દિલ્હીની વાત : સંઘ-ભાજપ સંકલન માટેની ટીમ બદલાશે
નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની હરિયાણામાં શરૂ થયેલી બેઠકમાં લોકસભાની ચૂંટણી પહેલા કેટલાક પ્રચારકોને ભાજપમાં મોકલવાની વિનંતી કરાઈ છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાએ વ્યક્તિગત રીતે સંઘના વડા ડો. મોહન ભાગવતને આ વિનંતી કરી છે.
સૂત્રોનો દાવો છે કે, પાણીપતના સમાલખામાં ૧૪ માર્ચ સુધી ચાલનારી બેઠકમાં છેલ્લા દિવસે આ અંગે નિર્ણય લેવાશે. સંઘ અને ભાજપ વચ્ચે સમન્વય માટે કામ કરી રહેલા કેટલાક ચહેરા પણ બદલાઈ શકે છે. સંઘના કેટલાક સ્વયંસેવકોની જવાબદારી બદલીને તેમને ભાજપમાં મોકલવાનો નિર્ણય પણ આ બેઠકમાં લેવામાં આવશે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલા સંઘન દિગ્ગજ નેતાઓની આ છેલ્લી મોટી બેઠક હોવાથી તેમાં ભાજપને ચૂંટણીમાં મદદ અંગે ઘણા મોટા નિર્ણયો લેવાશે.
સંઘની સ્થાપનાને ૨૦૨૫માં ૧૦૦ વર્ષ પૂરાં થશે. સંઘ પ્રતિનિધિ સભાની બેઠકમાં શતાબ્દી વર્ષ સંદર્ભે વિશેષ ચર્ચા કરવાનો છે. આ ચર્ચામાં સંઘ અંગેની ગેરમાન્યતાઓ દૂર કરવા શું કરવું તેના પર વિશેષ ભાર મૂકાશે.
આંધ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રેડ્ડી ભાજપમાં જોડાય તેવી ચર્ચા
આંધ્ર પ્રદેશમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી એન. કિરણ કુમાર રેડ્ડીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા કોંગ્રેસને વધુ એક ફટકો પડયો કિરણ કુમાર રેડ્ડી ભાજપમાં જોડાય તેવી સંભાવના છે. રેડ્ડી થોડા સમય પહેલા જ અમિત શાહને મળ્યા હતા. એ વખતે જ તેમના ભાજપ પ્રવેશનો તખ્તો ઘડાઈ ગયો હોવાનું કહેવાય છે.
ચાર વખત ધારાસભ્ય રહેલા રેડ્ડી ૨૦૧૦માં અવિભાજિત આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા. સંયુક્ત આંધ્ર પ્રદેશના છેલ્લા મુખ્યમંત્રી રેડ્ડીએ આંધ્રના વિભાજનના કોંગ્રેસ સરકારના નિર્ણયનો વિરોધ કરીને ૧૦ માર્ચ ૨૦૧૪ના રોજ મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યું હતું. રેડ્ડીએ કેન્દ્ર સરકારના આંધ્રના વિભાજનના નિર્ણયનો વિરોધ કરીને મનમોહન સરકારના નિર્ણયના વિરોધમાં રાજ્યની વિધાનસભામાં ઠરાવ પણ પસાર કરાવ્યો હતો.
રેડ્ડીએ ૨૦૧૪માં નવી પાર્ટી જય સમૈક્ય આંધ્ર બનાવીને લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવેલું પણ તેમની પાર્ટીને એક પણ બેઠક નહોતી મળી. ૨૦૧૮માં કિરણ કુમારે ફરી કોંગ્રેસનો હાથ પકડી લીધો હતો પણ છેલ્લા કેટલાક સમયમાં કોંગ્રેસમાં થઇ રહેલી ઉપેક્ષાથી નારાજ હતા.
સિસોદિયાને વીઆઇપી સવલતનો આરોપ
તિહાર જેલમાં બંધ મનિષ સિસોદિયાને વીવીવીઆઈપી ટ્રીટમેન્ટ મળતી હોવાનો આક્ષેપ કરીને મહાઠગ સુકેશ ચંદ્રશેખરે લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાને એક પત્ર લખ્યો છે. સુકેશનો આક્ષેપ છે કે, મનિષ સિસોદિયાને વીવીવીઆઈપી વોર્ડમાં રાખવામાં આવ્યા છે અને તેમને દરેક પ્રકારની સગવડો તથા સેવાઓ આપવામાં આવી રહી છે. ૨૦,૦૦૦ ચોરસ ફૂટમાં બનેલા વોર્ડમાં માત્ર ૫ સેલ છે. વોર્ડમાં લાકડાના ફ્લોરિંગ છે અને ચાલવા માટે ગાર્ડન પણ છે. આ વોર્ડમાં બેડમિન્ટન કોર્ટ અને ડાઇનિંગ એરિયા પણ છે. મનિષ સિસોદિયાના આરામ માટે આ વોર્ડમાં માત્ર કેટલાક જૂના કેદીઓ અને સર્વિસમેનને રાખવામાં આવ્યા હતા.
સુકેશના પત્રના પગલે સોશિયલ મીડિયા પર લોકો ભાજપની મજાક ઉડાવી રહ્યા છે. લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે, ભાજપનો પગારદાર જાસૂસ ફરી મેદાનમાં આવી ગયો છે. કેટલાકે કોમેન્ટ કરી છે કે, ભાજપનો વ્યાપ હવે જેલોમાં પણ વધી રહ્યો છે તેનો આ પુરાવો છે.
ભાજપના નેતાની કવિતા સામે ગંદી કોમેન્ટથી વિવાદ
ભારત રાષ્ટ્ર સમિતિનાં ધારાસભ્ય અને મુખ્યમંત્રી કેસીઆરના પુત્રી કે. કવિતા સામે અયોગ્ય ટિપ્પણી કરીને તેલંગાણા ભાજપ પ્રમુખ બંદી સંજયે વિવાદ સર્જ્યો છે. કવિતાની ઈડી દ્વારા પૂછપરછના સંદર્ભમાં બંદી સંજયે કહેલું કે, ઈડી કવિતાની ધરપકડ ના કરે તો શું કિસ કરશે ?
સંજયે એક મહિલા સામે કરેલી ગંદી કોમેન્ટની લોકો ટીકા કરી રહ્યાં છે. લોકોના મતે, ભાજપના નેતાઓને સ્ત્રી દાક્ષિણ્ય શીખવવાની જરૂર છે. બીજી તરફ ભાજપે એવો બચાવ કર્યો છે કે, સંજયે તો તેલુગુ ભાષામાં વપરાતા સામાન્ય શબ્દસમૂહનો ઉપયોગ કર્યો છે કે જેનો અર્થ થાય છે કે, કોઈ વ્યક્તિ ગુનો કરે તો તમે તેની પ્રશંસા કરશો કે સજા કરશો ?
લોકો આ બચાવની પણ ઝાટકણી કાઢી રહ્યા છે. તેમના મતે, આ પ્રકારના શબ્દસમૂહો દરેક ભાષામાં હોય છે પણ કોની સામે અને ક્યારે તેનો પ્રયોગ કરવો તેનો આધાર દરેક વ્યક્તિની વિવેકબુધ્ધિ પર હોય છે.
પંજાબના શિક્ષણ મંત્રી આઈપીએસ જ્યોતિને પરણશે
પંજાબની આમ આદમી પાર્ટી સરકારના શિક્ષણ મંત્રી હરજોત બૈંસની લવસ્ટોરી ચર્ચામાં છે. બૈંસ માર્ચ મહિનામાં આનંદપુર સાહિબમાં આઈપીએસ ઓફિસર જ્યોતિ યાદવ સાથે લગ્ન કરવાના છે. ડૉ. જ્યોતિ યાદવ હાલમાંં માનસામાં એસપી તરીકે તૈનાત છે. જ્યોતિનો પરિવાર ગુરગ્રામમાં રહે છે. ૨૦૧૯ની બેચની આઈપીએસ અધિકારી જ્યોતિ યાદવ અને બૈંસની લવ સ્ટોરી ગયા વરસે શરૂ થઈ હોવાનું મનાય છે.
પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર આવી પછી લગ્ન કરનારા બૈંસ પાંચમા ધારાસભ્ય બનશે. આ પહેલાં મુખ્યમંત્રી ભગવંત માન, નરિંદર કૌર ભારજ, નરિનંદર પાલ સિંહ સવાના અને રણવીર સિંહ ભુલ્લરે છેલ્લા એક વર્ષમાં લગ્ન કર્યા છે. તેના પગલે એવી જોક ચાલી રહી છે કે, પંજાબમાં સરકાર રચાઈ પછી કમ સે કમ આપના વાંઢા તો થાળે પડી રહ્યા છે.
હરજોત બૈંસ અને જ્યોતિના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. લગ્ન સમારોહમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિતના નેતા હાજર રહેશે.
શહીદોની વિધવાઓ મુદ્દે પાયલટે ગેહલોતને ઝાટક્યા
પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા ત્રણ જવાનોની વિધવાઓને જયયુરમાં પોલીસે પોતાના ઘરેથી ઉઠાવી લીધી એ મુદ્દે સચિન પાયલટ નારાજ થયા છે. પોલીસે ત્રણેય વિધવાને પાયલટના નિવાસ બહારથી ઉઠાવીને પોતપોતાના શહેર પાછી મોકલી દીધી હતી. આ વિધવાઓ સાથે તેમના સમર્થકે જયપુરના બહારના વિસ્તારમાં આવેલા બગરુ સેઝ પોલીસ સ્ટેશનમાં પૂરી દેવાયા હતા.
સચિન પાયલટે આ અંગે નારાજગી વ્યક્ત કરીને પોતાની જ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, આ મુદ્દાને અહમનો મુદ્દો ન બનાવવો જોઈએ ને કોઈના અહંકારને કારણે સંતોષી શકાય એવી માંગણીઓની પણ અવગણના થાય એવું ના થવું જોઈએ. પાયલોટે કહ્યું કે, દેશમાં એવો મેસેજ ના જવો જોઈએ કે આપણે શહીદોના પરિવારોની વાત સાંભળવા પણ તૈયાર નથી. આ મામલાને વધુ સારી રીતે હેન્ડલ કરી શકાયો હોત. પોલીસે તેમની સાથે જે રીતે વર્તન કર્યું તે સ્વીકારી શકાય તેમ નથી. તેની તપાસ થવી જોઈએ અને કાર્યવાહી થવી જોઈએ.