અવકાશયાત્રીઓની નાડ ભારતીય મૂળના તબીબને હાથ
- અરાઉન્ડ ધ વર્લ્ડ- કુલદીપ કારિયા
- અવકાશયાત્રીઓમાં ભારતીય ફૂડ હોટ ફેવરિટ છેઃ કારણ કે અવકાશમાં સ્વાદેન્દ્રીય નબળી પડી જાય છે, ભારતીય ફૂડ તીખુ-તમતમતું હોવાથી તે ટેસ્ટી લાગે છે
ચાહે તે બ્રિટન હોય, અમેરિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય, કેનેડા હોય, ભારતીય અથવા ભારતીય મૂળની પ્રતિભાનો ચમકારો પૃથ્વીના પટ પર ચહુઓર જોવા અને સાંભળવા મળે છે. છેલ્લા કેટલાક દિવસથી ભારત સાથે નાતો ધરાવતી વધુ એક પ્રતિભાનું નામ વર્લ્ડ મીડિયામાં ગાજી રહ્યું છે, ગૂંજી રહ્યું છે. તે નામ ડૉ. અનિલ મેનન. આ ડૉક્ટર બીજા ડૉક્ટર્સ કરતા જુદા છે. તેમને એરોસ્પેસ મેડિસિનમાં મહારત હાંસલ કરી છે. અવકાશમાં ગુરત્વાકર્ષણ હોતું નથી. ઑક્સિજન પણ કૃત્રિમ રીતે અપાતો હોય છે. ત્યારે કોઈ અવકાશયાત્રીની તબિયત બગડે તો તેની દવા પણ પૃથ્વી પર અપાતી દવા કરતા થોડીક જુદી હોય. એ કઈ રીતે જુદી હોવી જોઈએ, તે બાબતમાં શ્રીમાન મેનન સાહેબ વિદ્વતા ધરાવે છે.
એરોસ્પેસ મેડિસિન. પહેલા તો આવી લાઇનનું નામ જ ન સાંભળ્યું હોય. બહુ રેર લાઇન કહેવાય. તેમાં તેઓ ભણ્યા એટલું જ નહીં, પણ કાઠું કાઢ્યું છે. તેઓ પહેલા નાસા સાથે તબીબ તરીકે જોડાયેલા અને તે પછી સ્પેસએક્સમાં જોડાયા. હવે નાસાએ તેમને અવકાશયાત્રી તરીકે પસંદ કર્યા છે. નાસાના એક અભિયાનમાં જોડાવા માટે ૧૨,૦૦૦ અરજી આવી હતી. તેમાંથી માત્ર ૧૦ પ્રતિભાવંતની પસંદગી થઈ છે. તેમાંથી એક નામ ડૉક્ટર મેનનનું છે.
તેઓ યુક્રેનિયન અને ભારતીય મૂળના માતાપિતાનું મિક્સ બ્રીડ છે. મિનેસોટા રાજ્યના મિનિયેપોલિસમાં તેમનો જન્મ થયો છે. તેમણે સૌપ્રથમ મિકેનિકલ એન્જનિયરિંગમાં સ્નાતકની પદ્વી મેળવી. ત્યાર બાદ મેડિકલ લાઇનમાં ગયા. ઇમર્જન્સી મેડિસિન અને એરોસ્પેસ મેડિસિન જેવા વિષયોમાં વિશેષ અભ્યાસ કર્યો. નવી પેઢી માટે એરોસ્પેસમાં ખૂબ સ્કોપ છે એવું તેઓ કહે છે. ૨૦૧૪થી તેઓ નાસા સાથે છે અને ૨૦૧૮થી સ્પેસ-એક્સ જોડે. તેઓ કહે છે કે નાસા જેવી સંસ્થામાં ડૉક્ટર તરીકે કામ કરતા હો ત્યારે તમને એન્જિનિયરિંગની જાણકારી હોવી જરૂરી હોય છે. બે ઘોડે સવાર ન થવું જોઈએ કે બાવાના બેય બગડે જેવી કહેવતો તેમણે ખોટી પાડી છે.
અત્યાર સુધી તેઓ વીડિયો કોલથી અવકાશી દરદીઓ તપાસતા હતા. અવકાશયાત્રીને પેટમાં દુઃખાવો ઊપડે કે બીજી કોઈ સમસ્યા થાય તો તેઓ ડૉ. અનિલ મેનનને કોલ જોડીને તેમની મદદ લે છે. હવે તોઓ પોતે જ અવકાશયાત્રીઓ બનશે. આથી અવકાશયાત્રીઓને કેવી સમસ્યાઓ થાય છે તેનો તેમને ફર્સ્ટ હેન્ડ અનુભવ થશે. તેમનું માનવું છે કે ભવિષ્યમાં માણસ અવકાશમાં વધુ એઘેને આઘે યાત્રા ખેડશે તેમ તેને એરોસ્પેસ મેડિસિનની વધારે જરૂર પડશે.
ગુરુત્ત્વાકર્ષણને કારણે કોઇ પણ પ્રવાહી જમીન તરફ ધસે છે. અવકાશમાં એવું થતું નથી. તે હવામાંને હવામાં તરતું રહે છે. પરિણામે નાક જામ થઈ જાય છે. નાક જામ થઈ જાય ત્યારે સ્વાદ ઓછો અનુભવાય છે. આથી અવકાશયાત્રીઓ અવકાશમાં ભારતીય વાનગીઓ ખાવાનું વધુ પસંદ કરે છે. કારણ કે ભારતીય વાનગીઓ તીખી-તમતમતી હોય છે.
ડૉ. અનિલ મેનનના પિતા અચન મેનન મલબાર પ્રાન્તના હતા. અગાઉ કલ્પના ચાવડા અને સુનિતા વિલિયમ્સ ભારતીય મૂળના અવકાશયાત્રી રહ્યા છે. કલ્પના સ્પેસ શટલ કોલમ્બિયા પર રોબોટિક આર્મ ઓપરેટર તરીકે ગઈ હતી. ૨૦૦૩માં બીજું મિશન તેમના માટે જીવલેણ નીવડયું.
ઇમર્જન્સી મેડિસિન એટલે કટોકટીની સ્થિતિમાં કરાતાં દવાદારૂ. અનિલ મેનનને આ ક્ષેત્રમાં પણ સારો અનુભવ છે. ૨૦૧૦માં હૈતીમાં વિધ્વંશકારી ભૂકંપ આવ્યા પછી તેઓ ત્યાં પીડિતોની સહાય અર્થે પહોંચ્યા હતા. ૨૦૧૫માં દૈવયોગે એવું થયું કે તેઓ નેપાળ પહોંચવાના હતા તેની ૧૦ મિનિટ પહેલા જ ભૂકંપ આવ્યો. ત્યાં પણ તેમણે ઇમર્જન્સી મેડિસિન થકી ઘણાને મદદ કરેલી. નવેમ્બરમાં સ્પેસએક્સની ડ્રેગન કેપ્સ્યુલ અવતરણ વખતે દરિયામાં ખાબકી તે પછી ફ્રેન્ચ અવકાશયાત્રી થોમસ પેસ્કેને તેમણે જ બહાર કાઢ્યા હતા.
જે ૧૦ વિજ્ઞાાનીઓની પસંદગી થઈ છે તેમને આર્ટેમિસ જનરેશન તરીકે ઓળખવામાં આવે છે. તેઓ ભવિષ્યમાં ચંદ્ર અને મંગળ પર પણ જઈ શકે છે. નાસામાં આ ટુકડીને ૨૦૨૫માં ચાંદ પર ઉતારશે. જાન્યુઆરીમાં તેઓ જૉનસન અંતરિક્ષ કેન્દ્ર પહોંચશે. ત્યાં લગલગાટ બે વર્ષ લગી તેમની સઘન તાલીમ થશે. રશિયન સહયોગીઓ સાથે વાતચીત કરવા માટે તેમને રશિયન ભાષાનું શિક્ષણ પણ અપાશે.
સિતારો સે આગે જહાં ઔર ભી હૈ તે પંક્તિને આમણે જીવી બતાવી છે. વિવિધ ક્ષેત્રોમાં થતો ભારતીય નામોનો ગુંજારવ ભારતની જે નવી પેઢી છે, જે હજી ભણે છે ક જસ્ટ કામે લાગી છે, જેમને હજી સફળતા મળવાની અને વરવાની બાકી છે તેમનો ઉત્સાહ આસમાને પહોંચાડી દે છે. યસ વી કેન.
વૈશ્વિક હાઇલાઇટ્સ...
- રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન ભારત યાત્રા પર આવ્યા હતા. તેમણે વડાપ્રધાન મોદી સાથે મંત્રણા કરી. છેલ્લા ૨૦ વર્ષથી દર વર્ષે રશિયાના પ્રમુખ ભારત આવે છે. ગયા વર્ષે કોરોનાને કારણે આ ઉપક્રમ તૂટયો હતો, જે આ વર્ષથી પૂર્વવત થયો છે. ચીન અને અમેરિકા બંનેએ આ બેઠક પર બાજનજર રાખી હતી. દરમિયાન અમેરિકાના પ્રમુખ જો બાઈડને ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન પર હુમલો કરશે તો આર્થિક પરિણામ ભોગવવા પડશે.
- અમેરિકા અને તેના સહયોગી દેશોએ તાલિબાનને ચેતવણી આપી છે કે તેઓ અફઘાન સરકારના ભૂતપૂર્વ કર્મચારીઓ અને સુરક્ષા દળોને ટાર્ગેટ બનાવે નહીં, અત્યારે જે રીતે ત્યાં હત્યાનો સિલસિલો ચાલી રહ્યો છે તે જોતા અમેરિકા તથા બીજા ૨૨ દેશ દંગ રહી ગયા છે. તાલિબાને સત્તામાં આવતી વખતે વચન આપ્યું હતું કે તેઓ આ પ્રકારનું પગલું ઉઠાવશે નહીં, પરંતુ બહુ ટૂંકા ગાળામાં તેઓ પલ્ટી મારી ગયા છે.
- ૨૩૯ મુસાફરોને લઈને નીકળેલું એમએચ૩૭૦ વિમાન લાપત્તા બન્યાને સાત વર્ષ વીતી ચૂક્યા છે. આજે પણ તેની ભાળ મળી શકી નથી. એક એન્જિનિયરની ગણતરી પ્રમાણે મલેશિયાનું આ વિમાન ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરથી ૨૦૦૦ કિલોમીટર દૂર સમુદ્રમાં ખાબક્યું હોવાની આશંકા છે.
- યુ.કે.ના એક અભ્યાસમાં બહાર આવ્યું છે કે ફાઈઝર, એસ્ટ્રેઝેનેકા અને મોડર્ના આ ત્રણે રસીનું મિશ્રણ કરવાથી રોગ પ્રતિકારક ક્ષમતા વધારે સારી બને છે. વિજ્ઞાાનીઓનો મત છે કે બે રસીનું મિશ્રણ કરવા કરતાં ત્રણ રસીનું મિશ્રણ વધારે અસરકર્તા નીવડે છે. વિશ્વ પર અત્યારે ઓમિક્રોનનું જોખમ ઝળુંબી રહ્યું છે ત્યારે મામકા અને પાંડવાની ભાવના છોડીને દરેક વ્યક્તિને ઝપાટાભેર રસીકરણ કરવાની આવશ્યકતા છે. જ્યાં સુધી વિશ્વની તમામ વસ્તીને રસીકરણ કરવામાં આવશે નહીં ત્યાં સુધી નવા વેરિઅન્ટ ઉત્પાત મચાવતા રહેશે એ નક્કી છે.
- ચીનમાં માનવ અધિકારનું ઉલ્લંઘન થતું હોવાથી અમેરિકાએ એક પણ સરકારી અધિકારીને વિન્ટર ઑલિમ્પિક્સમાં ન મોકલવાનો નિર્ણય કર્યો છે. ન્યુઝીલેન્ડે કોરોનાનું બહાનુ આગળ ધરીને વિન્ટર ઑલિમ્પિક્સમાં તેના એક પણ રાજદ્વારીને ન મોકલવાની જાહેરાત કરી છે.
- બેટર ડોટ કોમના સીઈઓ વિશાલ ગર્ગે ઝૂમ એપ્લિકેશન પર વેબિનાર યોજીને કંપનીના નવ ટકા એટલે કે પૂરા ૯૦૦ કર્મચારીને તાત્કાલિક છૂટા કરી દીધા હતા. ઝૂમ કોલ દ્વારા આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓને છૂટા કરવાની આ ઈતિહાસમાં કદાચ સૌ પ્રથમ ઘટના છે. વિશાલ ભારતીય મૂળના અમેરિકન સીઈઓ છે. કર્મચારીઓની છટણી માટે તેમણે અક્ષમતા, ખરાબ બજાર અને ઓછી ઉત્પાદકતાના કારણો આપ્યા હતા.