બીટકનેક્ટ કોઈન પ્રકરણમાં ઝડપાયેલા દિવ્યેશ દરજી પાસેથી 50 લાખ લઇ 20 લાખના ચેક લખાવી લેનાર બે વિરૂદ્ધ ફરિયાદ
સુરત, તા. 13 જૂન 2020 શનિવાર
કરોડો રૂપિયાના બીટકોઈન પ્રકરણમાં ઝડપાયેલા દિવ્યેશ દરજી મારફતે દેકાડો કોઇન ઇન્વેસ્ટ્મેન્ટ કંપનીમાં રોકાણ કરનાર બે રોકાણકારે તેમના રૂ.1.25 કરોડ લેવાના બાકી હોય 11 માસ અગાઉ દિવ્યેશ દરજી પાસેથી રૂ.50 લાખ બળજબરીથી કઢાવી લઇ રૂ.20 લાખના ચેક લખાવી લીધા હતા. આ અંગે દિવ્યેશ દરજીએ ગતરોજ ઉમરા પોલીસ મથકમાં બે રોકાણકાર કામરેજના ઉમેશ જૈન અને ગૌતમભાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સુત્રો દ્વ્રારા પ્રાપ્ત થતી વિગતો મુજબ કરોડો રૂપિયાના બીટકનેક્ટ ક્રિપ્ટોકરન્સી કૌભાંડમાં દુબઈથી પરત ફરતા દિલ્હી એરપોર્ટ ઉપર ઝડપાયેલા અને બાદમાં જમીન મુક્ત થયેલા દિવ્યેશ ધનસુખલાલ દરજી ( ઉ.વ.63) ( રહે. સી-મ 103, ગાર્ડનવેલી કોમ્પલેક્ષ, સ્ટારબજાર પાછળ, અડાજણ, સુરત ) એ સંખ્યાબંધ લોકો પાસે જુદાજુદા કોઈનમાં રોકાણ કરાવી તેના ભાવ તળિયે લઇ જઈ કોઈન બંધ કરી છેતરપીંડી આચરી હતી. આવા જ એક કોઈન દેકાડો કોઇનમાં ઘણા રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબી ગયા હતા.
રોકાણકારો પૈકીના એક ઉમેશ અનુપચંદ જૈન ( રહે. 214, નીલકંઠ રેસીડંસી બંગ્લોઝ, મીરા બંગ્લોઝ સામે, કામરેજ, સુરત ) અને તેમના મિત્ર ગૌતમભાઈએ પણ દેકાડો કોઈનમાં ઘણું રોકાણ કર્યું હતું અને તેના રૂ.1.25 કરોડ લેવાના બાકી હતા.
તે માટેની મીટીંગ ગત 9 જુલાઈ 2019 ના રોજ ઘોડદોડ રોડ કોટક બેન્કની ગલીમાં થઇ હતી અને ત્યાં ઉમેશ જૈને દેકાડો કોઇન ઇન્વેસ્ટ્મેન્ટ કંપનીમા અમારા સવા કરોડ લેવાના થાય છે તેમ કહી દિવ્યેશ દરજી પાસેથી રૂ.50 લાખ બળજબરીથી કઢાવી લીધા હતા.
ઉપરાંત, મિત્ર ચંદુભાઇના બાકી રહેતા રૂ.20 લાખના અલગ અલગ ચેકો બળજબરીથી લખાવી લઇ પરત નહી આપી દિવ્યેશ દરજીને ઢીક્કમુક્કીનો માર મારી બાકીના નાણા ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ અંગે દિવ્યેશ દરજીએ કરેલી અરજીના આધારે ઉમરા પોલીસે ગતરોજ ઉમેશ જૈન, ગૌતમભાઈ અને ઉમેશ જૈનના ડ્રાઈવર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.