શિક્ષક-શિક્ષિકાની બિભત્સ પ્રેમલીલાથી વાલીઓનો હલ્લાબોલ
- આણંદ પાસેના લાંભવેલના ખોડિયારનગર વિસ્તારની પ્રાથમિક શાળાની શરમજનક ઘટના
- સરસ્વતીની ઉપાસનાના સ્થળે વિદ્યાર્થિનીઓની હાજરીમાં પ્રેમલીલાથી ભારે રોષે ભરાયેલા વાલીઓએ પ્રાથમિક શાળાને તાળાબંધી કરી
મળતી માહિતી મુજબ લાંભવેલ ગામના ખોડીયાર મંદીર પાછળ આવેલ ખોડીયારનગરની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા તારીક મહંમદ અને શિક્ષિકા શિતલ પટેલ વચ્ચે છેલ્લા ઘણા સમયથી પ્રેમસંબંધ હોઈ આ બંને શિક્ષકો ચાલુ શાળાએ બાળકોને શિક્ષણ આપવાની જગ્યાએ પોતાની પ્રેમલીલામાં વ્યસ્ત રહેતા હોવાની ફરીયાદો ઉઠી હતી. કેટલીક વાર શાળાની કિશોર વયની વિદ્યાર્થીનીઓની હાજરીમાં જ આ શિક્ષક-શિક્ષિકા બિભત્સ ચેનચાળા કરતા હોઈ વિદ્યાર્થીનીઓને શરમમાં મુકાવું પડતું હતું. તો કેટલીક વાર આ શિક્ષક કેટલીક વિદ્યાર્થીનીઓ સાથે શારિરીક અડપલાં કરતો હોવાની ફરીયાદો વિદ્યાર્થીનીઓ દ્વારા પોતાના વાલીઓને કરાઈ હતી. જેને લઈ વાલીઓ દ્વારા આ શિક્ષક-શિક્ષિકાની તાત્કાલીક શાળા ખાતેથી બદલી કરવામાં આવે તેવી માંગ સાથે શિક્ષણ વિભાગને રજૂઆત કરાઈ હતી. જો કે શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે કોઈ જ લક્ષ આપવામાં આવ્યું નહોતું.
દરમ્યાન આજે રોષે ભરાયેલ વાલીઓએ ખોડીયારનગર પ્રાથમીક શાળા ખાતે પહોંચી ભારે હોબાળો મચાવ્યો હતો. વાલીઓએ શાળા ખાતે પહોંચી બાળકોને શાળાની બહાર કાઢી વર્ગખંડોને તેમજ શાળાને તાળાબંધી કરી હતી અને જ્યાં સુધી આ શિક્ષક-શિક્ષિકાની બદલી કરવામાં નહિ આવે ત્યાં સુધી તાળાબંધી રહેશે તેમ જણાવ્યું હતું.
સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવી : આચાર્યા
આ અંગે પ્રાથમીક શાળાના આચાર્ય સંગીતાબેન સોલંકીએ જણાવ્યું હતું કે સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવી છે. બાળકોએ વાલીઓને ફરીયાદ કરતા વાલીઓ દ્વારા અમોને જાણ કરાઈ હતી.
બાદમાં શાળા કક્ષાએથી બંને શિક્ષકોને અવારનવાર સમજાવવામાં આવ્યા હતા પરંતુ આ બંને શિક્ષક દ્વારા પોતાની મનમાની ચાલુ રખાઈ હતી.
શાળાને તાળાબંધી કરવી કાયદાની વિરુધ્ધ હોઈ કાયદાકીય પગલાં ભરવાના થશે : શિક્ષણાધિકારી
પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી નિવેદીતાબેન ચૌધરીનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે ખોડીયારનગર પ્રાથમીક શાળાના શિક્ષક-શિક્ષિકાના વર્તન અંગેની રજૂઆત કચેરીને મળી છે અને આ બાબતે એક તપાસ કમિટી પણ રચવામાં આવી છે. જો કે તાળાબંધી કરવામાં આવી છે તે કાયદાની વિરુધ્ધ હોઈ કાયદાકીય પગલાં ભરવાના થશે તો તે કામગીરી કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું.