Get The App

સતત પૂછાતા એક મહત્ત્વના સવાલનો જવાબ માનવસ્વભાવની લાક્ષણિકતામાં છે....

Updated: May 20th, 2022

GS TEAM


Google News
Google News
સતત પૂછાતા એક મહત્ત્વના સવાલનો જવાબ માનવસ્વભાવની લાક્ષણિકતામાં છે.... 1 - image


- સિનેમેજિક-અજિત પોપટ

'સંગીતકાર તરીકે કલ્યાણજી-આણંદજીએ આટલી બધી સુપરહિટ ફિલ્મો આપી છતાં કેટલાક ફિલ્મસર્જકોએ પાછળથી તેમનો સાથ છોડી દીધો. એવું કેમ બન્યું હશે એ અમને કહો...' આવી પૃચ્છા છેલ્લા થોડા સમયથી સતત થતી રહી છે. સંગીત રસિકોની આ પૃચ્છા સમજી શકાય એવી છે. ત્રણ-સાડાત્રણ દાયકાની કારકિર્દીમાં કલ્યાણજી-આણંદજીએ સુવર્ણ જયંતી ઊજવે એવી દસથી વધુ ફિલ્મો આપી, રજત જયંતી ઊજવે એવી ૩૮ ફિલ્મો આપી. દરેક દાયકાના ટોચના કલાકારો સાથે કામ કર્યું. કેટલાક ફિલ્મસર્જકોને પહેલી ફિલ્મમાં જબરદસ્ત કામિયાબી મળે એવું સંગીતમય વાતાવરણ સર્જ્યું. છતાં કેટલાક સર્જકોએ તેમનો સાથ છોડી દીધો. 

વાસ્તવમાં આ સવાલ કલ્યાણજીભાઇ હયાત હતા ત્યારે પણ પૂછવામાં આવેલો. કલ્યાણજીભાઇ હસીને કહેતા કે કદાચ અમુક સંગીતકાર અમારા કરતાં વધુ સારું સંગીત પીરસતા હશે... આણંદજીભાઇ કહેતા કે સમય પલટાય અને નવા સર્જકો આવે ત્યારે એમને નવા નવા પ્રયોગો કરવાની ઇચ્છા જાગે. એમાં કંઇ ખોટું નથી. આ તો બંને ભાઇઓના અભિપ્રાય થયા. વાસ્તવમાં આ પ્રશ્નનો જવાબ સમજવા જેવો છે. હિટ સંગીત મેળવ્યા પછી પણ સંગીતકારોનો સાથ છોડી દેવા પાછળ માનવ સ્વભાવની કેટલીક લાક્ષણિકતા રહેલી છે. એ સમજવાનો પ્રયાસ કરીએ.

સૌથી પહેલી વાત. ફિલ્મ સુપરહિટ નીવડે અને સંગીત જામે ત્યારે આખી આખી રાત શરાબની પાર્ટીઓ યોજાય. આ બંને ભાઇઓ જૈન ધર્મના ચુસ્ત અનુયાયી એટલે આવી પાર્ટીઓમાં જાય નહીં. શરાબ પીએ નહીં, તબિયત બગાડે નહીં. પોતાનું કામ પૂરું થયું એટલે બસ. એમની ગેરહાજરીનો લાભ લઇને ફિલ્મસર્જકના ખુશામતખોર ચમચાઓ રજનું ગજ કરતા કે આ ફિલ્મ અમારા સંગીત પર જ ચાલી છે એવું કલ્યાણજી-આણંદજી બધાને કહેતા ફરે છે. કલ્યાણજી-આણંદજીનો સ્વભાવ એવો કે આવી ગેરસમજોનો ખુલાસો કરવા જતા નહીં. પરિણામે ગેરસમજ વધુ ફેલાતી. 

એવો એક દાખલો જાણીતો છે. કલ્યાણજીભાઇએ એકવાર કહ્યું કે આ દેશમાં પ્રતિભાની ખોટ નથી. અનેક કલાકારો છે પરંતુ તેમને પ્લેટફોર્મ મળતું નથી. આ અલકા (યાજ્ઞિાક)ને જુઓ. દસ વર્ષની હતી ત્યારે અમે કલકત્તામાં સાંભળેલી. અમે મુંબઇ બોલાવી અને એને તૈયાર કરી. ... આવી સાદી સીધી વાતને તોડીમરોડીને કોઇએ લતા મંગેશકરને કહ્યું, કલ્યાણજી આણંદજી કહે છે કે લતા અનિવાર્ય નથી, બીજી ઘણી પ્રતિભાઓ છે. સામસામેના મકાનમાં રહેતા હોવા છતાં ન કદી લતાજીએ સ્પષ્ટતા માગી, ન આ કચ્છીબંધુઓએ સામેથી ખુલાસો કર્યો. 

બીજી વાત. આ બંને ભાઇઓને પોતાના કામ પર પૂરતો વિશ્વાસ. એટલે કોઇની ખુશામત કરે નહીં.  કોઇ સર્જકની ફિલ્મ હિટ નીવડે ત્યારે બધા પોતાની ખુશામત કરે, વખાણ કરે એવી એની ઇચ્છા રહેતી હોય છે. કલ્યાણજી-આણંદજી કોઇની ખોટ્ટી ખુશામત કરતા નહીં. પોતાના કામ સાથે કામ. ગોસિપમાં રાચવાની એમને ટેવ નહીં. પરિણામે કેટલાક લોકો એમની પાછળ મરીમસાલો ઉમેરીને ગોસિપ ફેલાવતા.

ત્રીજો મુદ્દો. મનોજ કુમાર, ફિરોઝ ખાન વગેરે સર્જકો પોતે પણ હીરો હતા. ફિલ્મ હિટ નીવડે એટલે એમની માર્કેટ પ્રાઇઝ વધારી દે. પરંતુ હીરોની જેમ સુપરહિટ નીવડેલા સંગીતકારોની પણ માર્કેટ પ્રાઇઝ વધે એવું સ્વીકારવા તૈયાર થાય નહીં. આપણે કોઇનાં નામ લેવાં નથી, પરંતુ આવું બને ત્યારે કેટલાક સંગીતકારો ખાનગીમાં કલ્યાણજી-આણંદજી કરતાં ઓછું મહેનતાણું લઇને કામ કરી આપવાની ઓફર કરતા. આ પરિસ્થિતિથી વાકેફ હોવા છતાં કલ્યાણજી-આણંદજીએ કદી કોઇ ફરિયાદ કરી નહીં. મનમોહન દેસાઇ સાથે તો ઘર જેવા આત્મીય સંબંધ હતા, પરંતુ આ બંને સ્વમાની ભાઇઓએ કદી સામેથી કોઇ દોસ્ત નિર્માતા પાસે કામ માગ્યું નહીં. ઊલટું સતત કામ મળતું હોવા છતાં ૧૯૯૦-૯૧માં સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારીને નવી પેઢીના ગાયકોને તૈયાર કરવા પોતાના ફ્લેટમાં ગુરુકુળ ઊભું કરી દીધું. સૌની સાથે સુમેળભર્યા સંબંધો રાખ્યા. 

Tags :