Get The App

ભાલેજ ગામેથી ટ્રકમાં ક્રુરતાપૂર્વક ભરેલા 17 પશુઓને ગૌરક્ષકોએ બચાવ્યા

Updated: Mar 15th, 2023

GS TEAM


Google News
Google News
ભાલેજ ગામેથી ટ્રકમાં ક્રુરતાપૂર્વક ભરેલા 17 પશુઓને ગૌરક્ષકોએ બચાવ્યા 1 - image


- પશુઓને તાડપત્રીની આડમાં સંતાડીને વડોદરાના કરજણ લઇ જવાતા હતા

- ટ્રક ચાલક સહિત 3 જણાની ધરપકડ કરાઇ, 2 શખ્સો વોન્ટેડ જાહેર કરાયા

આણંદ : આણંદ જિલ્લાના ભાલેજ ગામેથી વડોદરા જિલ્લાના કરજણ ખાતે તાડપત્રીની આડમાં વગર પરમીટે કતલખાને લઈ જવાતા ૧૭ પશુઓ ભરેલ એક ટ્રકને ગૌરક્ષકોએ ઝડપી પાડી હતી. જે અંગે વડોદરા પોલીસે ટ્રક સહિત ૧૭.૫૫ લાખનો મુદ્દામાલ કબજે કરી ભાલેજના એક શખ્સ સહિત ત્રણ વ્યક્તિઓની અટકાયત કરી હતી જ્યારે અન્ય બે વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામેથી એક ટ્રકમાં ૧૭ જેટલા પશુઓને ક્રૂરતાપૂર્વક ખીચોખીચ ભરી તાડપત્રી ઢાંકી વડોદરા જિલ્લાના કરજણ ખાતે લઈ જવાતા હતા. દરમ્યાન વડોદરા જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના કાર્યકરોએ કપુરાઈ બ્રિજ નીચેથી રાજકોટ પાસીંગની આ ટ્રકને અટકાવી પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં ટ્રકમાં તાડપત્રીની આડમાં ૧૭ જેટલા પશુઓને ખીચોખીચ ભરેલા જોવા મળતા પોલીસે ટ્રકના ચાલક તથા ટ્રકમાં સવાર અન્ય શખ્સોની પૂછપરછ હાથ ધરતા ટ્રક ચાલક રમેશ આલાભાઈ ભરવાડ (રહે.નેત્રંગ) તેમજ અન્ય શખ્સો સંજય ભરતભાઈ પાટણવાડિયા (રહે.કરજણ) અને ફરીદ કાસમભાઈ કુરેશી (રહે.ભાલેજ, તા.ઉમરેઠ) હોવાનું અને તેઓ પાસે પશુઓની હેરાફેરી કરવા અંગે કોઈ પરમીટ ન હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે તેઓની વધુ પૂછપરછ કરતા આ પશુઓ ભાલેજ ખાતે રહેતા ઝુબેર મહેબુબભાઈ મલેકે ટ્રકમાં ભરાવી આપ્યા હતા અને સંદીપ કમલેશભાઈ ભટ્ટ (રહે.અટાલી ગામ, કરજણ)ને પહોંચાડવાના હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે આ બંને શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા હતા અને ટ્રક ચાલક સહિત અન્ય બે શખ્સોની અટકાયત કરી હતી. પોલીસે ટ્રક સહિત ૧૭.૫૫ લાખનો મુદ્દામાલ કબજે કરી ૧૭ પશુઓને પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા અને ઝડપાયેલ ટ્રક ચાલક સહિત અન્ય બે શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Tags :