આમરોલ પાસે ગાંધીનગર વિજીલન્સનો દરોડો : રેતી ખનનનું રેકેટ ઝડપાયું
- આણંદનું ખાણ-ખનીજ વિભાગ ઉંઘતું રહ્યું
- ખનનમાં ઉપયોગમાં લેવાતા મશીનો સહિત લાખોનો મુદ્દામાલ કબજે કર્યો
આણંદ : આંકલાવ તાલુકાના આમરોલ નજીકથી પસાર થતી મહીસાગર નદીના પટમાં મોટા પાયે ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન ઉપર ગાંધીનગર વીજીલન્સના દરોડાથી ભૂમાફિયાઓમાં ખળભળાટી મચી જવા પામી હતી. આ દરોડામાં લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપાતા આણંદ ખાણ-ખનીજ વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
આણંદનું ખાણ-ખનીજ વિભાગ ઉંઘતુ રહ્યું અને ગાંધીનગરની વીજીલન્સની ટીમે આંકલાવ તાલુકાના આમરોલ નજીકથી પસાર થતી મહીસાગર નદીના પટમાં ઓચિંતો છાપો મારી ગેરકાયદેસર રેતી ખનનનું રેકેટ ઝડપી પાડયું હતું. આમરોલ મહીસાગર નદીના પટમાં મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન ચાલતું હોવાની બાતમી ગાંધીનગરની વીજીલન્સને મળી હતી. જેના આધારે વીજીલન્સની ટીમે શનિવારે વહેલી સવારે ઓચિંતો છાપો મારી રેતી ખનન કરતા લાખો રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરી કાર્યવાહી હાથ ધરી છે. વીજીલન્સની ટીમે રેતી ખનન પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતા હીટાચી મશીન તેમજ નાવડી મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લઈ આંકલાવ પોલીસને હવાલે કર્યો હતો.