Get The App

આંકલાવમાં વાવાઝોડા સાથે વરસાદ, કરાં પડયા

Updated: Mar 17th, 2023

GS TEAM


Google News
Google News
આંકલાવમાં વાવાઝોડા સાથે વરસાદ, કરાં પડયા 1 - image


- આણંદ જિલ્લામાં શુક્રવારે બપોર બાદ કેટલાક સ્થળે વરસાદ વરસ્યો

- છેલ્લા 3 દિવસથી વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેડૂતો ચિંતિત, માવઠાને લીધે ખેતીપાકોને નુકશાન

આણંદ : સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે સમગ્ર ગુજરાત રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે આજે નમતી બપોર બાદ આણંદ જિલ્લાના કેટલાક સ્થળોએ ભારે પવન ફૂંકાવાની સાથે માવઠું થયું હતું. જિલ્લાના આંકલાવ પંથકમાં બપોરના સુમારે કરા સાથે જોરદાર વરસાદ થતા લોકોમાં ભારે આશ્ચર્ય ફેલાયું હતું. કમોસમી વરસાદના કારણે આંકલાવ પંથકમાં ખેતી પાકને વ્યાપક નુકસાન પહોંચવાની ભીતિ વ્યાપી છે.

છેલ્લા ત્રણેક દિવસથી આણંદ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગત બુધવારના રોજ દિવસ દરમ્યાન વાદળછાયુ વાતાવરણ રહ્યા બાદ રાત્રીના સુમારે આણંદ શહેર સહિત જિલ્લાના વિવિધ સ્થળોએ કમોસમી વરસાદ વરસ્યો હતો. જો કે ગુરુવારે આકાશમાંથી વાદળો હટતા લોકોએ રાહત અનુભવી હતી. આજે શુક્રવારે પણ વહેલી સવારથી આકાશ આંશિક વાદળછાયુ રહેવા પામ્યું હતું. જો કે નમતી બપોર બાદ અચાનક જ તેજ પવનો ફૂંકાવાની સાથે સાથે ધુળની ડમરીઓ ઉડી હતી. જેને લઈ માર્ગો પરથી પસાર થતા રાહદારીઓ તેમજ વાહનચાલકોને અનેક તકલીફોનો સામનો કરવો પડયો હતો.

આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાં આજે નમતી બપોરના સુમારે આકાશમાંથી કરા વરસ્યા હતા. બરફના કરા સાથે તોફાની વરસાદ થતા પ્રજાજનોમાં ભારે કુતૂહલ વ્યાપ્યું હતું. કમોસમી વરસાદના કારણે આંકલાવ પંથકના ખેતરોમાં તૈયાર થયેલ તમાકુ, ઘઉં સહિતના પાકને વ્યાપક નુકસાન પહોંચવાની ભીતિ ધરતીપુત્રોને સતાવી રહી છે. 

ચાલુ સીઝનમાં પુનઃ એકવાર માવઠાનો માર થતા ખેડૂતોની આર્થિક હાલત કફોડી બનવા પામી છે. કમોસમી વરસાદને લઈ આંકલાવ પંથકના વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

Tags :