લાઠીની સિવિલ હોસ્પિટલની હાલત બીમાર, મેજર રિપેરિંગની જરૂર
તાલુકાના ૫૨ ગામડાઓ માટે એક જ આરોગ્ય સેવા
તજજ્ઞા ડોક્ટરોના અભાવે મોંઘામૂલા મશીનો ધૂળ ખાય, દર્દીઓની હાલત કફોડી
અમરેલી: લાઠીના ૫૨ ગામડાઓ માટે આરોગ્ય સેવા માટેની એક માત્ર હોસ્પિટલની હાલત ખુબજ ખરાબ બની ગઈ છે. સરકારે આ હોસ્પિટલના બિલ્ડિંગને તાકિદે મેજર સમારકામ કરાવી કાયાપલટ કરવાની જરૂરત છે.
રાજ્યની ડબલ એન્જિન સરકાર આરોગ્ય સેવા બાબતે સાવ નિષ્ક્રીય બની ગઈ છે. સંવેદનશીલ સરકારને લોકોના આરોગ્ય બાબતે જાણે કે ચિંતા કે સંવેદના જ ન હોય એમ હોસ્પિટલની હાલતમાં કોઈ સુધારા કરવામાં આવતા નથી. લાઠીમાં સરકારી હોસ્પિટલમાં બિલ્ડિંગની હાલત ખુબજ ખરાબ બની ગઈ છે. અહી બિલ્ડિંગની દિવાલોમાંથી ઝાડ ફૂટી નીકળ્યા છે. આ હોસ્પિટલની દરકાર લેવામાં ન આવતા ધીમે ધીમે ખંડેર બનવા જઈ રહી છે. બિલ્ડિંગની છતમાંથી સળિયા દેખાવા લાગ્યા છે. અને છતમાંથી પોપડા પડે એવી હાલત છે.
આ હોસ્પિટલમાં કોઈ ખાસ તજજ્ઞા ડોકટરો નથી જેથી લોકોએ ખાનગી સારવાર કરાવવા જવુું પડે છે. અહી મશીનો અને સાધનસામગ્રી બધી છે પણ સારા નિષ્ણાત ડોકટરોનો અભાવ છે. જેથી મશીનો ધૂળ ખાય છે.