અમદાવાદના એરપોર્ટ પર અકસ્માતને પગલે એક ફ્લાઇટ સુરત ડાઇવર્ટ કરાઇ
- અડધો કલાકમાં બધુ સમુસુતરૂં થઇ જતાં સ્પાઇસ જેટની ફ્લાઇટને સુરતથી ફરી અમદાવાદ રવાના કરી દેવાઇ
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 22 નવેમ્બર 2018, ગુરૂવાર
અમદાવાદ એરપોર્ટ પર આજે સવારે બનેલા એક અકસ્માતને પગલે બેંગ્લોરથી આવતી ફ્લાઇટને સુરત વાળવામાં આવી હતી. જોકે અડધો-એક કલાકમાં બધુ સમુસુતરું થતા ફલાઈટને સુરતથી અમદાવાદ રવાના કરવામાં આવી હોવાનું જાણવા મળે છે
માહિતી અનુસાર અમદાવાદ એરપોર્ટ પર ઓથોરિટીનો એક વિમાન લેન્ડ કરી રહ્યું હતું ત્યારે આગલા ભાગનું ટાયર ફાટતા, આ જ સમયે રન-વે પર ઉતરાણની તૈયારી કરતા બેંગ્લોર-અમદાવાદ ફ્લાઇટને અને અન્ય એક ફ્લાઇટને નજીકના એરપોર્ટ તરફ વાળવામાં આવી હતી. સ્પાઈસ જેટના વિમાનને સુરત તરફ અને અન્ય વિસ્તારાના ફ્લાઇટને વડોદરા એરપોર્ટ તરફ વાળવામાં આવ્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર બનેલી ટાયર ફાટવાની ઘટનાને પગલે ઓથોરિટીએ રન-વેને સલામતી ખાતર બીજી ફ્લાઇટને ઉતરાણ માટેની મંજૂરી આપી નહોતી. પણ અડધો-એક કલાકમાં જ બધુ સમુસુતરું થઈ જતા સુરતની ફ્લાઇટને અમદાવાદ પરત વાળવામાં આવી હોવાનું જાણવા મળે છે.