Get The App

ભાવનગર અને બોટાદ જિલ્લામાં પરશુરામજીના પ્રાગટયોત્સવની ઉજવણી કરાઈ

Updated: Apr 23rd, 2023

GS TEAM


Google News
Google News
ભાવનગર અને બોટાદ જિલ્લામાં પરશુરામજીના પ્રાગટયોત્સવની ઉજવણી કરાઈ 1 - image


- શોભાયાત્રામાં જય જય પરશુરામનો નાદ ગુંજી ઉઠયો

- સિહોર, પાલિતાણા, મહુવા તેમજ ગઢડા સહિતના સ્થળોએ વિશાળ શોભાયાત્રા વાજતે ગાજતે નિકળી

ભાવનગર : સમસ્ત બ્રહ્મસમાજના ઈષ્ટદેવ ભગવાન પરશુરામજીના પ્રાગટયોત્સવની ગોહિલવાડમાં પરંપરાગત રીતે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ભાવનગર તેમજ બોટાદ શહેર અને જિલ્લામાં મહાપૂજન, શોભાયાત્રા,બાઈકયાત્રા અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

યુવા પાલિવાલ બ્રહ્મસમાજ અને સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા શનિવારે શહેરમાં પરશુરામજીની જન્મજયંતિ નિમીત્તે વિશાળ જનમેદની વચ્ચે શોભાયાત્રા યોજાઈ હતી. સંતોની હાજરીમાં બ્રહ્મસમાજના આગેવાનો, પૂર્વના ધારાસભ્યની ઉપસ્થિતીમાં શોભાયાત્રાનો પ્રારંભ થયેલ.આશરે ૩ થી ૪ કિ.મી.લાંબી આ યાત્રામાં ૫૦૦૦ નો જનસમુદાય જોડાયો હતો. આ યાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરાયુ હતુ. આ યાત્રામાં ડીજે, ૭ ઘોડા, ૩ જીપ, ૧૦૦ જેટલી ફોરવ્હીલ, ૧૫૦૦થી વધુ સ્કુટર તેમજ ભગવાનનો રથ,મંડળીઓ સાથે સામેલ થયા હતા. યાત્રાની પુર્ણાહુતિમાં શિવકુંજ આશ્રમે ધર્મસભા મળી હતી. જેમાં સંતોએ આર્શિવાદ આપેલ. આ ઉપરાંત સિહોરમાં પરશુરામ જયંતિની ઉજવણીના ભાગરૂપે શનિવારે સવારે શોભાયાત્રા યોજાઈ હતી.જે શહેરની મેઈન બજારોમાં ફરી વડલાવાળી ખોડિયાર, બંધન પાર્ટી પ્લોટમાં પહોંચી હતી.બપોરે પ્રસાદ રાખેલ.યાત્રાના રૂટ પર ઠેર ઠેર ઠંડા પાણી,સરબત તેમજ પ્રસાદના સ્ટોલ ખડા કરાયા હતા.યાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા.સિહોર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.ગઢડાના મોહનનગરમાં સિધ્ધેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભગવાન પરશુરામજીની મહાઆરતી ઉતારી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાયુ હતુ. બંને કાર્યક્રમમાં સંતો અને રાજકીય, સામાજિક આગેવાનો,ભૂદેવો, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો બહોળી સંખ્યામાં જોડાયા હતા. જય પરશુરામના જયઘોષ વચ્ચે બાઈક રેલી યોજાઈ હતી. જયારે બોટાદમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા બપોરે મસ્તરામ મંદિરેથી શોભાયાત્રા નિકળી હતી. જે ટાવર રોડ, અવેડા ગેટ, જયોતિગ્રામ સર્કલ,ભાવનગર રોડ પર થઈને પ્રસાદેશ્વર મહાદેવ પહોંચી હતી.આ વેળા શહેરના તમામ માર્ગો હર હર મહાદેવ અને જય જય પરશુરામના નાદથી ગુંજી ઉઠયા હતા. આ શોભાયાત્રામાં સ્થાનિક વિવિધ ક્ષેત્રના આગેવાનો અને હોદેદારો સહિતના મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Tags :