અમદાવાદની NCB ટીમ દ્વારા પીપાવાવમાં અચાનક જ ચેકીંગ
કસ્ટમ, SOG અને FSLની મદદ લેવાઈ : હરિયાણાનાં કન્ટેનરમાં મેડિસીનનાં નામે આવેલા 900 બોકસમાં નશીલા પદાર્થ હોવાની આશંકા સાથે સેમ્પલ લઈને પરિક્ષણ માટે મોકલાયા
રાજુલા, : અમરેલીના દરિયા કાંઠે આવેલા પીપાવાવ પોર્ટ ઉપર અમદાવાદથી એનસીબી ટીમે ત્રાટકીને કન્ટેનર રોકાવી સર્ચ શરૂ કર્યું હતું. જેમાં મોટા પ્રમાણમાં મેડીસીનનો જથો મળી આવ્યો હતો. જેથી તેમાં નશીલા પદાર્થનો ભાગ હોવાની આશંકાને લઈ મોડી રાત સુધી તપાસનો ધમધમાટ ચાલુ રહ્યો હતો.
અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકાના દરિયા કાંઠે આવેલ પીપાવાવ પોર્ટની અંદર જેટી વિસ્તારમાં આજે અમદાવાદ નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરોની ટીમે સવારથી ધામાં નાખ્યા હતા. મળતી માહિતી પ્રમાણે હરિયાણાનું 1 કન્ટેનર રોકાવ્યું છે. જેમાં 900 ઉપરાંતના બોકસમાં કોઈ મેડીસીનનો જથ્થો નશીલા પદાર્થ તેમાં હોવાની આશંકાને લઈ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પોર્ટ ઉપર સર્ચ શરૂ થતા આસપાસ આવેલ દરિયાઈ કોસ્ટલ બેલ્ટના ઉદ્યાગગૃહોમાં ફફડાટ ફેલાયો છે. સવારથી મોડી રાત સુધી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું. અમરેલી સ્પેશ્યલ ઓપરેશન બ્રાન્ચ, સ્થાનિક પીપાવાવ કસ્ટમને પણ મદદ સાથે તપાસમાં બોલાવાયા છે. જયારે એફએસએલની ટીમને પીપાવાવ પોર્ટ ઉપર બોલાવી સેમ્પલ લઈ અમદાવાદ લેબમાં મોકલવાની પ્રક્રિયા હાથ ધરી છે.
અગાઉ પીપાવાવ પોર્ટ ઉપર અનેક કન્ટેનરો ઉપર તપાસો થઈ ચૂકી છે. થોફા સમય પહેલા પીપાવાવ વિસ્તારની કોન્ટ્રાસ લોજેસ્ટિક કંપનીમાં એટીએસ અને ડી.આર.આઈ.ના સંયુકત ઓપરેશન દરમ્યાન કન્ટેનરો યાર્નની અંદર ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેના કારણે રાજયની એજન્સીઓ એલર્ટ જોવા મળી રહી છે. આ વિસ્તારમાં દાણચોરી દ્વારા ડ્રગ્સનું ઘુસાડવા દેશ વિરોધી તત્વો સક્રિય છે, ત્યારે આવનારા સમયમાં સત્ય બહાર આવશે. મુન્દ્રા પોર્ટ બાદ હવે ડ્રગ માફિયાઓનો ડોળો પીપાવાવ પોર્ટ પર હોવાની લોકોમાં ચર્ચા જાગી છે. ત્યારે વિવિધ વિભાગો આવા દુષણ સામે સતત જાગૃતિ દાખવવી ખૂબ જ જરૂરી થઈ ગઈ છે.