Get The App

ટિકૈત ફરી મેદાનમાં, 20 માર્ચથી દિલ્હીમાં ધામા

Updated: Mar 12th, 2023

GS TEAM


Google News
Google News
ટિકૈત ફરી મેદાનમાં, 20 માર્ચથી દિલ્હીમાં ધામા 1 - image


ટિકૈત ફરી મેદાનમાં, ૨૦ માર્ચથી દિલ્હીમાં ધામા

નવી દિલ્હી: ભારતીય કિસાન યુનિયનના રાકેશ ટિકૈત લાંબા સમયની શાંતિ પછી પાછા મેદાનમાં આવ્યા છે. રાકેશ ટિકૈતે ઉત્તર પ્રદેશના મેરઠમાં યોજાયેલી જાટ મહાપંચાયતમાં એલાન કર્યું કે, અમે ૨૦ માર્ચથી દિલ્હીમાં ધામા નાંખીશું અને હવે ખેડૂતોના ટ્રેક્ટર જ ખેડૂતની ટેન્ક બનશે. ટિકૈતે આક્ષેપ કર્યો કે, સકારે લઘુત્તમ ટેકાના ભાવ અંગે કાયદો બનાવવાનું વચન પાળ્યું નથી. જ્યાં સુધી ખેડૂતોની આ માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી આ જ રીતે દેશભરમાં  મહાપંચાયતો યોજાતી રહેશે.

ટિકૈતે પોતાને ભાજપ અને સંઘ તરફથી ધમકી મળતી હોવાનો આક્ષેપ પણ કરીને કહ્યું કે,  જે લોકોએ મહાત્મા ગાંધીને ગોળી મારી હતી, એ જ લોકોએ મને પણ ધમકી આપી છે. દેશમાં ખતરનાક લોકો બેઠા છે અને તેમનાથી સતર્ક રહેવાની જરૂર છે.

ભાજપના નેતા ટિકૈતના એલાનને રાજકીય ગણાવી રહ્યા છે. તેમના મતે, વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે તેથી ટિકૈત સક્રિય થયા છે.

ઈડીના દરોડામાં ખોદ્યો ડુંગર ને નિકળ્યો ઉંદર

ઈડીએ લેન્ડ ફોર જોબ કૌભાંડમાં પાડેલા દરોડામાં ખોદ્યો ડુંગર, નિકળ્યો ઉંદર જેવો ઘાટ થયો છે.  બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની ત્રણ પુત્રીઓ અને રાષ્ટ્રીય જનતા દળના નેતાઓને ત્યાં પડાયેલા દરોડામાં ૫૩ લાખ રોકડા, ૧૯૦૦ અમેરિકી ડોલર, લગભગ ૫૪૦ ગ્ર્રામ સોનું અને ૧.૫ કિલોના સોનાના ઘરેણાં મળ્યાં છે. ઈડીએ દિલ્હી ઉપરાંત બિહારના ૧૫ જેટલાં શહેરોમાં દરોડા પાડયા પછી મળેલી રકમ બહુ મામૂલી કહેવાય. કેન્દ્રીય સુરક્ષા દળોની સુરક્ષા સાથે લગભગ બે ડઝનથી વધારે જગ્યા પર સર્ચ કર્યા પછી ઈડીને ઠેકાણાદીઠ માંડ  લાખ રૂપિયા મળ્યા છે. આટલી રકમ કોઈ પણ ઉચ્ચ મધ્યમ વર્ગીય પરિવાર પાસેથી મળી આવે.

ઈડીએ દક્ષિણ દિલ્હીના ન્યૂ ફ્રેડ્સ કોલોની વિસ્તારમાં આવેલા તેજસ્વી યાદવના ઘર ઉપરાંત લાલુ પ્રસાદની દીકરીઓ રાગિણી યાદવ, ચંદા યાદવ અને હેમા યાદવ તથા રાજદના પૂર્વ ધારાસભ્ય અબૂ દોજાના, અમિત કત્યાલ, નવદીપ સરદાના અને પ્રવીણ જૈનના ઠેકાણા પર દરોડા પાડયા હતા.

કવિતાના સમર્થનમાં પોસ્ટર્સ લાગ્યા

તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવનાં પુત્રી કવિતાની ઈડી દ્વારા ધરપકડના ભણકારા વચ્ચે  કેસીઆરએ  પુત્ર કે.ટી. રામારાવ અને ભત્રીજા ટી. હરીશ રાવને દિલ્હી મોકલી દેતાં રાજકીય ઉત્તેજનાનો માહોલ છે. કે.ટી. રામારાવ અને ટી. હરીશ રાવ બંને તેલંગાણા સરકારમાં મંત્રી છે. રામારાવ અને હરીશ રાવને આ મુદ્દાને રાજકીય રીતે ચગાવવા દિલ્હી મોકલાયા છે. કેસીઆરએ હૈદરાબાદમાં પણ આ મુદ્દાને રાજકીય રીતે ચગાવવાનો બંદોબસ્ત કરી દીધો છે. હૈદરાબાદમાં ભાજપ પર નિશાન સાધતા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં કવિતા માટે લખ્યું છે કે, સાચા રંગ ક્યારેય પણ ઝાંખા નથી પડતા.

રાહુલનું સાંસદપદ છિનવી લેવા ભાજપ સક્રિય

ભાજપે વિશેષાધિકાર ભંગ બદલ રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ રદ કરાવવાની હિલચાલ આદરી છે. ભાજપનું માનવું છે કે, રાહુલ ગાંધીએ વિશેષાધિકારનો ભંગ કર્યો છે તેથી તેમનું  સભ્યપદ રદ કરવા માટે ત્રણ કારણ છે. ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ વિશેષાધિકાર ભંગ સમિતિ સમક્ષ નોંધાવેલા નિવેદનમાં રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ રદ કરવાની માંગ કરી છે. દુબેનો આક્ષેપ છે કે, લોકસભામાં ૫૦ મિનિટના ભાષણમાં રાહુલ ગાંધીએ ૭૫ વખત અદાણીનું નામ લીધું હતું. કોઈ પણ સાંસદ કે મંત્રી સામે ગંભીર આરોપ મૂકતાં પહેલાં લોકસભાના સ્પીકરને માહિતી આપીને પરવાનગી લેવી પડે છે પણ રાહુલે આ પરવાનગી નહોતી લીધી. બીજું એ કે, લોકસભા સ્પીકરે ભાષણ કાઢી નાખ્યું હોવા છતાં  રાહુલના ટ્વિટર એકાઉન્ટ, યુટયુબ ચેનલ અને કોંગ્રેસની યુટયુબ ચેનલ પર રાહુલ ગાંધીના ભાષણ ચલાવાઈ રહ્યા છે. ત્રીજું એ કે, રાહુલે સ્પીકર ઓમ બિરલાની પ્રામાણિકતા સામે સવાલ કરીને પડકાર ફેંક્યો હતો.

સ્વાતિના આક્ષેપથી બાળકોના જાતિય શોષણની ચર્ચા

દિલ્હી મહિલા આયોગ પંચના પ્રમુખ સ્વાતિ માલીવાલે દાવો કર્યો છે કે, પોતે  બાળપણમાં તેમાન પિતાના યૌન શોષણનો શિકાર બન્યાં હતાં.  સ્વાતિ માલીવાલે કહ્યું કે,  હું નાની હતી ત્યારે મારા સગા પિતા મારું યૌન શોષણ કરતા હતા. મને ખૂબ મારતા હતા અને ઘણી વખત હું પલંગ નીચે સંતાઈ જતી હતી. એ વખતે હું આખી રાત મહિલાઓને કઈ રીતે આ શોષણમાંથી મુક્તિ અપાવવી અને તેમના હક કેવી રીતે અપાવવા તેના વિશે વિચાર કરતી હતી.

ગયા અઠવાડિયે જ ભાજપનાં નેતા અને રાષ્ટ્રીય મહિલા પંચનાં સભ્ય ખુશ્બુ સુંદરે પણ પોતાના પિતા દ્વારા જાતિય શોષણ થયું હોવાનો આક્ષેપ કર્યો હતો. ખુશ્બુ સુંદર તમિલ ફિલ્મોનાં અત્યંત લોકપ્રિય અભિનેત્રી છે.

સ્વાતિના આક્ષેપોના પગલે પરિવારમાં જ થતા બાળકોના જાતિય શોષણનો મુદ્દો ફરી ચર્ચામાં છે. આ શોષણ રોકવા માટે પરિવારનાં લોકોની સતર્કતા જરૂરી હોવાથી આ સતર્કતા લાવવા જાગૃતિ અભિયાન ચલાવવાની તરફેણ કરાઈ રહી છે.  

ભાજપના મંત્રીએ ૨૧ હજાર કન્યાનાં લગ્ન કરાવ્યાં

મધ્ય પ્રદેશના મંત્રી ગોપાલ ભાર્ગવે સમૂહ લગ્નમાં એક સાથે ૨૧૦૦ કન્યાઓના વિવાહ કરાવીને ૨૧ હજાર કન્યાઓનાં લગ્ન કરાવવાનો સંકલ્પ પૂરો કર્યો છે. ગોપાલ ભાર્ગવ ૨૦૦૧થી સમૂહ લગ્નો કરાવે છે અને આ વખતે વીસમા પુણ્ય વિવાહ સમારંભનું આયોજન કરાયું હતું. 

આ સમારોહમાં એક સાથે ૨૧૦૦ વર-વધૂએ બુંદેલખંડી વિધી પ્રામણે એક જ મંડપમાં સાત ફેરા લઈ લગ્ન કર્યાં  હતાં.  ૧૦૧ પંડિતોએ વિવાહની વિધિ કરાવી અને ભાર્ગવે કન્યાઓના ધર્ર્મ-પિતા તરીકે કન્યાદાન કર્યું, ભાર્ગવના આ કાર્યને સૌ વખાણી રહ્યા છે. ભાર્ગવ પોતાના ખર્ચે દીકરીઓનાં લગ્ન ઑકરાવે છે.

ગોપાલ ભાર્ગવ સાગર જિલ્લાના ગઢાકોટાના ધારાસભ્ય છે.  ૨૦૦૧માં ગોપાલ ભાર્ગવે સામૂહિક કન્યાદાનની શરુઆત કરી ત્યારે સંકલ્પ લીધો હતો કે, પોતાની હયાતમાં વિધાનસભા વિસ્તારમાં ૨૧ હજાર કન્યાઓના લગ્ન કરાવી કન્યાદાન કરશે. કોઈ પરિવાર પોતાની દીકરીના વિવાહ માટે  દેવા તળે દબાઈ ન જાય અને શાહુકારની જાળમાં ફસાય નહીં એટલા માટે તેમણે આ સંકલ્પ લીધો હતો.


Tags :