સુરત: લોકો કાગ ડોળે રાહ જોતા હતા તે સરોલી રેલવે ઓવર બ્રિજનું આજે લોકાર્પણ
બે મહિના કરતાં વધુ સમયથી બ્રીજના લોકાર્પણ ની રાહ જોવાતી હતી
સરોલી બ્રિજ ઉપરાંત પાલિકાના 141.90 કરોડના ખર્ચે સાકાર થનારા પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે
સુરત, તા. 19 માર્ચ 2023 રવિવાર
સુરત ઓલપાડ ને જોડતો સરોલી રેલ્વે ઓવર બ્રિજ બનીને બે મહિના જેટલા સમયથી તૈયાર થઈ ગયો હતો પરંતુ નેતાઓ પાસે સમયનો અભાવ હોવાથી બ્રિજનું લોકાર્પણ થઈ શક્યું ન હતુ. જોકે, આ બ્રિજ માટે મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ હાજરી માટે સંમતિ આપતાં પાલિકા આજે સાંજે આ બ્રિજનું લોકાર્પણ કરશે.સરોલી બ્રિજ ઉપરાંત પાલિકાના 141.90 કરોડના ખર્ચે સાકાર થનારા પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામા આવશે.
ગુજરાત સરકારના આર એન્ડ બી વિભાગ દ્વારા ક્રિભકો રેલવે લાઈન પર બનાવવામાં આવ્યો હતો.આ રેલવે ઓવરબ્રિજ 1990માં ખુલ્લો મુકાયો હતો અને 2006માં સુરત મહાનગરપાલિકા હદ નું વિસ્તરણ થતાં આ રેલવે ઓવરબ્રિજ સુરત મહાનગરપાલિકાની હદમાં સમાવેશ થતાં બ્રિજની મરામતની જવાબદારી પાલિકા પર આવી હતી.ત્યાર બાદ બ્રિજ જર્જરિત થતાં તેની જગ્યાએ 3 લેન નો નવો બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને બે મહિના જેટલા સમયથી તૈયાર થઈ ગયો હતો. પાલિકાએ આ બ્રિજના લોડ ટેસ્ટ નો રિપોર્ટ માટે રેલ્વેમાં એન.ઓ.સી. માટે મોકલવામાં આવ્યો હતો. એન.ઓ.સી. આવી જતાં આ બ્રિજનું લોકાર્પણ આજે મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ હાજરીમાં કરવામાં આવશે. આ ઉપરાંત પાલિકાના કતારગામમાં 70 કરોડના ખર્ચે સાકાર થનારા ઓડિટોરીયમ નું ખાતમુહૂર્ત, સરથાણામાં 2 કરોડના ખર્ચે ગાર્ડન, વરીયાવ માં 4 કરોડના ખર્ચે ઢોર ડબ્બામાં ખાતમુર્હુત સહિતના કામો તેમજ સુડાના વિવિધ કામોના લોકાપર્ણ અને ખાત મુર્હુત કરવામાં આવશે