કરી રહ્યાં છે. ભાજપ દેશમાં સૌથી વધારે પક્ષપલટાને પોષીને ઈન્દિરાના સમયની કોંગ્રેસની કાર્બન કોપી બની ગયો હોવાની ટીકાઓ થઈ રહી છે.
ગોઆમાં ૧૦ માર્ચ ૨૦૨૨ના રોજ ચૂંટણી પરિણામ આવ્યાં ત્યારે કોંગ્રેસને ૪૦ બેઠકોમાંથી ૧૧ બેઠક મળી હતી પણ ૭ મહિનાની અંદર જ પાર્ટી તૂટી ગઈ છે. કોંગ્રેસે બહારથી આવેલા માઈકલ લોબોને વિપક્ષના નેતા બનાવ્યા તેના કારણે ભંગાણ પડયું હોવાનું મનાય છે. દિગંબર કામતે કોંગ્રેસ હાઈકમાન્ડના આ નિર્ણયથી નારાજ થઈ રાજીનામું આપી દીધું હતું. તેમણે જ આ બળવો કરાવ્યો હોવાનું મનાય છે.
કાશ્મીરને સંપૂર્ણ રાજ્યના દરજ્જાનું ભાજપનું વચન
ભાજપની સરકાર ડીસેમ્બરમાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચૂંટણી કરાવવા માગે છે પણ એ પહેલાં જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો પાછો આપવાની જાહેરાત કરાશે એવો સૂત્રોનો દાવો છે. સૂત્રોનું કહેવું છે કે, જમ્મુ અને કાશ્મીરને તાત્કાલિક સંપૂર્ણ રાજ્યનો દરજ્જો નહીં મળે પણ ભાજપ પોતાના ચૂંટણી ઢંઢેરામાં આ અંગેનું વચન આપશે.
મોદી સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ ૩૭૦ નાબૂદ કરી નાંખી પછી બે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દીધા છે. આ કારણો લોકોમાં નારાજગી છે. આ નારાજગીને દૂર કરવા માટે ભાજપ સંપૂર્ણ રાજ્યના દરજ્જાનું કાર્ડ ખેલવા માગે છે.
જમ્મુ-કાશ્મીરમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશની સાથે બે મહિનામાં ચૂંટણી જાહેર થઇ શકે છે. ભાજપે તેની તૈયારી શરૂ કરી દીધી છે અને ભાજપનો ચૂંટણીઢંઢરો તૈયાર કરાઇ રહ્યો છે. ભાજપ રાજ્યમાં પોતાની સરકાર બન્યાના ૯૦ દિવસમાં જમ્મુ-કાશ્મીરને ફરી સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનું વચન ઢંઢેરામાં સમાવશે જ્યારે લદાખ કેન્દ્રશાસિત પ્રદેશ જ રહેશે.
કેજરીવાલે પાણી પહેલાં પાળ બાંધવા માંડી
દિલ્હીમાં હવે જે લોકો વીજળી સબસિડી માટે અરજી કરશે તેમને જ સબસિડી મળશે એવી જાહેરાત કરાઈ છે. તેનું એવું અર્થઘટન કરાઈ રહ્યું છે કે, કેજરીવાલ પાણી પહેલાં પાળ બાંધવા માગે છે.
સુપ્રીમ કોર્ટમાં મફતમાં અપાતી ચીજોના મુદ્દે સુનાવણી ચાલી રહી છે. મોદી સરકાર સુપ્રીમ કોર્ટના માધ્યમથી મફતિયા ખેરાતો પર અંકુશ લાવવા માગે છે. સુપ્રીમ કોર્ટ આવો કોઈ આદેશ આપે તો પણ પોતાની યોજનાને આંચ ના આવે એટલે કેજરીવાલ લોકો પાસેથી અરજીઓ લઈ રહ્યા છે કે જેથી કહી શકાય કે, લોકોએ રાહત માગી તેના બદલામાં અમે વીજળ બિલ માફ કરી રહ્યા છીએ.
ભાજપને ડર છે કે, કેજરીવાલ અરજીઓનો ઉપયોગ ભાજપ સામે કરી શકે છે. અરજીઓના આધારે કેજરીવાલ એવું સાબિત કરવા માગે છે કે, ભાજપના કાર્યકરો પણ મફતની વીજળી લેવા માગે જ છે. કેજરીવાલે કહ્યું છે કે કેટલાક લોકો ફ્રી વીજળી લેવા માંગતા નથી તેથી દિલ્હીમાં એ જ લોકોને વીજળી સબસિડી મળશે જે અરજી કરશે.
હાથી પાછળ પડતાં રાવત ટેકરી પર ચડી ગયા !
ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતનો એક વીડિયો વાયરલ થયો છે. હાથી પાછળ પડતાં રાવત દોટ મૂકીને ટેકરી પર ચડી ગયા હતા. નેતાજી એટલા ડરી ગયા હતા કે, અડધા કલાક લગી ટેકરી પર જ બેસી રહ્યા હતા. લગભગ અડધા કલાકની મહેનત પછી જંગલના અધિકારીઓએ હવામાં ગોળીબાર કરીને હાથીને રસ્તામાંથી ભગાડયો પછી રાવત માંડ માંડ નીચે ઉતરી શક્યા.
પત્રકારો અને પોલીસે તેમને નીચે ઉતરવા કહ્યું પણ ડરના માર્યા નેતાજી નીચે ઉતર્યા જ નહીં. આ વીડિયોની લોકો મજા લઈ રહ્યાં છે અને કોમેન્ટ કરી રહ્યાં છે કે, આ હાથી કોંગ્રેસે તો નહોતો મોકલ્યો ? કેટલાકે કટાક્ષ કર્યો કે, આ ઘટનાની કેન્દ્રીય એજન્સી દ્વારા તપાસ કરાવો અને હાથીને ત્યાં ઈડીના દરોડા પડાવો.
રાવત પૌડીથી કોટદ્વાર જઈ રહ્યા હતા ત્યારે તેમના કાફલાની સામે અચાનક એક હાથી આવી ગયો હતો.
આ કારણે કાફલો લગભગ અડધો કલાક રોકાયો હતો. રાવત પહેલાં પોતાના વાહનમાં બેસી રહ્યા હતા પણ પછી હાથી તેમના વાહન તરફ આવવા લાગતાં ટેકરી પર ચઢી ગયા હતા.
***
માસાહાર પર પ્રતિબંધ મૂકી ન શકાયઃ સંઘ
ભારતની વૈવિધ્યતાની ચર્ચા થવી જોઈએ, ઉજવણી થવી જોઈએ અને કોઈપણ સરકારી આદેશ ફૂડ ચોઇસ પર પ્રતિબંધ લગાવી ન શકે, એમ આરએસએસના વરિષ્ઠ ફંકશનરી જે નંદકુમારે જણાવ્યું હતું. કુમાર સંઘની થિન્ક ટેન્ક પ્રજના પ્રવહાના વડા છે. સંઘ શાસક પક્ષ ભાજપનું માર્ગદર્શક છે. સંઘ માને છે કે આહારની ટેવો ભૌગોલિક અને વાતાવરણલક્ષી સ્થિતિના સંદર્ભમાં રચાઈ છે. સંઘના વિરોધીઓ સંઘ પર શાકાહારને પ્રોત્સાહન આપવાનો અને ગૌસંરક્ષણના નામે ગૌરક્ષકોને છૂટો દોર આપવાનો આરોપ મૂકે છે. માસ અંગે અને તેમા પણ ખાસ કરીને બીફ અંગે પૂછવામાં આવતા કુમારે જણાવ્યું હતું કે માંસાહારમાં કશું ખરાબ નથી અને તેના પર પ્રતિબંધ ન મૂકી શકાય.
નીતિશકુમાર-પ્રશાંત કિશોર વચ્ચેની બેઠકથી રાજકીય સળવળાટ
બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમાર અને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર વચ્ચે પટણામાં બેઠક યોજાતા રાજકીય વર્તુળોમાં બંને વચ્ચે જોડાણની સંભાવનાને ગણગણાટ થવા માંડયો છે. સોમવારે કુમારે ભૂતપૂર્વ રાજદ્વારીમાંથા રાજકારણી બનેલા પવન વર્માને મળ્યા હતા જેમણે કિશોર સાથે બેઠક ગોઠવવામાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું મનાય છે. ચૂંટણી વ્યૂહકાર પ્રશાંત કિશોર બેટ્ટિયામાં તેમના રાજ્યવ્યાપી કાર્યક્રમ જન સૂરજ અભિયાન હેઠળ છે. તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. જ્યારે સીએમ કુમારે કિશોરને આ વાતને મળ્યા હોવાની વાતને સમર્થન આપ્યું હતું. બંને વર્મા અને કિશોરને નીતિશકુમારના પક્ષ જેડી (યુ)માંથી બરખાસ્ત કરવામાં આવ્યા હતા. વર્મા પછી ટીએમસીમાં જોડાયા હતા, પરંતુ તાજેતરમાં તેમણે ટીએમસીમાંથી રાજીનામુ આપ્યું છે.
ઉ.પ્રદેશમાં હોસ્પિટલોમાં ઉર્દૂ સાઇનબોર્ડનો વિવાદ
ઉત્તરપ્રદેશ સરકારે રાજ્યમાં બધા આરોગ્ય કેન્દ્રોમાં ચીફ મેડિકલ ઓફિસર (સીએમઓ)ના સાઇનબોર્ડ અને નેમ પ્લેટ ઉર્દૂમાં રાખવાનો આદેશ આપ્યો હતો તેને સરકાર સસ્પેન્ડ કર્યો છે. આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીએ આ વાતને સમર્થન આપ્યું છે કે જોઇન્ટ હેલ્થ ડિરેક્ટર તબસ્સુમ ખાનને તેમની ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સરકારનો આદેશ ન માનવાના લીધે તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે.
- ઇન્દર સાહની