Get The App

ત્રીજી લહેરને તાણી લાવનારાઓ આપણી નજીક છે

Updated: Jul 20th, 2021

GS TEAM


Google News
Google News
ત્રીજી લહેરને તાણી લાવનારાઓ આપણી નજીક છે 1 - image


- અલ્પવિરામ

- માસ્ક એક આરોગ્યદાયી માંગલિક પરિધાન છે. હવે આપણે જે નવી દુનિયામાં છીએ તેમાં સ્ત્રી-પુરુષનું સમાન લઘુ વાભૂષણ આ માસ્ક છે. માસ્ક આપણો નૂતન આરોગ્ય-સંકલ્પ છે, આરોગ્ય-શૃંગાર છે

આજથી બે વરસ પહેલા એક વાર ત્રિમાસિક ગાળાનો ભારતીય વિકાસ દર ૪.૫ ટકા જેટલો આવતાં સન્નાટો બોલી ગયો હતો અને દેશના નાણાં પ્રધાનના કાનમાં ધાક પડી ગઈ હતી. છેલ્લા છ વરસમાં એ સૌથી નીચો વિકાસ દર હતો. દેશમાં અનેક પ્રકારની ડિમાન્ડ ઘટવાની એ શરૂઆત હતી. આવક એક વાત છે અને લોકોની ખર્ચ ક્ષમતા એ સાવ બીજી જ વાત છે.

આવક તો કાર્યો, બુદ્ધિમત્તા, બિઝનેસ, કે વારસાગત પણ હોઈ શકે. પરંતુ ખર્ચની વાત આવે ત્યાં અર્થશાસ્ત્ર સાથે મનોવિજ્ઞાાન પણ જોડાઈ જાય છે. ઘટતો વિકાસ દર એ વાતનો પણ પુરાવો આપે છે કે પ્રજા હવે જરૂરિયાતો ઘટાડી રહી છે અને અલ્પ સાધને જીવન નિભાવવા તરફ આગળ વધી રહી છે. એમાં બે વરસથી અચાનક ત્રાટકેલા કોરોનાએ વિકાસ દર અંગેની ચર્ચા જ અપ્રસ્તુત બનાવી દીધી છે. એ વળી ઈકોનોમિક્સમાં ઠોઠ નિશાળિયા જેવી સરકારને ગમતી વાત છે.

બોલીવૂડ ફિલ્મો પર પણ કોરોનાની ગંભીર અસર થઈ છે જે અબજોનું ટર્નઓવર કરતી હતી. એક માન્યતા એવી પણ છે કે મંદીમાં મનોરંજન ઊંચકાય છે. પરંતુ કોરોનાનું તો કોઈ ગણિત જ નથી. કોરોનાની વિભાવના તો મંદીથી એક ડગલું આગળ છે. આપણે જે મહાકાય મલ્ટીપ્લેક્સ નિર્માણ કર્યા એના ઊંચા ભાવ દર્શકોને હવે જ્યારે પણ થિયેટરો ખુલશે ત્યારે દ્વિધામાં મૂકશે. માઈનસ આસપાસ રમતો ભમતો વિકાસ દર બતાવે છે કે દેશમાં સાર્વત્રિક રીતે ઉત્પાદનમાં કાપ ચાલે છે.

દુનિયાના વિખ્યાત અર્થશાસ્ત્રીઓ તો જાહેર થતાં આંકડાઓથી પણ વાસ્તવિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં જાતે એક ટકો ઘટાડીને અંદાજ બાંધે છે. લોકોનો પૈસા પર કાબૂ વધ્યો છે. કોઈક અજ્ઞાાત અને કોરોના જેવા જ્ઞાાત ભયને કારણે લોકોને આર્થિક અસલામતીની દહેશત છે. આંતર-પ્રિનિયોર લોકો પણ બજાર ઠંડી છે એમ માનીને હમણાં નહિ-હમણાં નહિ... વિચારીને પોતાના નવા સાહસોને પાછા ઠેલે છે.

ઈંગ્લેન્ડની વર્તમાન અવદશા અને એના નવા લોકડાઉનથી ચિંતિત કદાચ આપણે ન થઈએ તો પણ આગામી મહિનાઓમાં સ્થિતિ સુધરે તોય પસાર થઈ ગયેલા નીચા દરના એક વરસને કારણે વિકાસ દર રાતોરાત તો કૂદકો મારી શકે નહિ, એટલે ચાલુ નાણાંકીય વરસમાં બહુ ઊંચે પહોંચવાની વાત તો માત્ર એક કલ્પના છે.

ભારત આ વિશ્વથી બહાર નથી. કેન્દ્ર સરકારે સતત ઉપરાઉપરી લીધેલા ખોટા અને ત્રાસદાયી નિર્ણયોના પરિણામો હજુ તો આવવાના શરૂ થયા ત્યાં જ એમાં કોરોનાએ નકારાત્મક સહાય કરેલી છે. આ ક્રમ લાંબો ચાલવાનો છે. દેશનું કોર્પોરેટ જગત આ બધું સારી રીતે જાણે છે પણ ચૂપ છે. વ્યાપાર અને વાણિજ્ય ક્ષેત્રના દિગ્ગજો પૂંછડી સંતાડીને ફરે છે.

દેશમાં વિદ્યુત ઉત્પાદન ૧૨.૫ ટકા ઘટી ગયું છે. એ જ બતાવે છે કે અન્ય ઉત્પાદનો વિપુલ પ્રમાણમાં ઘટી ગયા છે. આ ઘટનું મુખ્ય કારણ ડિમાન્ડનો અભાવ છે. બજારમાં છાને પગલે એક પ્રકારની સ્થગિતતા પ્રવેશી ગઈ છે. જે ચાલે છે તે ફરજિયાતના ધોરણે અને જીવન જરૂરિયાતના કારણે ચાલે છે. ભાજપ પાસે એક તો પરિસ્થિતિનું આર્થિક દ્રષ્ટિએ સતત મૂલ્યાંકન કરવાની યોગ્યતા નથી. પરંતુ યોગ્ય નિષ્ણાતોનો મત લઈ શકાય છે.

તો રઘુરામ રાજન અને ઉર્જિત પટેલ જેવા મહારથીઓની વાત અગાઉ સાંભળી નથી અને હજુ એ કક્ષાના જે અર્થશાસ્ત્રીઓ દેશમાં છે એમની વાત પણ સાંભળવી નથી. એવા અનેક નિષ્ણાતો એનડીએ સરકારથી ક્યાં તો વિમુખ થઈ ગયા છે અથવા તો પોતપોતાની દુનિયામાં ગતિ કરી ગયા છે. જે દેશમાં કોર્પોરેટ સેક્ટરના માંધાતાઓ પોતાના સ્પષ્ટ અભિપ્રાય ખુલ્લંખુલ્લા ન આપે અને સરકાર પણ એમને ન સાંભળે ત્યાં આર્થિક નીતિઓ પ્રયોગખોર અને અવાસ્તવિક હોય છે.

એવી અનેક ખોટી નીતિઓની બેડીઓએ વિકાસ દરના પગ બાંધી રાખ્યા છે. સરકાર જે રીતે નાણાંકીય સાધનો ઊભા કરવા અને રાજકોષીય ખાધ ઘટાડવા માટે જાહેર સાહસોમાંથી પોતાના હિસ્સાની સરેઆમ વેચવાલી કરી રહી છે એ પણ હકીકતમાં તો એક પ્રકારનો અદ્રશ્ય રિઝર્વ ખજાનો જ છે જેને પણ હવે ખાલસા કરવામાં આવે છે અને દેશમાં એક લોબી છે કે જે ડેલ હાઉસી જેવી આ આર્થિક ખાલસા નીતિની નિત્ય સ્તુતિ અને પ્રશંસા કર્યા કરે છે. દેશના આર્થિક વિકાસને વેગ આપવા માટે શું કરવું જોઈએ એનાથી નાણાં મંત્રાલય અજ્ઞાાત નથી પરંતુ એ રસ્તો એને લેવો નથી.

આ મંત્રાલય જેટલીના સમયથી વિપરીત ગતિમાં ચાલે છે અને સીતારામન પણ એ જ ખોટી દિશામાં પોતાનું જહાજ હાંકે છે. સવાલ એ છે કે જે રીતે કેન્દ્ર સરકાર અત્યારે અર્થતંત્ર સુધારણાના આડેધડ પગલા લઈને સંતોષ માને છે ને વાસ્તવની અવગણના કરે છે એ રીતે ગાડી પાટે ચડશે કે નહિ ? વળી નાગરિકોનું જાહેર વર્તન કોઈ રીતે કોરોના પ્રતિરોધક નથી. એ તો કોરોના નિમંત્રણ છે.

કેટલાક લોકોને એની જવાબદારી પરત્વે કોઈ ગંભીરતા હોતી નથી. મોટી ઉંમરે પણ મોટા થયા ન હોય તેવા લોકોથી આપણો સમાજ છલકાય છે તે સામ્પ્રતની સૌથી મોટી કરૂણતા છે. માસ્ક ન પહેરનારા લોકો એ જ છે જેમનામાં જવાબદારીનું ભાન નથી. માસ્ક એક આરોગ્યદાયી માંગલિક પરિધાન છે.

હવે આપણે જે નવી દુનિયામાં છીએ તેમાં સ્ત્રી-પુરુષનું સમાન લઘુ વસ્ત્રાભૂષણ આ માસ્ક છે. માસ્ક આપણો નૂતન આરોગ્ય-સંકલ્પ છે, આરોગ્ય-શૃંગાર છે. કોરોના વાયરસ ભારતમાં પ્રવેશ્યો તેને હવે દોઢ વરસ કરતા વધુ વખત થયો. કોરોના વાયરસ શું છે અને તે કેટલો જોખમી છે તે હવે લગભગ દરેક ભારતીય જાણે છે.

લોકડાઉન હવે રહ્યું નથી, હવે જે પરિસ્થિતિ છે તે અનલોક છે. અનલોક હોવા છતાં લોકોને સતત સૂચના આપવામાં આવે છે કે બેદરકારી ન દાખવે, સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરે અને જરૂર સિવાય બહાર ન નીકળે. લગ્ન પ્રસંગની છૂટ આપવામાં આવી પણ મર્યાદિત લોકોની હાજરીમાં.

રાષ્ટ્રીય સ્તરે કોરોના સામે લડાઈ માટે લોકોને તૈયાર કરવામાં આવે છે પણ એક મોટો સમુદાય એવો છે જેને આ પરિસ્થિતિની ગંભીરતાનો ખ્યાલ છે છતાં નથી. આવા લોકોની બેદરકારી સમાજ માટે ભયંકર ખતરારૂપ બની છે. કારણ કે ત્રીજી લહેરને એ લોકો જ તાણીને લઈ આવવાના છે. જેથી નિર્દોષ લોકો શિકાર બનવાના છે.

કોરોનાથી બચવા માટેની ગાઈડલાઇન સતત બહાર પાડવામાં આવે છે પરંતુ તેનો સખતાઇથી અમલ કેમ કરાવવામાં આવતો નથી ? સરકાર અને તેના વિભિન્ન ખાતાઓના અધિકારીઓ કેમ કડકપણે નિયમોનું પાલન કરાવતા નથી ? લોકો તો બેદરકારી દાખવી જ રહ્યા છે પણ સ્થાનિક તંત્ર હવે લોકોની ગતિવિધિ પર ચાંપતી નજર રાખવાનું જરૂરી નથી સમજતું. એટલે કે સરકારી અધિકારીઓએ પોતાની જવાબદારી અમુક અંશે પડતી મૂકી છે.

આ ગંભીર સ્થિતિ છે. દેશના કોઈ પણ શહેરમાં માસ્ક વિના ફરતા બેવકૂફોની સંખ્યા બહુ મોટી છે. રાજસ્થાનમાં પણ આવા જ એક લગ્ન સમારોહમાં નિયમોનું પાલન થયું ન હતું જે ધ્યાનમાં આવતા પરિવારે છ લાખ રૂપિયાનો દંડ ભરવો પડયો છે. જો આ જ રીતે બેદરકારી વધતી રહી તો સંક્રમિત લોકોની સંખ્યા પણ વધતી રહેશે અને ચેપી લોકો વીજળીક ઝડપે સમાજના મોટા સમુદાય માટે ટાઈમ બૉમ્બ બની જશે જેની સજા બીજી લહેરની જેમ ફરીવાર આખા દેશે ભોગવવાની રહેશે. 

Tags :