Get The App

ક્રૂડના ભાવ તૂટી દોઢ વર્ષના તળિયે છતાં પેટ્રોલ-ડિઝલના ભાવ આસમાન

Updated: Mar 17th, 2023

GS TEAM


Google News
Google News
ક્રૂડના ભાવ તૂટી દોઢ વર્ષના તળિયે છતાં પેટ્રોલ-ડિઝલના ભાવ આસમાન 1 - image


- વૈશ્વિક બેન્કીંગ કટોકટીના પગલે માગ ઘટવાની ભીતિ વચ્ચે

- સરકાર શા માટે ભાવ ઘટાડતી નથી? પૂછાતો થયેલો પ્રશ્ન

મુંબઈ : વૈશ્વિક સ્તરે  વિવિધ બેન્કો નાણાંકીય ક્રાઈસીસમાં  આવી જતાં  વૈશ્વિક  અર્થતંત્રને   ફટકો પડયો છે ત્યારે  આવા કટોકટીના માહોલમાં  ક્રૂડતેલની  માગ  ઘટવાની ભીતિ   વચ્ચે વિશ્વ બજારમાં  ક્રૂડતેલના ભાવ તૂટી દોઢ વર્ષના તળિયે  ઉતરી ગયાના નિર્દેશો છતાં દેશમાં  પેટ્રોલ-ડિઝલના  ભાવમાં ઘટાડો નહિં  કરાતાં આ પ્રશ્ને   જનતામાં  નારાજગી  વધી હોવાના નિર્દેશો મળ્યા છે.   વિશ્વ બજારમાં  આજે ન્યુયોર્ક ક્રૂડતેલના ભાવ ગબડી  બેરલના  ૬૬ ડોલરની અંદર  ઉતરી ૬૫.૭૫થી  ૬૫.૮૦  ડોલર  સુધી ઉતરી ગયાના નિર્દેશો મળ્યા  હતા. બ્રેન્ટ ક્રૂડના  ભાવ તૂટી બેરલના  આજે  નીચામાં ૭૨ ડોલર  સુધી ઉતર્યા હતા.

સામાન્ય પણે  વિશ્વ બજારમાં  ક્રૂડતેલના ભાવ તૂટે છે  ત્યારે સરકાર દ્વારા પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડવામાં  આવે  એવી  પરંપરા હોય છે પરંતુ  તાજેતરમાં  ઘણા સમયથી  આ પરંપરામાં  ભંગ થઈ રહ્યો હોવાથી જનતામાં રોષ જણાયો છે.  પેટ્રોલ-ડિઝલના  ઉત્પાદનમાં  મૂળભૂત કાચા માલ તરીકે   ક્રૂડતેલનો વપરાશ  રિફાઈનરીઓ દ્વારા કરાય છે  અને ક્રૂડતેલના  ભાવ નીચા ઉતરે ત્યારે  આવી  રિફાઈનરીઓનો પેટ્રોલ  ડિઝલનો  ઉત્પાદન ખર્ચ  ઘટે છે  તેમ છતાં  સરકાર પેટ્રોલ-ડિઝલના   ભાવ શા માટે  ઘટાડતી નથી? એવો  પ્રશ્ન જનતામાં પૂછાતો  થયો છે.  દેશમાં હાલ મોંઘવારી  નોંધપાત્ર  વધી ગઈ  છે ત્યારે  હકીકતમાં  સરકાર દ્વારા  પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડવામાં  આવે તો જનતાને  ખાસ્સી  રાહત  થઈ શકે તેમ છે.આ વિશે સરકારે તાકીદે ગંભીરતાથી  વિચારી  તાત્કાલિક  નિર્ણય કરવો આવશ્યક  હોવાનું  બજારના જાણકારો  જણાવી રહ્યા  છે. પેટ્રોલ-ડિઝલના  ભાવ ઘટાડાશે તો ટ્રાન્સપોર્ટ ખર્ચ ઘટશે  અને જીવન જરૂરી  ચીજોના ભાવ  જેના કારણે નીચા આવશે  એવી ગણતરી બજારના સૂત્રો બતાવી રહ્યા છે.

Tags :