ક્રૂડમાં ઉત્પાદન કાપ છતાં કડાકો, 85 ડોલરની અંદર
- અમદાવાદ સોનું તૂટીને રૂ.૫૯,૦૦૦ની અંદર: અમેરિકામાં ગેસોલીનનો સ્ટોક જંગી વધતા ક્રૂડ દબાણ હેઠળ
- કિંમતી ધાતુઓમાં પણ વિશ્વ બજાર પાછળ નવેસરથી ઘટાડો
ક્રૂડમાં ઉત્પાદન કાપ છતાં કડાકો, ૮૫ ડોલરની અંદર
મુંબઇ : મુંબઇ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ વધુ તૂટયા હતા જ્યારે ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવ ફરી નીચા ઉતર્યા હતા. વિશ્વ બજારના સમાચાર પીછેહઠ બતાવતા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૧૮૨૬થી ૧૮૨૭ ડોલરવાળા નીચામાં ૧૮૧૯થી ૧૮૨૦ થઇ ૧૮૨૧થી ૧૮૨૨ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ૨૧.૨૪થી ૨૧.૨૫ વાળા ૨૧.૦૪થી ૨૧.૦૫ ડોલર રહ્યા હતા.
ક્રૂડ તૂટતા પેટ્રોલ ડિઝલના ભાવ ઘટવાની અટકળો શરૂ
વિશ્વ બજાર પાછળ ઘર આંગણે પણ ભાવ દબાણ હેઠળ જોવા મળ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઝડપી તૂટી જતાં તેની અસર વૈશ્વિક સોનાના ભાવ પર જોવા મળી હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ ગબડી બેરલના ૮૫ ડોલરની અંદર ઉતરી નીચામાં ૮૪ ડોલર નજીક પહોંચી ગયા હતા.
ક્રૂડ તેલના આવા નીચા ભાવ ઓગસ્ટમાં જોવા મળ્યા હતા. દરમિયાન, ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂા. ૩૦૦ તૂટી ૯૯.૫૦ના રૂા. ૫૮૬૦૦ તથા ૯૯.૯૦ના રૂા. ૫૮૮૦૦ બોલાતા થયા હતા. અમદાવાદ ચાંદી કિલોના રૂા. ૬૯૫૦૦ રહી હતી.
દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવ બેરલના બ્રેન્ટ ક્રુડના ૮૮.૯૩ વાળા નીચામાં ૮૪.૦૬ થઇ ૮૫.૨૩ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૮૭.૧૧ વાળા તૂટી ૮૨.૩૫ થઇ ૮૩.૫૪ ડોલર રહ્યાના નિર્દેશો હતા. નવી માગ ધીમી હતી. અમેરિકામાં ગેસોલીનના સ્ટોકમાં જંગી વૃદ્ધી થયાના સમાચારની અસર બજાર પર વર્તાઇ રહી હતી. જો કે સપ્ટેમ્બરમાં ક્રૂડતેલનો સ્ટોક વધ્યાના નિર્દેશો હતા.
ક્રૂડમાં સાઉદી અરેબીયા તથા રશિયાએ ડિસેમ્બર અંત સુધી ઉત્પાદન કાપનો અમલ ચાલુ વાયદાનો નિર્ણય કર્યો હોવા છતાં બજારભાવ ગબડતાં બજારના ખેલાડીઓ આશ્ચર્ય બતાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંશના ૮૮૦થી ૮૮૧ વાળા ૮૬૪થી ૮૬૫ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ઔંશ દીઠ ૧૧૮૬થી ૧૧૮૭ વાળા ગબડી ૧૧૫૭થી ૧૧૫૮ ડોલર રહ્યા હતા.
વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૩૧ ટકા માઇનસમાં રહ્યા હતા. દરમિયાન, મુંબઇ બુલીયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂા. ૫૬૪૨૬ વાળા રૂા. ૫૬૩૨૯ જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂા. ૫૬૬૫૩ વાળા રૂા. ૫૬૫૫૫ રહ્યા હતા જ્યારે મુંબઇ ચાંદીના ભાવ જીએસટી વગર રૂા. ૬૭૪૪૬ વાળા રૂા. ૬૭૨૦૪ રહ્યા હતા. મુંબઇ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતાં.