Get The App

તરવડાના સ્વામિનારાયણ ગુરૂકુળમાં પ્રિન્સિપલે વિદ્યાર્થીને માર મારતા ઈજા

Updated: Dec 26th, 2022

GS TEAM


Google News
Google News
તરવડાના સ્વામિનારાયણ ગુરૂકુળમાં પ્રિન્સિપલે વિદ્યાર્થીને માર મારતા ઈજા 1 - image


ઝાપટો ઝીંકી, લાકડાના ધોકા અને ચપ્પલથી માર માર્યો : વર્ગ ખંડમાં લેકચર પૂરો થતા વિદ્યાર્થી ફિલ્મનું ગીત ગાતો હતો ત્યારે તું આપણા સ્વામીનું નામ આવે છે તેવું ગીત કેમ ગાય છે. કહી મારકૂટ 

અમરેલી, : અમરેલી તાલુકાનાં તરવડા ગામે આવેલ સ્વામિનારાયણ ગુરૂકુળમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ એક ફિલ્મનું ગીત ગાતા ગુસ્સે ભરાયેલા પ્રિન્સિપલે વિદ્યાર્થીને લાકડાનાં ધોકા અને ચપ્પલ વડે મારમારતાં વિદ્યાર્થીને સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા બાદ નોંધાયેલ પોલીસ ફરિયાદથી ભારે ચકચાર મચેલ હતી.

પ્રાપ્ત વિગત મુજબ ગત તા. 22 ના રોજ બપોરનાં ત્રણેક વાગ્યાનાં સુમારે તરવડા ગુરૂકુળમાં અભ્યાસ કરતાં ઉદય રમેશભાઈ કળસરિયા (ઉ.વ. 18) નામનો બારમાં ધોરણનો વિદ્યાર્થી પોતાનાં કલાસ રૂમમાં પીરીયડ પુરો થતાં બેઠો હતો. આ અરસામાં આ વિદ્યાર્થીએ ફિલ્મનું ગીત ગાતો હતો. આ ગીત પ્રિન્સિપલે પિયુષ સાવલીયા સાંભળી ગયેલ હતા. તેથી પ્રિન્સિપલ કલાસ રૂમમાં આવી વિદ્યાર્થીને કહે કે તું આપણા સ્વામિનું નામ આવે તવું ગીત કેમ ગાય છે ? અને કલાસ રૂમમાં અપશબ્દો કેમ બોલે છે. તેથી વિદ્યાર્થીએ કહેલ કે હું અપશબ્દો બોલેલ નથી. ફિલ્મનું ગીત ગાતો હતો.

તેથી ગુસ્સે ભરાયેલા પ્રિન્સિપલ કલાસ રૂમમાં વિદ્યાર્થીઓની વચ્ચે ગાળો દેવા લાગેલ હતા અને વિદ્યાર્થીને બે ઝાપટ મારી દીધેલ હતી. ત્યારબાદ પ્રિન્સિપલે વિદ્યાર્થીને પોતાની ચેમ્બરમાં લઈ ગયેલ ત્યાં ચપ્પલ અને લાકડીનાં ધોકા વડે પગમાં મારતાં વિદ્યાર્થી રાડા રાડ કરવા લાગેલ હતો અને રોવા લાગેલ હતો. બાદમાં પ્રિન્સિપલે રામ સ્વામિની માફી માંગવાનું કહેલ હતું. વિદ્યાયક રામ સ્વામિ પાસે માફી માંગવા ગયેલ હતો. જયાં સ્વામિ આ અંગે કંઈ જાણતા ન હોવાનું કહી સો ઉઠક બેઠક કરી નાખવાનું કહેલ હતું. ત્યાથી વિદ્યાર્થી ફરી પાછો પ્રિન્સીપાલ પાસે ગયેલ હતો. જયાં પ્રિન્સિપલે વિદ્યાર્થીને એલસી આપી દેવાની ધમકી આપેલ હતી.

તેથી બીજા દિવસે વિદ્યાર્થી પોતાના ગામ ખાંભા જતો રહેલ હતો. વિદ્યાર્થીએ પોતાનાં ઘરે ઘટનાં અંગે કોઈ વાત કરેલ ન હતી. પરંતુ ગઈકાલે લાકડાનાં ધોકાથી મારેલ પગની પીંડીના ભાગે દુખાવો થતાં તેમનાં પિતાને વાત કરેલ હતી. પરીવારના ચાર જેટલા સભ્યો વિદ્યાર્થીને સારવાર અર્થે ખાંભા દવાખાને લઈ ગયેલ હતા. ડોકટરે સારવાર આપી વિદ્યાર્થીને રજા આપેલ હતી. બાદમાં પ્રિન્સીપાલ પિયુષ સાવરલીયા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવેલ હતી. 

Tags :