Get The App

સોનાચાંદીમાં મિશ્ર પ્રવાહ: ક્રુડ તેલમાં ઊંચા મથાળે સ્થિર વલણ જોવાયું

- કિંમતી ધાતુ પર આયાત ડયૂટીની ગણતરી માટેની ટેરિફ વેલ્યુમાં ઘટાડો

Updated: Sep 17th, 2023

GS TEAM


Google News
Google News
સોનાચાંદીમાં મિશ્ર પ્રવાહ: ક્રુડ તેલમાં ઊંચા મથાળે સ્થિર વલણ જોવાયું 1 - image


મુંબઈ : વિશ્વ બજાર પાછળ સપ્તાહ અંતે ઘરઆંગણે બંધ બજારે કિંમતી ધાતુના ભાવમાં ખાનગીમાં મિશ્ર વલણ રહ્યું હતું.  મુંબઈ બજારમાં શુક્રવારના સત્તાવાર બંધ ભાવની સરખામણીએ સોનામાં સુધારો જોવાયો હતો જ્યારે ચાંદી નરમ પડી હતી. ખાનગીમાં ડોલર સામે રૂપિયામાં સુધારો જોવાયો હતો. 

સોનાચાંદીની આયાત પર ડયૂટીની ગણતરી માટેની ટેરિફ વેલ્યુમાં ઘટાડો કરાતા ઈફેકટિવ ઈમ્પોર્ટ ડયૂટીમાં ઘટાડો જોવા મળશે. સોના પર આયાત ડયૂટીની ગણતરી માટેની ટેરિફ વેલ્યુ જે અગાઉ  દસ ગ્રામ દીઠ ૬૨૭ ડોલર હતી તે ઘટાડી ૬૧૨ ડોલર કરાઈ છે જ્યારે ચાંદીની કીલો  દીઠ ૮૦૪ ડોલર પરથી ઘટાડી ૭૪૦ કરાઈ છે. 

શનિવાર નિમિત્તે બંધ રહેલા મુંબઈ ઝવેરી બજારમાં સોનું ૯૯.૯૦ દસ ગ્રામના જીએસટી વગરના ભાવ રૂપિયા ૫૯૨૦૦ મુકાતા હતા જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામના રૂપિયા ૫૮૯૫૦ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા કવોટ થતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૭૧૫૭૫  બોલાતા હતા. 

અમદાવાદ બજારમાં સોનુ ૯૯.૯૦ દસ ગ્રામ દીઠ રૂપિયા ૬૧૧૦૦ જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામના રૂપિયા ૬૦૯૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૭૩૦૦૦ રહ્યા હતા. 

વિશ્વ બજારમાં સપ્તાહ અંતે સોનુ ઔંસ દીઠ ૧૯૨૩.૫૦ ડોલર જ્યારે ચાંદી પ્રતિ ઔંસ ૨૩.૦૩ડોલર બંધ રહી હતી. ૧૯ તથા ૨૦ સપ્ટેમ્બરના મળી રહેલી બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજ દર વધારવાનું હાલમાં અટકાવી દેશે તેવી અટકળોએ સોનામાં સ્થિરતા જોવા મળી હતી.

શનિવાર નિમિત્તે ફોરેકસ માર્કેટ બંધ રહી હતી પરંતુ ખાનગીમાં ડોલર સામે રૂપિયો સાધારણ મજબૂત રહ્યો હતો અને ૮૩.૧૩ બોલાતો હતો.  

ક્રુડ તેલમાં ઊંચા મથાળે સ્થિરતા જળવાઈ રહી હતી.  નાયમેકસ ક્રુડ તેલ પ્રતિ બેરલ ૯૦.૭૭ ડોલર જ્યારે બ્રેન્ટ ક્રુડ ઓઈલ બેરલ દીઠ ૯૩.૯૩ ડોલર બંધ રહ્યું હતું. 

Tags :