જીવન રક્ષક કવચ સમાન રસી ગંભીર રોગો સામે લડવાનું અવિભાજય સાધન
- આવતીકાલ 16 માર્ચે રાષ્ટ્રીય રસીકરણ દિવસ ઉજવાશે
- દેશમાં રાષ્ટ્રીય રસીકરણની શરૂઆત વિશ્વમાં પોલિયોને રોકવા માટે કરાઈ હતી
રસી માનવ શરીર માટે જરૂરી તત્વ છે અને તે કેટલાંય રોગોથી બચવામાં મદદરૂપ છે. આ જ કારણ છે કે, બાળકના જન્મ બાદથી જ તેને રસી આપવામાં આવે છે. કોરોનાકાળ દરમિયાન રોગ પ્રતિકારક શક્તિને વધુ સારી બનાવવા માટે સમગ્ર વિશ્વમાં રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં રાષ્ટ્રીય રસીકરણની શરૂઆત વિશ્વમાં પોલિયોને રોકવા માટે કરાઈ હતી. ભારતમાં પોલિયોને જડમૂળથી ઉખેડવા માટે સરકાર દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ૧૬ માર્ચ ૧૯૯૫નાં રોજ પહેલી વાર દેશમાં જીવનરક્ષક પોલિયોની રસી આપવામાં આવી હતી. રાષ્ટ્રીય રસીકરણ દિવસ ભારત સરકારની પોલિયો ઉન્મૂલન કાર્યક્રમ પલ્સ પોલિયો અન્વયે મનાવવામાં આવે છે, જે ભારતમાંથી પોલિયો ઉન્મૂલન માટે એક ઉલ્લેખનીય પહેલ હતી. જેમાં ૫ વર્ષ સુધીના બાળકોને પોલિયોની રસીના બે ટીપાં આપવામાં આવ્યા હતા.ભારતમાં પલ્સ પોલિયો કાર્યક્રમે મોટી સફળતા મેળવી છે. કારણ કે, ૨૦૧૪માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ભારતને પોલિયો મુક્ત દેશ જાહેર કર્યો હતો. પોલિયો કાર્યક્રમની સફળતા બાદ, ભારતમાં ટીબી, બી.સી.જી. જેવી ગંભીર બિમારીઓ વિરુદ્ધ પણ રસીકરણ અભિયાન ચલાવામાં આવે છે. છેલ્લાં બે દાયકામાં રસી જોખમી રોગો સામે લડવાનું એક અવિભાજય સાધન બની ગઈ છે. જેને કારણે લાખો લોકો પોલિયો અને ટીબી જેવી ભયંકર જીવલેણ રોગોથી બચી શક્યા છે.