Get The App

નવાખલ પાસે એસટી બસ અને બાઇક અથડાતા પિતા-પુત્રનું મોત

Updated: Aug 13th, 2023

GS TEAM


Google News
Google News
નવાખલ પાસે એસટી બસ અને બાઇક અથડાતા પિતા-પુત્રનું મોત 1 - image


- અકસ્માતમાં પરિવારના 2 સભ્યના મોતથી માતમ 

- પિતાનું ઘટનાસ્થળે જ્યારે 4 વર્ષીય પુત્રનું સારવાર અર્થે લઈ જતાં સમયે મોત

આણંદ : આણંદના આંકલાવ તાલુકાના નવાખલ ગામ નજીક શનિવારે સવારે એક એસ.ટી. બસ અને મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પિતા-પુત્રનું મોત નિપજ્યું હતું.

આંકલાવ તાલુકાના જીલોડ ગામે રોહીતવાસમાં રહેતા મહેશભાઈ ગણેશભાઈ રોહીત પોતાના ચાર વર્ષીય પુત્ર જયદીપ સાથે મોટરસાયકલ ઉપર સવાર થઈ શનિવારે સવારે નવાખલ-જીલોડ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન ગંભીરા બોરસદ તરફથી આવી રહેલી એક એસ.ટી. બસ સાથે મોટરસાયકલ અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. 

અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા મોટરસાયકલ ચાલક મહેશભાઈનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે તેમના પુત્રને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી એકઠા થયેલાં લોકોએ આ ઘટનાની જાણ ૧૦૮ને કરાતા ૧૦૮ની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ગંભીર રીતે ઘવાયેલા બાળકને સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં લઈ જવાયો હતો પરંતુ સારવાર મળે તે પૂર્વે જ તેનું પણ મોત નિપજ્યું હતું. આંકલાવ પોલીસની ટીમે તુરત જ ઘટના સ્થળે દોડી જઈ આ અંગે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

Tags :